Western Times News

Gujarati News

સ્ટ્રેસના કારણે લોકો શારીરિક અને માનસિક બીમારીઓનો ભોગ બની રહ્યા છે

AI Image

તણાવ – લોકોનું જીવવું હરામ કરી રહ્યો છે-દરેક માણસ કોઈ ને કોઈ તણાવ અનુભવી રહ્યો છે. આખરે શાંતિ કેમ ફીલ થતી નથી ?

દુનિયાના મોટાભાગના લોકોને અત્યારે જો સૌથી વધુ કંઈ પરેશાન કરી રહ્યું હોય તો એ છે તણાવ. દરેક માણસ અત્યારે કોઈ ને કઈ તણાવનો સામનો કરી રહ્યો છે. કોઈને કામનો સ્ટ્રેસ છે, કોઈને સંબંધની ચિંતા છે, કોઈને સ્વાસ્થ્યનો ભય સતાવી રહ્યો છે, કોઈને ભવિષ્યનો ડર સતાવી રહ્યો છે તો કોઈને જે પરિસ્થિતિ છે એમાં ટકવાની મથામણ છે. ગોલ, ટાર્ગેટ, અચીવમેન્ટ, સકસેસ માટે લોકો રાત-દિવસ એક કરી રહ્યા છે.

તનોડ મહેનત કરવા છતાં પણ ધાર્યા મુકામ સુધી પહોંચી શકાશે કે કેમ એ સવાલ સતાવી રહ્યો છે. બે છેડા ભેગા કરવાની મથામણ ચાલતી રહે છે. અણધાર્યા ખર્ચ બજેટને તિતરબિતર કરી નાખે છે. બચત થતી નથી અને સપનાંઓ સામે સવાલો લાગતા રહે છે.

અધૂરામાં પુરું સોશિયલ મીડિયા સ્ટ્રેસમાં વધારો કરી રહ્યું છે. યંગસ્ટર્સ ફોલોઅર્સ અને લાઈક વધારવા માટે ગમે તે ગતકડાં કરે છે. બધા પ્રયાસો છતાં જોઈએ એવો રિસ્પોન્સ ન મળે એટલે હતાશા ઘેરી વળે છે. ફોલોઅર્સ એવી ચીજ છે કે, કોઈ ને કોઈ આંકડાથી સંતોષ જ નથી થતો. મારા કરતાં એના ફોલોઅર્સ કેટલા બધા વધારે છે, મને તો જોઈએ એટલી લાઈક પણ મળતી નથી.

સોશિયલ મીડિયા પર બીજા લોકોની પોસ્ટ જોઈને મોટા ભાગના લોકોએ એમ થાય છે કે, આખી દુનિયા જલસા કરે છે અને મારા નસીબમાં જ મજૂરી લખાયેલી છે. વર્ચ્યુઅલ વર્લ્ડે જે ભ્રમો પેદા કર્યા છે એમાં લોકો ફસાઈ રહ્યા છે. લોકોને બધું જ જોઈએ છે અને બહુ ઝડપથી જોઈએ છે. ધીરજ નામનું તત્ત્વ હવે લુપ્ત થતું જાય છે. હમણાંનો એક અભ્યાસ એવું કહે છે કે, જે રીતે લોકોનું સ્ટ્રેસ લેવલ વધી રહ્યું છે એ જોખમી છે.

મગજની નસો ફાટી જાય એ હદે લોકો તણાવ ભોગવી રહ્યા છે. હદ તો એ વાતની છે કે, નાની ઉંમરનાં બાળકોમાં પણ હવે સ્ટ્રેસ જોવા મળે છે. અગાઉના સમયમાં છોકરો કે છોકરી યંગ ન થાય ત્યાં સુધી એને ખબર જ નહોતી કે, સ્ટ્રેસ કઈ બલાનું નામ છે. હવે તો ટીનેજર પણ ટેન્શનમાં રહે છે. ટેન્શનમાં રહેવાનાં કારણ ન હોય તો એ લોકો બેઠાં કરે છે. સ્ક્રીન ટામઈના કારણે પણ સ્ટ્રેસ વધે છે. લોકો મોબાઈલમાં કંઈને કંઈક જોતા રહે છે એના કારણે એનું મગજ ફ્રી જ નથી રહેતું. એના કારણે સ્ટ્રેસ પેદા થાય છે. માણસ નાની નાની વાતોમાં છંછેડાવા લાગ્યો છે અને લડવા ઉપર ઉતરી આવે છે.

