૯ ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં યોજાશે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ

વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જ્વલંત સફળતાને પગલે ગુજરાતની વધુ એક નવતર પહેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ
રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક – આર્થિક ક્ષમતા અને રોકાણો માટેની સજ્જતાનું પ્લેટફોર્મ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ બનશે
ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતની ઊભી થયેલી આગવી ઈમેજ “વોકલ ફોર લોકલ”થી વધુ ઉજાગર કરવા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ પરિણામકારી બનશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
સૌરાષ્ટ્ર – મધ્ય ગુજરાત – દક્ષિણ ગુજરાત ઝોનમાં પણ રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન થશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગુજરાત ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર અગ્રેસર બન્યું છે. એટલું જ નહીં, વિશ્વભરના ઉદ્યોગ-રોકાણકારો માટે ગેટ-વે ટુ ધી ફ્યુચરની વિશેષ ઓળખ ગુજરાતે ઊભી કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાતની આ ઈમેજને વોકલ ફોર લોકલથી વધુ ઉજાગર કરવા અને વિકાસનો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાની નવી પહેલ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના આયોજનથી આપણે કરવી છે.
મુખ્યમંત્રીશ્રી આ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના લોન્ચ કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે કોન્ફરન્સના લોગો, વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ પણ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા રાજ્ય મંત્રી શ્રી ભીખૂ સિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું.
રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક, આર્થિક સ્ટ્રેન્થ અને રોકાણોની રેડીનેસની સજ્જતાનું પ્લેટફોર્મ બનનારી આ વાઇબ્રન્ટ રિજિયોનલ કોન્ફરન્સની પ્રથમ કોન્ફરન્સ આગામી ૯, ૧૦ ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં યોજાવાની છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં આવી રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતના દરેક પ્રદેશની આગવી પ્રોડક્ટ અને ઓળખ છે અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની વિશેષ સ્ટ્રેન્થ પણ છે. કેટલાક જિલ્લાઓ તો એવું પોટેન્શિયલ ધરાવે છે કે દેશના અન્ય રાજ્યો કરતા પણ અનેક ગણું વધારે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ અને પ્રોડક્શન આ જિલ્લાઓમાં છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, ગુજરાત કૃષિ, મત્સ્યોદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ-પેટ્રો કેમિકલ, જેમ્સ-જ્વેલરી, એન્જિનિયરિંગ, ફાર્મા અને ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં હવે ગુજરાતને નવા ઉભરતા અને ફ્યુચરિસ્ટિક સેક્ટર્સ સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રીક મોબિલિટી, એરોસ્પેસ, ડિફેન્સ, ગ્રીન એનર્જીમાં આત્મનિર્ભરતા સાથે લીડર બનાવવાનું છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ નિર્ધાર છે કે, આપણે એવું રાષ્ટ્ર-રાજ્ય બનાવવું છે જ્યાં ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રીસર્ચ, પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય હોય. સ્વદેશી અને આત્માનિર્ભરતાને પ્રમોટ કરવા વડાપ્રધાનશ્રીએ વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આપ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોલ કોન્ફરન્સ આ મંત્રને સાકાર કરશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
તેમણે એમ પણ જણાવ્યું કે, ગુજરાતમાં જે ઉદ્યોગ આવે તે જે જિલ્લાઓમાં ઔદ્યોગિક વિકાસની વિશેષતાઓ છે ત્યાં સ્થપાય તે માટેના પ્રયાસોમાં આ રિજિયોનલ કોન્ફરન્સ પરિણામદાયી બનશે.
એટલું જ નહીં, ક્વોલીટી પ્રોડક્ટથી તે જિલ્લાની બ્રાન્ડ ઈમેજ ઊભી થશે અને વિકાસનો સાચો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચતા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો ધ્યેય પાર પડશે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વાયબ્રન્ટ સમિટથી વડાપ્રધાનશ્રીએ રાજ્યના ઉદ્યોગો અને અર્થતંત્ર વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરે તેવી જે નેમ રાખી હતી તે આ સમિટની ઉત્તરોત્તર સફળતાથી પાર પડી છે અને ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગ ગૃહોનું કેન્દ્ર અને હબ બન્યું છે. મોટા ઉદ્યોગો આવવાથી તેને અનુરૂપ નાના ઉદ્યોગો અને એમ.એસ.એમ.ઈ. વિક્સ્યા છે અને એમ.એસ.એમ.ઈ. તો રાજ્યના ઔદ્યોગિક વિકાસનું બેક બોન બન્યું છે.
