રિલાયન્સ કચ્છમાં 5.50લાખ એકરમાં સોલાર પ્રોજેક્ટ લગાવી રહ્યુ છે જેની સાઈઝ સિંગાપુર કરતાં ત્રણ ગણી મોટી

Presentation Image
જિયોનો IPO 2026માં આવશેઃ મુકેશ અંબાણીએ રિલાયન્સની AGMમાં આપી માહિતી
- કુલ આવક 8% વધીને ₹3,30,943 કરોડ ($38.7 બિલિયન) થઈ.
- EBITDA 8.6% વધીને ₹25,094 કરોડ ($2.9 બિલિયન) થયો.
નીતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશન 91,500 થી વધુ ગામોમાં, એટલે કે દેશના દર સાતમાંથી એક ગામમાં, 87 મિલિયનથી વધુ ભારતીયોના જીવનને સ્પર્શ કર્યો છે.
JioHotstar પાસે 34% ટીવી માર્કેટ શેર – જે આગામી ત્રણ નેટવર્કના સંયુક્ત હિસ્સા બરાબર છે
Mumbai, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની ડિજિટલ સેવાઓ આપતી કંપની જિયોએ 2026ના પ્રથમ છમાસિક ગાળા સુધીમાં લિસ્ટિંગના લક્ષ્ય સાથે, આઇ.પી.ઓ. માટે અરજી કરવાની યોજનાની પુષ્ટિ કરી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કંપની ટેક્નોલોજી અને નવીનતામાં વૈશ્વિક અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરી રહી છે. આ યોજના આવશ્યક મંજૂરીઓને આધીન છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર (સી.એમ.ડી.) મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “હું તમને ખાતરી આપું છું કે જિયોનું લિસ્ટીંગ તેના વૈશ્વિક સમકક્ષો જેટલું મૂલ્ય સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. મને ખાતરી છે કે તે તમામ રોકાણકારો માટે ખૂબ જ આકર્ષક તક હશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નોન-એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર શ્રી આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે આજે, જિયો 500 મિલિયનથી વધુ સંતુષ્ટ ગ્રાહકોને સેવા આપે છે. આ આંકડાને જોવામાં આવે તો, તે યુ.એસ., યુ.કે. અને ફ્રાન્સની સંયુક્ત વસતિ કરતાં પણ વધુ છે. “આ માત્ર કદની દૃષ્ટિએ એક સીમાચિહ્ન નથી, પરંતુ તે ભારતના દરેક ખૂણેથી જિયોએ મેળવેલા ઊંડા અને વ્યાપક વિશ્વાસનો પુરાવો છે,” એમ શ્રી આકાશ અંબાણીએ જણાવ્યું હતું.

જિઓહોટસ્ટાર (JioHotstar) એપ્લિકેશનના લોન્ચિંગથી ત્રણ મહિનાની અંદર જ 600 મિલિયનથી વધુ યુઝર્સ જોડાયા છે, જેમાં 75 મિલિયનથી વધુ કનેક્ટેડ ટીવીનો પણ સમાવેશ થાય છે. 300 મિલિયન પેઇંગ સબ્સ્ક્રાઇબર્સ સાથે, જિઓહોટસ્ટાર હવે વિશ્વનું બીજું સૌથી મોટું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બની ગયું છે.
આ રેકોર્ડ ભારતીય બજારની અપાર સંભાવના દર્શાવે છે. “આ ઉપરાંત, 34% ટીવી માર્કેટ શેર સાથે – જે આગામી ત્રણ નેટવર્કના સંયુક્ત હિસ્સા બરાબર છે – અમે મોબાઇલ, ટીવી અને કનેક્ટેડ ડિવાઇસ પર એક અબજ સ્ક્રીન સુધી પહોંચવાના અમારા માર્ગ પર આગળ વધી રહ્યા છીએ,” એમ શ્રી આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું.
રિલાયન્સના કચ્છ અને જામનગરના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી બિઝનેસ અંગે માહિતી આપતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર શ્રી અનંત એમ. અંબાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના કચ્છમાં અમે 5,50,000 એકર બિન-ફળદ્રૂપ જમીનમાં વિશ્વના સૌથી મોટા સિંગલ-સાઇટ સોલાર પ્રોજેક્ટ્સ વિકસાવી રહ્યા છીએ – જેની સાઇઝ સિંગાપોર કરતાં ત્રણ ગણી મોટી છે. “અહીં અમે દરરોજ મહત્તમ 55 મેગાવોટના સોલાર મોડ્યુલ અને 150 એમડબ્લ્યૂએચ બેટરી કન્ટેનર સ્થાપિત કરીશું. આ વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી ઇન્સ્ટોલેશન પૈકીનું એક હશે.
