તમે મોબાઈલમાં ગુજરાતીમાં બોલશો ત્યારે સામે છેડે તે જે ભાષા જાણતા હશે તે તેને સાંભળશે

અત્યારે ખૂબ મેડિકલક્ષેત્રે AI ડોક્ટરોનું સ્થાન લઈ રહ્યા છે. બ્લડ રિપોર્ટ સમજાવવો કે રિપોર્ટના આધારે દવા લખી આપવી કે કાઉન્સિલિંગ કરવાનું કામ રોબોટ કરી રહ્યા છે.
AI ક્યારેય માણસની કોઠાસૂઝથી આગળ વધી શકશે નહીં. કોઠાસૂઝ એટલે અંતરમનથી મળતો આઈડિયા-વિચાર છે.
તાજેતરમાં એક પ્રગતિશીલ ઉદ્યોગપતિએ એક સરસ વાત કરી કે, AI ક્યારેય માણસની કોઠાસૂઝથી આગળ વધી શકશે નહીં. કોઠાસૂઝ એટલે અંતરમનથી મળતો આઈડિયા-વિચાર છે. જ્યારે શિક્ષણ કે ટેકનોલોજીથી ઉકેલ ન મળે ત્યારે મનમાં ઊગતો વિચાર એટલે કે, મનમાં આવતો આઈડિયા એ કોઠાસૂઝ કહેવાય જે માણસની અંતરમનની શક્તિ કરતા એઆઈ ક્યારેય આગળ વધી શકે નહીં.
આ વાત સાચી પણ છે પરંતુ, એઆઈની ક્રાંતિ જે રીતે આગળ વધી રહી છે તે માણસના જીવનને પ્રભાવિત કરી રહી છે. માણસ કરી શકે તેવા કાર્યાે એઆઈની મદદથી રોબોટ કરી શકે તે દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે. એઆઈ માણસની કોઠાસૂઝ, વ્યવહાર કુશળતાથી આગળ ન વધી શકે તે વાત હાલ પૂરતી સાચી લાગેછે.
પરંતુ, માણસની વિચારશક્તિને ધીમી પાડશે. માણસ એઆઈ આધારિત જ જીવન જીવતો થશે ત્યારે કોઠાસૂઝ, વ્યવહાર કુશળતા કે અંતરમનની શક્તિ નબળી ચોક્કસ પડશે ત્યારે એવું લાગશે કે, માણસની વિચારવાની કે કુદરતી અંતરમનની શક્તિ કરતાં એઆઈ આગળ છે. એઆઈ એ માણસની વિચારશક્તિને પ્રભાવિત કરી રહ્યું છે.
એઆઈ રોબોટ હવે ઓફિસો અને કારખાનાઓમાં કામ કરી રહ્યા છે અને હવે હ્યુમનોઈડ રોબોટ મોટા-મોટા કારખાનાઓમાંથી બહાર નીકળીને ખૂબ ઝડપથી આપણા રોજિંદા જીવનમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે.
દુનિયાભરની રોબોટિક્સ કંપનીઓ માણસ જેવા દેખાતા રોબોટ તૈયાર કરી રહી છે. જે બેંકો, ઓફિસો, મોલ, શાળા-કોલેજો અને હોસ્પિટલોમાં લોકોના પ્રશ્નોના જવાબ આપશે, સર્વિસ આપશે, રોબોટે માણસનું સ્થાન તો લઈ લીધું છે કદાચ હજુ માનવ વિચારશક્તિ માટે એઆઈ મથી રહ્યું છે. માનવજીવનને સંપૂર્ણપણે પ્રભાવિત કરે તેવા સંશોધન થઈ રહ્યા છે.
ઘરોમાં વૃદ્ધોની સાર-સંભાળ ખૂબ સારી રીતે રાખી શકે છે. ઘરમાં સફાઈ કામ, ફ્લોર ઉપર પોતું મારવું, કપડાને પ્રેસ (ઈસ્ત્રી) કરવાનું કામ કરે છે. અરે… ખૂબ સારા રસોઈયા જેવું સ્વાદિષ્ટ ભોજન બનાવવાનું કામ પણ બજાવી શકે છે. ૨૦૫૦ સુધીમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી બમણી થવાની ધારણા છે. વિશ્વના ઘણા દેશોમાં વૃદ્ધોની સારસંભાળ રાખવા માટે વર્કફોર્સ મળતી નથી ત્યારે રોબોટ ખૂબ સરળ અને સસ્તું સાધન છે, એટલે હવે માનવ રોબોટ માટે એક મોટી ડિમાન્ડ ઊભી થઈ રહી છે.
બધું જ કામ તમારા અવાજ કે આંખના ઈશારાથી થશે. તમામ પ્રશ્નોના જવાબ અને કહો તે કામ કરી આપે પછી. માણસ તેનો બુદ્ધિશક્તિ-માઈન્ડનો ઉપયોગ કરશે ? આ મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે. વિશ્વભરમાં ૧૬૦થી વધુ હ્યુમાઈડ રોબોટ (માનવ રોબોટ) ઉત્પાદક કંપનીઓ છે. ૨૦૪૦ સુધીમાં વાર્ષિક ૮૦ લાખ યુનિટ માનવ રોબોટનું ઉત્પાદન થઈ શકે તેવો અંદાજ છે. ભારતમાં ઉત્પાદન કરતી કંપનીઓ ઉત્પાદનની એસેમ્બલ લાઈનમાં એઆઈ અને માનવ રોબોટનો સફળ ઉપયોગ થઈ શકે તેમ છે. દેશની ૨૧ લાખ કરોડ રૂપિયાની આઈ.ટી.ઈન્ડસ્ટ્રીઝ પાસે રોબોટને તાલીમ આપી શકવાની તક છે.
ગૂગલ એક નવો એઆઈ મોડ લાવ્યું છે, જે તમે કંઈ પણ સર્ચ કરશો તે કોઈ વ્યક્તિ સાથે વાતો કરતા હશો તેવું લાગશે. માનવજન માટે સૌથી પ્રભાવિત કરતું ટૂલ્સ હવે આવી રહ્યું છે. હવે કોઈ ભાષાનુ બંધન નહીં રહે, ગૂગલમીટમાં હવે રિયલ ટાઈમ ટ્રાન્સલેશનનું ફીચર એડ કરવામાં આવ્યું છે.
જે ભાષાના તમામ અવરોધ દૂર કરશે. તમે અહીંથી મોબાઈલમાં ગુજરાતીમાં બોલશો ત્યારે સામે છેડે તે જે ભાષા જાણતા હશે તે તેને સાંભળશે, સામે તે જે ભાષા બોલે તેનું ભાષાંતર થઈ તમે તમારી મુજબની ભાષામાં સાંભળી શકશો. કોઈ અનુવાદક માનવની જરૂર નથી. એઆઈ તમને રિયલ ટાઈમમાં વાત કરાવી શકશે. માત્ર ભાષાંતર નહીં તમારા જ અવાજમાં અને હાવભાવ સાથે તે તેની ભાષા સાંભળી શકે.
કોમ્યુનિકેશનની દુનિયામાં સૌથી મોટી ક્રાંતિ થઈ રહી છે, હવે નથી કઈ ભાષા શીખવા કે વિચારવાની જરૂર… એઆઈ તમને તમામ સુવિધાઓ પૂરી પાડશે. માણસની સમજવાની, શીખવાની કે વિચારવાની અને વ્યવસ્થા કુશળતાની શક્તિનો ઉપયોગ નહીં થાય તો ધીરે-ધીરે તે નબળી પડતી જશે.
ગૂગલે ટેક્સ્ટ ટુ ઈમેજ મોડલ ઈમેજિન-૩ રજૂ કર્યું છે. જે ફોટા પરથી એકદમ સચોટ ટેકસ્ટ પણ લખી શકશે. આવી યાદી તો ઘણી લાંબી છે. માનવજાત હેરત પામે તેવું કામ એઆઈ કરી રહ્યું છે. એઆઈ હવે માત્ર ટેકનોલોજી નથી રહી તે આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે.
એઆઈ ટેકનોલોજી માણસને આળસુ બનાવી દેશે તે વાત ચોક્કસ છે. વિચારવાનું અને કાર્ય બધું જ એઆઈ કરી આપશે તો સામાન્ય માણસ તેના પર નિર્ભર
થઈ જશે. વિચારવાની શક્તિ ખોઈ બેસશે. યાદશક્તિ રહેશે નહીં. આંગણે આવેલ મહેમાનોને કેમેરા સ્કેન કરી તમને તે માણસની ઓળખ આપશે ત્યારે ખબર પડશે કે, આ મારી માસીનો દીકરો છે.
