સિંગવડ પાસે આંખમાં મરચાંની ભૂકી નાખી ૨.૭૦ લાખની લૂંટ,બે ઝડપાયા

દાહોદ, દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ઢબુડી ગામ નજીક બાંડીબાર જતા રોડ પર મંગળવારે સાંજે લૂંટારુઓએ બોલેરો ગાડી આડી કરી વેપારીની કાર રોકાવી લુટ કરી હતી. વેપારીને માર મારી તેમની સોનાની ચેઈન લૂંટી હતી. એટલું જ નહીં, ગાડીમાં સવાર મહિલાઓની આંખમાં મરચાની ભૂકી નાખી તેમના દાગીના અને રોકડ રકમની પણ લૂંટ ચલાવી હતી.
આ ઘટનામાં કુલ રૂ. ૨.૭૦ લાખની મત્તાની લૂંટ થઈ છે. જોકે, સ્થાનિક લોકોની સતર્કતાને કારણે બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે જ્યારે અન્ય ચાર નાસી છૂટ્યા હતા. રણધીકપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લીમખેડાના બાંડીબાર ગામના વતની અને સીંગવડમાં “રીયલ જવેલર્સ” નામની દુકાન ધરાવતા ૫૫ વર્ષીય વેપારી જયદીપકુમાર નાથાલાલ ધીંગા મંગળવારે સાંજે પોતાની નિશાન શની ગાડી માં તેમના ગામના જ આશાબેન ચૌહાણ અને તેમની દીકરી તન્વી સાથે પરત ફરી રહ્યા હતા. સાંજે પોણા છ વાગ્યાની આસપાસ, ઢબુડી ગામના બ્રિજ પાસેના વળાંકમાં એક બોલેરો ગાડીએ તેમની કારને આંતરી હતી.
જયદીપકુમારે ગાડી બચાવવાનો પ્રયાસ કર્યાે, પરંતુ ત્રણ શખ્સોએ લોખંડના પાના વડે ગાડીના આગળના અને ડ્રાઈવર સાઈડના કાચ તોડી નાખ્યા હતા.એક હુમલાખોરે જયદીપકુમારના ગળામાંથી આશરે રૂ. ૧.૬૦ લાખની કિંમતની સોનાની બે ચેઈન તોડી લીધી.
જયદીપકુમારે પ્રતિકાર કરતા હુમલાખોરે તેમને પાના વડે માથા, દાઢી અને હાથ-પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. તે જ સમયે અન્ય લૂંટારુઓએ ગાડીમાં સવાર આશાબેનની આંખોમાં મરચાની ભૂકી નાખી અને તેમના ગળામાંથી રૂ.૯૦ હજારની કિંમતની સોનાની ચેઈન લૂંટી લીધી હતી.
આ ઉપરાંત તેમની થેલીમાંથી રૂ. ૧૫ હજાર રોકડા, ફોન, એટીએમ અને સ્ટીલનું ટિફિન પણ લૂંટી લીધું હતું. તન્વી પર પણ મરચું નાખવાનો પ્રયાસ થયો હતો. જેમાં તે નીચે પડી જતા તેને હાથે ઈજા થઈ હતી.
દોડી આવેલા લોકોએ નવાનગરના મોજીભાઈ પ્રતાપભાઈ ભુરીયા અને દસલાના બાબુભાઈ દિતીયાભાઈ ગરવાળને ઝડપી પાડ્યા હતાં. બાકીના ચાર આરોપીઓ બોલેરો ગાડી અને એક મોટરસાયકલ પર નાસી છૂટ્યા હતા.રણધીકપુર પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યાે હતો.SS1MS