આ એક જ સાઇટ આગામી દાયકામાં ભારતની વીજળીની લગભગ 10 ટકા જરૂરિયાત પૂરી કરી શકશે,” એમ શ્રી અનંત એમ. અંબાણીએ જણાવતાં ઉમેર્યું હતું કે જામનગર અને કંડલા ખાતેનું અમારા દરિયાઈ અને જમીની ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીધ કચ્છમાં સોલાર અને હાઈડ્રોજન સાથે જોડાણ સરળ બનશે. તેમણે ઉમેર્યું હતું કે અમે ગ્રીન એમોનિયા, ગ્રીન મિથેનોલ અને સસ્ટેનેબલ એવીએશન ફ્યુઅલનું ઉત્પાદન અને નિકાસ કરીશું. આનાથી ભારત ખર્ચની દૃષ્ટિએ સ્પર્ધાત્મક ગ્રીન હાઈડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝ માટેનું વૈશ્વિક હબ બનશે.
શ્રી અનંત એમ. અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે અમારું પ્રારંભિક ધ્યાન રિલાયન્સની પોતાની વિપુલ માંગને પહોંચી વળવા પર રહેશે. અમે 2032 સુધીમાં 3 એમએમટીપીએ (મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ) ગ્રીન હાઈડ્રોજન સમકક્ષ ઉત્પાદન ક્ષમતા સુધી પહોંચવાની યોજના ધરાવીએ છીએ, જેનાથી વૈશ્વિક બજારો માટેના શક્તિશાળી ગ્રોથ એન્જિનને વેગ મળશે, એમ શ્રી અનંત એમ. અંબાણીએ ઉમેર્યું હતું.
જામનગરમાં, ધીરુભાઈ અંબાણી ગીગા એનર્જી કોમ્પ્લેક્સ અંગે માહિતી આપતા શ્રી અનંત એમ. અંબાણીએ જણાવ્યું હતું કે કામ રેકોર્ડ ગતિએ ચાલી રહ્યું છે. કદ, સ્કેલ અને એકીકરણમાં તે વૈશ્વિક સ્તરે અજોડ હશે. અમે બેસ્ટ-ઇન-ક્લાસ ગુણવત્તા, ખર્ચ અને સમયબધ્ધતા માટે વિશ્વની અગ્રણી એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. જામનગર વિશ્વના સૌથી મોટા પરંપરાગત ઉર્જા સંકુલ અને વિશ્વના સૌથી મોટા નવીન ઉર્જા સંકુલ બંનેનું પારણું બનશે. જામનગર નવા રિલાયન્સ અને નવા ભારતનો ચહેરો છે, એમ તેમણે જણાવ્યું હતું.
રિલાયન્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં એક નવી સબસિડિયરીની રચના કરી છે. શ્રી મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સના ડીપ-ટેક એન્ટરપ્રાઇઝમાં પરિવર્તનના કેન્દ્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પહેલેથી જ છે તેનો મને ગર્વ છે. આ એજન્ડામાં વધુ ધ્યાન અને ગતિ લાવવા માટે, આજે મને નવી સંપૂર્ણ માલિકીની પેટાકંપની, રિલાયન્સ ઈન્ટેલિજન્સ,ની રચનાની જાહેરાત કરતાં અત્યંત આનંદ અને ગર્વ થાય છે.”
આ નવી કંપનીની કલ્પના ચાર સ્પષ્ટ મિશન સાથે કરવામાં આવી છે:
પ્રથમ, ભારતના નેક્સ્ટ-જનરેશન AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું. રિલાયન્સ ઈન્ટેલિજન્સ ગીગાવોટ-સ્કેલના, AI-રેડી ડેટા સેન્ટર બનાવશે, જે ગ્રીન એનર્જી દ્વારા સંચાલિત હશે અને રાષ્ટ્રીય સ્તરે ટ્રેનિંગ અને ઇન્ટરફેસ માટે એન્જિનિયર્ડ હશે. જામનગરમાં ગીગાવોટ-સ્કેલના, AI-રેડી ડેટા સેન્ટર પર કામ શરૂ થઈ ચૂક્યું છે. આ સુવિધાઓ ભારતના વધતી જતી જરૂરિયાતોને અનુરૂપ તબક્કાવાર રીતે તૈયાર થશે, જે રિલાયન્સના નવા-ઉર્જા ઇકોસિસ્ટમ દ્વારા સંચાલિત હશે અને AI ટ્રેનિંગ અને ઇન્ટરફેસ માટે ખાસ તૈયાર કરવામાં આવશે.
