ડાયમંડ પોલિશર્સને US ટેરિફથી ચાલુ વર્ષે ૩૦% નુકસાનનો અંદાજ

મુંબઈ, અમેરિકન ટેરિફને કારણે દેશની નેચરલ ડાયમંડ પોલિશિંગ ઈન્ડસ્ટ્રીની આવક ચાલુ વર્ષે ૨૮-૩૦ ટકા ઘટીને ૧૨.૫૦ અબજ ડોલર થશે તેવો અંદાજ એક રિપોર્ટમાં દર્શાવાયો છે.
ક્રિસિલ રેટિંગ્સે ગુરુવારે રજૂ કરેલા રિપોર્ટ અનુસાર ૨૦૨૪-૨૫ના ગત વર્ષમાં નેચરલ ડાયમંડ પોલિશિંગ ઈન્ડસ્ટ્રીની આવક ૧૬ અબજ ડોલર થઈ હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં સરેરાશ આવક કરતાં તેમાં ૪૦ ટકા ડિગ્રોથ જોવા મળશે તેવો અંદાજ છે.
અમેરિકા અને ચીન બન્ને માર્કેટમાં નેચરલ ડાયમંડના ભાવ પણ ઘટ્યા છે અને વેચાણ વોલ્યૂમ પણ ઘટ્યું છે અને બીજી તરફ લેબ-ગ્રોવ્ન ડાયમંડને કારણે સ્પર્ધા પણ વધી છે.
રિપોર્ટ મુજબ અમેરિકાએ બુધવારથી ભારતીય વસ્તુઓની આયાત પર ૫૦ ટકા ટેરિફ લાગુ કરી દેતા નિકાસ બે કારણોથી મુશ્કેલ બની છેઃ એક, આ ઈન્ડસ્ટ્રીનું માર્જિન ઓછું છે જેને કારણે ટેરિફ વધે તો તેને એબ્સોર્બ કરવાની ક્ષમતા નથી.
બીજું કારણ એ કે માંગ ઘટી રહી છે જેને કારણે ભાવ વધારો કરીને ગ્રાહકો પર પણ બોજ વધારે પડતો નાખી શકાય તેમ નથી. આથી ડાયમંડ પોલિશર્સના માર્જિનમાં પણ ૫૦-૧૦૦ બેસીસ પોઈન્ટનો ઘટાડો થશે તેવો અંદાજ છે.SS1MS