વાયબ્રન્ટ સમિટને પગલે જે ઉદ્યોગો અને રોકાણો ગુજરાતમાં આવે તેને જમીન મેળવવાથી લઈને ઉદ્યોગ શરૂ થવા સુધીની જરૂરી પરમિશન અને વ્યવસ્થાઓ પણ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસથી રાજ્ય સરકારે સરળ બનાવી છે. અનેક રિફોર્મ્સ અને ૨૦થી વધુ પોલિસિઝ દ્વારા ગુજરાત પોલિસી ડ્રિવન અને પ્રો-એક્ટિવ ગવર્નન્સ સ્ટેટ બન્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સની આ નવતર પહેલ રાજ્યના ઉદ્યોગોને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ તથા લોકલ ફોર ગ્લોબલનું દિશાદર્શન કરાવવામાં માટેનું મહત્વનું પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ શ્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ગુજરાતમાં યોજાયેલી ગત વાઇબ્રન્ટ સમિટમાં ૪૫ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું અને ૨૬૦૦થી વધારે એમોયુ થયા હતા. આ સફળ આયોજનના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દરેક જિલ્લા અને તાલુકા તેમજ ગુજરાતના છેવાડાના માનવીને વાઇબ્રન્ટ ગુજરાત સાથે જોડી શકાય એ માટે ફરી એકવાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી. એ સમયે રાજ્યનું ઉત્પાદન ૧,૪૨,૦૦૦ કરોડ રૂપિયા હતું, જે આજે વધીને ૨૨ લાખ કરોડથી પણ વધુનું થયું છે. વર્ષ ૨૦૦૩ની સરખામણીએ
માથાદીઠ આવક ૧૮,૩૯૨ રૂપિયાથી વધીને ૨,૭૩,૦૦૦ રૂપિયા થઈ છે. ઉત્પાદન ૪૪ હજાર કરોડ રૂપિયા હતું, તે ૬.૩૦ લાખ કરોડથી વધુ એટલે કે ૧૫ ગણું વધ્યું છે. એટલું જ નહીં, મેન્યુફેક્ચરિંગ આઉટપુટ પણ ૧,૪૮,૦૦૦ કરોડથી વધીને ૨૧ લાખ ૫૦ હજાર કરોડથી વધુનું થયું છે.
તેમણે વધુમાં કહ્યું કે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટને કારણે ગુજરાત રાજ્યમાં નાના ઉદ્યોગકારોની સંખ્યામાં પણ ઉતરોત્તર વધારો થયો છે. વર્ષ ૨૦૦૩માં નાના ઉદ્યોગકારોની સંખ્યા માત્ર દોઢ લાખ હતી, જે આજે વધીને ૨૧ લાખથી પણ વધારે છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૦૩થી લઈને ૨૦૨૫ સુધીમાં ૫.૫૦ લાખ કરોડ રૂપિયાનું સીધું વિદેશી મૂડીરોકાણ ગુજરાતમાં આવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ૧૦મી વાઇબ્રન્ટ સમિટમાં ૧૪૦થી વધુ દેશોના લોકોએ ભાગ લીધો. ૯૮ હજારથી વધુ લોકોએ એમઓયુ કર્યા અને ૪૫ હજારથી વધુ લોકોએ ગુજરાતમાં મૂડી રોકાણ કરવાનું નક્કી કર્યું. આ સાથે ૮૧ લાખ રોજગારીનું સર્જન થાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં થઈ, જેના કારણે ગુજરાતનો વિકાસ દિન પ્રતિદિન આગળ વધી રહ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ શ્રીમતી મમતા વર્માએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની પૂર્વભૂમિકા આપી હતી.
ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપે આગામી સમયમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે આ સંમેલનોનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સ્તરે વિકાસની ગતિને વેગ આપવા, રોજગારીની તકો ઊભી કરવા અને દરેક પ્રદેશની વિશિષ્ટ ઓળખને ઉજાગર કરવાનો છે.
આ સંમેલનો રાજ્યના ચાર મુખ્ય પ્રાદેશિક કેન્દ્રોમાં યોજાશે. જેમાં ઉત્તર ગુજરાત માટે મહેસાણા (૯-૧૦ ઓક્ટોબર ૨૦૨૫), કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રાજકોટ (૮-૯ જાન્યુઆરી ૨૦૨૬), દક્ષિણ ગુજરાત માટે સુરત (૯-૧૦ એપ્રિલ ૨૦૨૬) અને મધ્ય ગુજરાત માટે વડોદરા (૧૦-૧૧ જૂન ૨૦૨૬) નો સમાવેશ થાય છે.
શ્રી સ્વરૂપે વધુમાં ઉમેર્યું કે આ સંમેલનો દ્વારા લોકો, ઉદ્યોગસાહસિકો, યુવાનો અને સ્થાનિક નેતૃત્વને એક મંચ પર લાવીને તેમની આકાંક્ષાઓને શાસનની નીતિઓ સાથે જોડવાનો પ્રયાસ થશે. ઉપરાંત, પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત મૂલ્યવર્ધિત પાક ઉત્પાદન અને ગ્રીન એનર્જી જેવા ઉભરતાં ક્ષેત્રોમાં પણ નવી તકો ઊભી કરશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે. દાસ, ખાણ વિભાગના કમિશનર શ્રી ધવલ પટેલ, જીઆઈડીસીના એમ.ડી. શ્રીમતી પ્રવીણા ડી.કે., ઈન્ડેક્ષ બીના એમ.ડી. શ્રી કેયુર સંપત સહિત બહોળી સંખ્યામાં ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ-અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.