આ કલ્પના છે. પરંતુ, આવું થવાની પૂરી શક્યતા છે. હવે તો ગૂગલ આસિસ્ટન્ટની જગ્યાએ આસ્ક ચેટ જીપીટી લેવા લાગ્યું છે. વિદ્યાર્થીઓ હોમવર્ક કરવામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરી રહ્યા છે. બુદ્ધિ વાપરવાની જરૂર નથી. કોઈ કર્મચારીને પત્ર કે ઈ-મેલ લખવો હોય તો ચેટ જીપીટી લખી આપે છે. કોઈ લેક્ચર કે ભાષણ પણ ચેટ જીપીટી લખી આપે છે.
લેખકોને તેના લેખો માટે અન્ય પુસ્તકો વાંચવાને બદલે ચેટ જીપીટીનો ઉપયોગ કરવો સરળ પડે છે. અરે…ખુશીના પ્રસંગે સારો સંદેશ મોકલવો હોય તો પણ એઆઈ લખી આપે છે. એઆઈ અને ખાસ કરીને ચેટ જીપીટી જેવા અનેક સાધનો એ આપણા જીવનને વધુ સુવિધાજનક બનાવ્યું છે. પરંતુ, વધુ પડતી નિર્ભરતા આપણી નિર્ણય લેવાની ક્ષમતાને નબળી પાડે છે. હવે તો લોકો માત્ર જાણકારી માટે નહીં, નિર્ણયો લેવા માટે પણ એઆઈ પર નિર્ભર થઈ રહ્યા છે. આના કારણે માણસનો આત્મવિશ્વાસ ઘટશે.
માણસ ગમે તેવી મોટી ગણતરી મોઢે કરી શકતો. આજે કેલ્ક્યુલેટરના ઉપયોગ પછી સામાન્ય ગણતરી કરવા માટે પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે છે. સાદા ટેલિફોન હતા ત્યારે સંખ્યાબંધ ટેલિફોન નંબરો યાદ રહેતા હતા પરંતુ, મોબાઈલ આવતા એક પણ નંબર યાદ નથી. આજે તો બાળકને પપ્પાનો નંબર પણ મોબાઈલમાં જોઈને લખાવવો પડે છે.
આજે કોઈપણ વિષયનું પ્રેઝન્ટેશન કરવું હોય તો એઆઈ ટૂલ્સ તમને સરસ પીપીટી તૈયાર કરી આપે છે. જો માનવ શક્તિનો આપણે ઉપયોગ ન કરીએ તો તે કુદરતી શક્તિ ધીરે-ધીરે નબળી પડતી જાય છે. આજે વિશ્વને એક જ ચિંતા છે. જો એઆઈ ટૂલ્સ માણસની બુદ્ધિનું સ્થાન લેશે તો માણસને કુદરતે આપેલ બુદ્ધિકૌશલ્ય, વ્યવહાર કૌશલ્ય અને કોઠાસૂઝનું શું થશે ? શું એઆઈ મનની આંતરિક શક્તિથી પણ આગળ નીકળી જશે ?તો શું થશે? આવા અનેક પ્રશ્નોના જવાબ આવનારો સમાજ આપી શકશે.
અત્યારે તો એઆઈ સાધનો બનાવવા માનવબુદ્ધિની જરૂર છે. પણ એવું બની શકે કે માનવબુદ્ધિને વિકસાવવા રોબોટ ટ્યૂટર કે ટીચર તરીકે કામ કરશે.
અત્યારે ખૂબ મેડિકલક્ષેત્રે AI ડોક્ટરોનું સ્થાન લઈ રહ્યા છે. બ્લડ રિપોર્ટ સમજાવવો કે રિપોર્ટના આધારે દવા લખી આપવી કે કાઉન્સિલિંગ કરવાનું કામ રોબોટ કરી રહ્યા છે. બેંગલુરુમાં એક સ્ટાર્ટઅપે બીમારી અને તકલીફો વિશે માર્ગદર્શન આપી શકે તેવું આખેઆખું AI ક્લિનિક ઊભું કરી દીધું છે. અત્યારે તો લાગે છે કે, એઆઈ માણસથી એક ડગલું આગળ વધી રહ્યું છે. હવે માણસને AI બચાવે.