અમૂલ ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે બે જૂથ વચ્ચે ખેંચતાણ

આણંદ, અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે પ્રાંત અધિકારીની કચેરીમાં બે જૂથ વચ્ચે હાથાપાઈ થઇ હતી. બાલાસિનોર બેઠક પર ફોર્મ ભરવા આવેલા ઉમેદવારને ભાજપના ઉમેદવાર રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક અટકાવવા જતાં બંને જૂથ વચ્ચે મામલો બિચક્યો હતો.
સૌથી આશ્ચર્યની બાબત એ હતી કે બંને જૂથ વચ્ચે થઇ રહેલી ખેંચતાણ દરમિયાન નોટોના બંડલ પણ નજરે પડયા હતા.ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ હોય બંને જૂથના ઉમેદવારો પ્રાંત અધિકારીની કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા.
ભાજપના ઉમેદવારોએ વિજય મુર્હૂતમાં ફોર્મ ભરાઇ ગયા બાદ બપોરના બાલાસિનોર બેઠક પર ફોર્મ ભરવા માટે પહોંચેલા ઉમેદવાર અને તેમના ટેકેદારોને અટકાવવાનો પ્રયાસ થતાં મામલો તંગ બન્યો હતો. જેમાં બંને જૂથ સામસામે આવી જતાં બાલાસિનોરના ભાજપના ઉમેદવાર રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક અને કોંગ્રેસના અગ્રણી નટવરસિંહ મહિડા સહિતના જૂથ વચ્ચે ખેંચતાણ થઇ હતી.
આ દરમિયાન નોટોનું બંડલ બહાર કાઢીને આપવામાં આવતાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યુ હતું. આખરે સ્થાનિક પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
અમૂલ ડેરીની ચૂંટણીમાં મતદાર વિભાગ ૧ની ૧૨ બેઠક પર ૫૩ ઉમેદવાર અને મતદાર વિભાગ ૨માં આજીવન વ્યક્તિ સભાસદની એક બેઠક પરથી ૨ મળીને કુલ ૫૫ ઉમેદવારે ઝંપલાવ્યું છે.
ઠાસરા બેઠક પરથી પૂર્વ ચેરમેન રામસિંહ પરમારના પૌત્રવધુ પ્રિયાબેન પરમારે એકમાત્ર ઉમેદવારી કરી હોવાથી બિનહરીફ થશે. કોંગ્રેસના અગ્રણી નટવરસિંહ મહિડાએ જણાવ્યું કે બાલાસિનોર બેઠક પર ફોર્મ ભરવા પહોંચેલા ઉમેદવારના ટેકેદારને પપ્પુભાઇએ પૈસા આપ્યા હતા. ત્યારે ટેકેદારે પૈસા પરત કરતાં જણાવેલું કે મારે આ ઉમેદવારીપત્રમાં સહી કરવાની જ છે.
વાસ્તવમાં ઉમેદવારના ટેકેદાર અને દરખાસ્ત કરનાર પૈકી એક ના આવે તો ઉમેદવાર ફોર્મ ભરી શકે નહીં અને બાલાસિનોર બેઠક બિનહરીફ થાય તે માટે પ્રયાસો કર્યા હતા. જેથી અમે તેઓને લોકશાહી હોય ફોર્મ ભરવા દેવાની વાત કરી હતી.SS1MS