Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં વરસાદે ભારે વિનાશ વેર્યો, ૪૧ લોકોનાં મોત

જમ્મુ/શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અતિભારે વરસાદને કારણે ભારે વિનાશ જોવા મળ્યો છે. વૈષ્ણોદેવીમાં ભૂસ્ખલન સહિત વરસાદ સંલગ્ન ઘટનાઓને લીધે ક્ષેત્રમાં મૃત્યુઆંક વધીને ૪૧ પર પહોંચ્યો છે જેમાં વૈષ્ણો દેવી રૂટ પર ભૂસ્ખલનના હતભાગીઓનો આંકડો સૌથી વધુ ૩૪ રહ્યો છે.

મંગળવારે વૈષ્ણો દેવી યાત્રાના રૂટ પરનો માર્ગ એકાએક ઘસી પડ્યો હતો જેમાં ૨૦ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સળંગ બીજા દિવસે વૈષ્ણો દેવી યાત્રા બંધ રાખવાની ફરજ તંત્રને પડી હતી. બુધવારે વરસાદે થોડો વિરામ લેતા રાહત તેમજ બચાવ કામગીરી ઝડપી બની શકી હતી.

જમ્મુમાં બુધવારે સવારે ૮.૩૦ સુધી ૨૪ કલાકના ગાળામાં કેરોર્ડ ૩૮૦ મીમી (૧૫ ઈંચ) વરસાદ નોંધાયો હતો.૧૯૧૦ પછી એક દિવસમાં પડેલો આ સૌથી વધુ વરસાદ છે.

મૂશળધાર વરસાદ વરસતાં તેમજ વાદળ ફાટવાની ઘટનાઓને પગલે ફ્લેશ ફ્લડથી પર્વતીય વિસ્તારોમાં જમીન ધોવાઈ જતા ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. વૈષ્ણો દેવીની ઘટનામાં મૃતકો અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. મૃતકોના પરિવારજનોને તેમણે સાંત્વના પણ પાઠવી હતી. વિક્રમી વરસાદને પગલે જમ્મુ અને કટરાથી ઉપડતી તથા આવતી સંખ્યાબંધ ટ્રેનો મંગળવારે રદ કરવામાં આવી હતી. કેટલીક ટ્રેનોના રૂટ પણ ટૂંકાવવાની ફરજ પડી હતી.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે ક્ષેત્રમાં વરસાદ અને પૂરની સ્થિતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાકેફ કર્યા હોવાનું જણાવ્યું હતું.

પીએમે કેન્દ્ર તરફથી તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. શ્રીનગરની જીવાદોરી ગણાતી જેલમ નદીમાં બુધવારે સવારે પાણીનું સ્તર આંશિક ઘટ્યું હતું પરંતુ તેમ છતાં તે ભયજનક સપાટી ઉપરથી વહી રહી હોવાથી પૂરનું જોખમ યથાવત્ હતું. કેટલાક રહેણાક તેમજ વ્યવસાયિક વિસ્તારોમાં જેલમના પાણી ઘૂસ્યા હતા.

નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ ૧૦ હજાર લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું હતું. જમ્મુ-કાશ્મીરમાં વ્યાપક વરસાદને લીધે પ્રદેશમાં આવેલા તમામ જળસ્રોતો છલકાઈ ગયા હતા. ડેમોમાંથી પાણી છોડવાની ફરજ પડતાં નીચાણવાળા વિસ્તારો અને સરહદી ક્ષેત્રો પઠાણકોટ તેમજ પંજાબમાં પણ તેની અસર થઈ હતી.

મંગળવારે ભૂસ્ખલનને લીધે ઓપ્ટિકલ ફાઈબર લાઈનને પણ નુકસાન થતા જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા ઠપ થઈ ગઈ હતી.બુધવારે વરસાદે થોડ વિરામ લેતાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા પુનઃ શરૂ કરાઈ હતી. વૈષ્ણો દેવી રૂટ પર રાહત-બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોવાથી યાત્રા સળંગ બીજા દિવસે પણ બંધ રખાઈ હતી.

મંગળવારે ભૂસ્ખલન થતાં હિમકોટી ટ્રેક રૂટ પર જ યાત્રાળુઓને અટકાવી દેવામાં આવ્યા હતા. માતા વૈષ્ણો દેવીના મંદિર તરફનો જૂનો માર્ગ પણ સત્તાધીશોએ સાવચેતીને પગલે બંધ કર્યાે હતો. ડોડા જિલ્લામાં વરસાદને પગલે ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા હતા જે પૈકી બેના મૃતદેહ મળ્યા હતા. મૃતકોમાં પ્રગવાલનો બીએસએફ જવાન સામેલ હતો.

અખનૂરમાંથી પ્રાપ્ત થયેલા અન્ય મૃતદેહની ઓળખ થઈ શકી નહતી. પંજાબ બોર્ડર નજીક લખનપુર ખાતેથી સિંચાઈ વિભાગના એક કર્મચારીનો મૃતદેહ મળ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.