કેન્દ્રીય ગૃહમંત્રી ગોતા અને ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે

File
કેન્દ્રીય ગૃહમંત્રી નગરદેવીના દર્શન કરી સરદાર બાગનું લોકાર્પણ કરશે: દેવાંગ દાણી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૩૧ ઓગસ્ટે અમદાવાદ આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઇ શાહ આગામી ૩૧ ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. અમદાવાદ ની મુલાકાત દરમિયાન તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ લોકાર્પણ કાર્યક્રમ અને વૃક્ષારોપણમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૩૧મી ઓગસ્ટના રોજ સવારે લાલ દરવાજા નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા માટે પણ જશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગભાઈ દાણી ના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આગામી ૩૧ ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કાર્યોને લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી ગોતા વોર્ડમાં ઓગણજ ગામ પાસે અને ચાંદલોડિયા વોર્ડમાં ઓશિયા હાઇપર માર્ટ પાસે નવા બનાવવામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે.
નવા વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન ફોરેસ્ટ માટેના વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ત્યારબાદ સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા જશે.
શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ટોરેન્ટ પાવર દ્વારા રીનોવેશન કરવામાં આવેલા સૌથી જાણીતા સરદારબાગનું પણ લોકાર્પણ કરશે.આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી ઘાટલોડિયા વોર્ડમાં ચાણક્યપુરી બ્રિજ પાસે ગુલાબ પ્લોટમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજરી આપશે. ગૃહમંત્રી સવારે બે કલાકમાં ૬ જગ્યાએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.
ઉત્તર પશ્ચિમ ઝોનનાં ગોતા વોર્ડમાં ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનાં પ્લોટમાં કુલ ૮૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તેમજ કાર્યક્રમનાં દિવસે લીમડાનાં વૃક્ષનું કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના હસ્તે વૃક્ષારોપણ થશે. ચાંદલોડીયા વોર્ડમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતેનાં પ્લોટમાં મીયાવાકી પદ્ધતિથી કુલ ૪૦૦ અને પ્લોટની બાઉન્ડ્રી કુલ ૫૫ વૃક્ષો મળી કુલ ૪૫૫ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે,
જેમાં તેઓ વૃક્ષારોપણ કરશે પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આહવાડીયા તળાવ પાસે અંદાજીત ૪૧૯૨ સ્કે.મીટર વિસ્તારમાં લીમડો, વડ, પીપળ, ખાટી આંબલી, જાંબુ, ગોરસઆંબલી, ખીજડો, ઉંબરો, કણજી, કરંજ જેવા ઇન્ડીજીનસ પ્રકારનાં કુલ ૧૨૦૦૦ નંગ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. પશ્ચિમ ઝોનના સ્ટેડીયમ વોર્ડમાં સીમંધર શ્રીરંગ સોસાયટી પાસે,
સૌરભસ્કૂલ પાસેનાં અંદાજીત ૫૪૨૨ સ્કે.મીટર વિસ્તારમાં લીમડો, વડ, પીપળ, ખાટી આંબલી, જાંબુ, ગોરસઆંબલી, ખીજડો, ઉંબરો, કણજી, કરંજ જેવા ઇન્ડીજીનસ પ્રકારનાં કુલ ૧૦૦૦૦ નંગ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવશે. ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડીયા વોર્ડમાં ચાણક્ય પુરી બ્રિજની પાસે, ઘાટલોડીયા ખાતે અંદાજીત ૩૪૫૦ સ્કે.મીટર વિસ્તારમાં કુલ ૮૦૦ નંગ અને ૩૫થી વધુ વડ, લીમડો પીપળો વૃક્ષોનું ડેન્સિટી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવશે.