કાર્ડિયાક અરેસ્ટના કારણે સ્ટેજ પર ઢળી પડ્યો એક્ટર

મુંબઈ, સાઉથ ફિલ્મ્સનો જાણીતો અભિનેતા અને ટીવી હોસ્ટ રાજેશ કેશવ એક લાઇવ ઇવેન્ટ દરમિયાન અચાનક સ્ટેજ પર જ પડી ગયો હતો, જે બાદ તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
રિપોર્ટ અનુસાર, ૨૪ ઓગસ્ટ, રવિવારની રાત્રે કોચીમાં એક કાર્યક્રમ દરમિયાન મલયાલમ અભિનેતાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. જેના કારણે તે જાહેર કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર જ બેભાન થઈ ગયો, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની હાલત નાજુક છે અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. ચાહકો તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
હોસ્પિટલમાં દાખલ થયા બાદ ડોક્ટરોએ તરત જ તેની તપાસ કરી અને સારવાર શરૂ કરી. કહેવાય છે કે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદ તેની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી છે. હાલ તેને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે આગામી ૭૨ કલાક તેના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સમયગાળા દરમિયાન જ તેના સ્વાસ્થ્ય વિશે કંઈ સ્પષ્ટ માહિતી મળી શકશે.
મીડિયા રિપોટ્ર્સ મુજબ, તેની સારવાર એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.ફિલ્મમેકર અને ડિરેક્ટર પ્રતાપ જયલક્ષ્મીએ પણ પોતાના સોશિયલ મીડિયા પર રાજેશનો ફોટો શેર કરીને તેની હાલત વિશે માહિતી આપી છે. તેણે એક અત્યંત ભાવુક પોસ્ટ લખીને જણાવ્યું કે, ‘રાજેશ અત્યારે ફક્ત મશીનોના સહારે શ્વાસ લઈ રહ્યો છે.
જે વ્યક્તિએ હંમેશા સ્ટેજ પર રોશની અને ખુશીઓ ફેલાવી, આજે તે શાંત પડ્યો છે.’રાજેશ કેશવે જયસૂર્યા, અનૂપ મેનન અને મેઘના રાજની ફિલ્મો બ્યુટીફુલ (૨૦૧૧), હોટેલ કેલિફોર્નિયા (૨૦૧૩), ની-ના (૨૦૧૫) અને થટ્ટુમ પુરથ અચુથન (૨૦૧૮)માં અભિનય કર્યાે છે. પોતાના ફિલ્મી કરિયર દરમિયાન કેશવે ઘણી હસ્તીઓ સાથે સ્ટેજ શેર કર્યું છે, જેમાં તમન્ના, મોહનલાલ, સંજય દત્ત, ત્રિશા કૃષ્ણન, કમલ હાસન, સૂર્યા, રશ્મિકા મંદાના જેવા કલાકારોનો સમાવેશ થાય છે.SS1MS