અમેરિકામાં હમણાં સાયકોલોજીસ્ટ્‌સની એક બેઠક મળી હતી. દુનિયાના નિષ્ણાત માનસશાસ્ત્રીઓએ કહ્યું કે, લોકોને એ સમજ નથી પડતી કે તેઓ શું કરી રહ્યા છે ! આખરે તેને શું જોઈએ છે ? સુખ અને શાંતિની અનુભૂતિ કેવી રીતે થાય એ જ તેમને ખબર નથી. લોકો બે મિનિટ પણ નવરાં બેસી શકતા નથી. સંવાદની કળા લોકો ભૂલી રહ્યા છે. યંગસ્ટર્સ આંખમાં આંખ મિલાવીને વાતો કરતો નથી. જે વાત કરતા હોય એમાં એનું ધ્યાન જ નથી હોતું.

નવી જનરેશન સેલ્ફ સેન્ટર્ડ થતી જાય છે. જયારે એ કોઈ મુસીબતમાં આવે છે ત્યારે એકલતા અનુભવે છે. પોતાના દિલની વાત કોઈને કહી શકતા નથી. પોતાની જાત સાથે રહેવાની આદત જ લોકો ગુમાવતા જાય છે. મનોચિકિત્સકો દરેકને પોતાની જાતને જ એવો સવાલ પૂછવાનું કહે છે કે, છેલ્લે તમે ક્યારે શાંતીથી બેઠા હતા ? કંઈ જ કૃયા વગર ક્યારે પ્રકૃતિનો નજારો માણ્યો હતો ? ક્યારે તમે પંખીઓનો અવાજ સાંભળ્યો હતો ?

ક્યારે ઝરણા કે નદી પાસે ગયા હતા ? લોકો નથી જતા એવું બિલકુલ નથી, પણ જયારે જયા છે ત્યારે પણ તેનું ધ્યાન ફોટા પાડવામાં અને એંગલ શોધવામાં જ હોય છે. પ્રકૃતિનો અહેસાસ તો એ માણી જ નથી શકતા. શાંતિથી બેસવાની આદત જ માણસ ભૂલી ગયો છે.

સ્ટ્રેસના કારણે લોકો હાઈપર ટેન્શન, એંગ્ઝાઈટી, અનઈઝીનેસનો ભોગ બની રહ્યા છે. જરાકેય કંઈ થાય તો એનું મગજ છટકે છે. મોબાઈલમાં કંઈ ખૂલતા કે ડાઉનલોડ થતાં વાર લાગે તો મગજની નસો ખેંચાવા લાગે છે. લિફટ આવવામાં વાર લાગે તો ભવાં તંગ થઈ જાય છે. ઘરે મોબાઈલમાં મસ્ત હોય અને કોઈ કંઈ કામ સોંપે તો ગુસ્સે થઈ જાય છે.

ફોન આવે તો પણ શાંતિથી વાત કરી શકતા નથી. કોઈ ને કોઈ ઈનસિક્યોરિટીથી માણસ પીડાઈ રહ્યો છે. મનોચિકિત્સકો એવી સલાહ આપે છે કે, દરેક વ્યક્તિએ પોતાની મનોસ્થિતિ ચેક કરતા રહેવું જોઈએ. વિચારોને કંટ્રોલમાં રાખવા જોઈએ. ઓવરથિંકિંગથી બચવું જોઈએ. ખાસ તો શાંતિની અનુભૂતિ થાય એવું કરતા રહેવું જોઈએ.

બધાને કોઈ એક જ રીતે શાંતિ ફીલ થાય એવુ જરૂરી નથી. રિલેકસ થવાની દરેકની પોતાની રીત હોય છે. તમને જે રીતે હળવાશ લાગે એ રીત અપનાવવી જોઈએ. વિચારશૂન્ય પણ એક એવી અવસ્થા છે જે રિલેક્સ ફિલ કરાવી શકે છે.

કોઈ વિચાર જ નહીં કરવાના. આમ તો માણસને સતત કોઈ ને કોઈ વિચારો આવતા જ રહે છે. આમ છતાં જો થોડાક પ્રયાસો કરવામાં આવે તો થોડીક ક્ષણો માટે પણ એવું લાગે કે, મન બેચેની અનુભવે છે ત્યારે થોડીક ક્ષણો બધું મુકીને શાંતિથી બેસો. પોતાની જાત સાથે વાત કરો કે, ચિંતા કરવા જેવું કંઈ નથી. કોઈ પ્રોબ્લેમ હોય તો પણ ચિંતા કરવાથી કોઈ ફેર પડવાનો નથી.

માણસ જયારે મુશ્કેલીમાં હોય ત્યારે એને સૌથી વધુ હળવાશની જરૂર હોય છે. થાય છે ઉલટું, માણસ જયારે કોઈ સમસ્યામાં હોય ત્યારે એ શાંત રહેવાને બદલે વિહ્‌વળ થઈ જાય છે. જેટલી મોટી સમસ્યા હોય એટલી વધુ હળવાશની જરૂર પડે છે. ગભરાઈ જવાથી કે હાય હાય હવે શું થશે એવું કરવાથી કોઈ ફેર પડવાનો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.