ચીનની સૈન્ય પરેડમાં હાજરી આપવા કિમ જોંગ-ઉન બુલેટપ્રૂફ ટ્રેનથી જવાની શક્યતા

File Photo
2018માં સિંગાપુરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના પ્રથમ સમિટ સમયે પણ કિમે વિમાનનો ઉપયોગ ન કરીને ચીન પાસેથી વિમાન ભાડે લીધું હતું.
એક રશિયન અધિકારીએ આ ટ્રેનને “ચાલતો કિલ્લો” તરીકે વર્ણવી હતી.
સિયોલ, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન આવતા અઠવાડિયે બેઈજિંગમાં યોજાનારી ચીનની વિશાળ સૈન્ય પરેડમાં હાજરી આપવા પોતાના બુલેટપ્રૂફ ખાસ ટ્રેનનો ઉપયોગ કરે તેવી શક્યતા છે, એવી જાણકારી સૂત્રોએ શુક્રવારે આપી હતી.
કિમ બેઈજિંગના તિયાનઆનમેન સ્ક્વેર ખાતે બુધવારે યોજાનારી ઊંચી પ્રોફાઇલ ધરાવતી સૈન્ય પરેડમાં હાજરી આપશે. આ પરેડ વિશ્વયુદ્ધ-IIના અંતની 80મી વર્ષગાંઠ નિમિત્તે યોજાશે, જેને ચીન જાપાન પર વિજય દિવસ તરીકે ઉજવે છે.
કિમ ક્યારે અને કયા માર્ગે પ્યોન્ગયાંગમાંથી બેઈજિંગ માટે રવાના થશે તેની માહિતી હજી જાહેર કરવામાં આવી નથી. પરંતુ સુરક્ષાને લઈને અત્યંત સજાગ ગણાતા કિમ કયા પ્રકારનું વાહન પસંદ કરશે તે બાબતે અટકળો તેજ બની છે.
અંદાજ મુજબ, કિમ પોતાના કસ્ટમાઇઝ્ડ વિશેષ ટ્રેનનો જ ઉપયોગ કરશે, કારણ કે તેમનું ખાનગી વિમાન “ચમ્મૈ-1” હવે જૂનું થઈ ગયું છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો ઉપયોગ થયાનો કોઈ પુરાવો નથી. 2018માં સિંગાપુરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના પ્રથમ સમિટ સમયે પણ કિમે આ વિમાનનો ઉપયોગ ન કરીને ચીન પાસેથી વિમાન ભાડે લીધું હતું.
2018-2019 દરમ્યાન કિમે ચીનની ચાર મુલાકાતોમાંથી બે વખત ટ્રેન અને બે વખત વિમાનનો ઉપયોગ કર્યો હતો. ટ્રેનથી પ્રવાસે ચાર દિવસ લાગતા હતા જ્યારે વિમાન દ્વારા બે દિવસ લાગતા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા કિમની આવનારી ચીનયાત્રા માટે બુલેટપ્રૂફ ટ્રેનનો જ ઉપયોગ થવાની વધુ શક્યતા છે. આ અટકળોને બળ આપતી રીતે, ઉત્તર કોરિયા-ચીનની સરહદે આવેલા દાંડોંગ શહેરના ઝોન્ગલિયાન હોટલે પરેડની તારીખો પહેલાં અને બાદ વિદેશી પ્રવાસીઓ માટે બુકિંગ સ્થગિત કર્યું છે. અગાઉ કિમની ચીનયાત્રા દરમિયાન પણ હોટલ આવી જ કાર્યવાહી કરતી રહી છે.
જો કે કિમ ફરી ચીન પાસેથી વિમાન ભાડે લે તેવી શક્યતા સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી, પરંતુ બહુદેશીય રાજનૈતિક મંચ પર પોતાની પ્રથમ હાજરી માટે તેઓ ચીનની મદદ પર આધાર રાખે તેવી શક્યતા ઓછી છે.
રિપોર્ટ્સ મુજબ કિમની આ વિશેષ ટ્રેન બુલેટપ્રૂફ પ્લેટ્સ, મોર્ટાર, કમ્યુનિકેશન સિસ્ટમ, GPS સાધનો અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. 2011માં એક રશિયન અધિકારીએ આ ટ્રેનને “ચાલતો કિલ્લો” તરીકે વર્ણવી હતી.