બીજું, વૈશ્વિક ભાગીદારીઓ માટે એક કેન્દ્ર બનવું. રિલાયન્સ ઈન્ટેલિજન્સ વિશ્વની શ્રેષ્ઠ ટેક-કંપનીઓ અને ઓપન-સોર્સ સમુદાયોને રિલાયન્સની ડીપ-ડોમેન કુશળતા અને અમલીકરણની શક્તિ સાથે જોડશે, જેથી AI માટે પર્ફોર્મન્સ લીડરશિપ, સ્થિતિસ્થાપક સપ્લાય અને ઇન્ડિયા-ફર્સ્ટ અનુપાલન પ્રદાન કરી શકાય.
ત્રીજું, ભારત માટે AI સેવાઓનું નિર્માણ કરવું. રિલાયન્સ ઈન્ટેલિજન્સ ગ્રાહકો, નાના વ્યવસાયો અને સાહસો માટે વિશ્વસનીય, ઉપયોગમાં સરળ AI સેવાઓ અને શિક્ષણ, આરોગ્યસંભાળ અને કૃષિ જેવા રાષ્ટ્રીય મહત્વના ક્ષેત્રો માટે ઉકેલો પૂરા પાડશે. આ સેવાઓ મોટા પાયે વિશ્વસનીય અને દરેક ભારતીય માટે પોસાય તેવી હશે.
ચોથું, AI પ્રતિભાઓનું ઘર. રિલાયન્સ ઈન્ટેલિજન્સ સંશોધનની ઝડપને એન્જિનિયરિંગની સખ્તાઇ સાથે જોડીને વિશ્વ-સ્તરીય સંશોધકો, એન્જિનિયરો, ડિઝાઇનરો અને પ્રોડક્ટ બિલ્ડરો માટે એક ઘર બનાવશે, જેથી વિચારો નવીનતા અને ઉપયોગમાં પરિવર્તિત થઈ શકે અને ભારત તથા વિશ્વને ઉકેલો પૂરા પાડી શકાય.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નોન-એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર સુશ્રી ઇશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ રિટેલ આજે એક રાષ્ટ્રીય આંદોલન છે – જે ગ્રાહકો અને ઉત્પાદકો બંનેને લાભ પહોંચાડવા, અર્થતંત્રને વેગ આપવા, આકાંક્ષાઓને વેગ આપવા અને ભારતીયોના જીવનની ગુણવત્તા સુધારવાનું એક મિશન છે.
આ વર્ષે અમારું પ્રદર્શન માત્ર વ્યાપ જ નહીં, પરંતુ અમારા વ્યવસાય મોડેલની અંતર્ગત શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પણ પ્રતિબિંબિત કરે છે:
- કુલ આવક 8% વધીને ₹3,30,943 કરોડ ($38.7 બિલિયન) થઈ.
- EBITDA 8.6% વધીને ₹25,094 કરોડ ($2.9 બિલિયન) થયો.
અમારા રજીસ્ટર્ડ ગ્રાહકોની સંખ્યા વાર્ષિક ધોરણે 15% વધીને 349 મિલિયન થઈ છે. અમે આ વર્ષે લગભગ 1.4 બિલિયન ટ્રાન્ઝેક્શન પર પ્રક્રિયા કરી છે – જે ભારતની વસ્તી જેટલું છે – આ વ્યાપ અમારી નફાકારક રીતે વૃદ્ધિ કરવાની ક્ષમતાને જ મજબૂત બનાવે છે, એમ સુશ્રી ઇશા એમ. અંબાણીએ જણાવ્યું હતું.
રિલાયન્સ ફાઉન્ડેશન તેની 15મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે, જેમાં સામાજિક ક્ષેત્રે તેની અસાધારણ યાત્રા અને ‘વિકસિત ભારત’ માટેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ફાઉન્ડેશનના કાર્યમાં મુખ્ય ભૂમિકા ભજવનાર નીતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે ફાઉન્ડેશનની પહેલોએ દરેક રાજ્યમાં અને 91,500 થી વધુ ગામોમાં, એટલે કે દેશના દર સાતમાંથી એક ગામમાં, 87 મિલિયનથી વધુ ભારતીયોના જીવનને સ્પર્શ કર્યો છે.
આ વર્ષો દરમિયાન, ફાઉન્ડેશને શિક્ષણ, આરોગ્યસંભાળ, આજીવિકા, આપત્તિ રાહત, રમતગમત, કલા અને પર્યાવરણ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામ કર્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ ભારપૂર્વક જણાવ્યું કે ફાઉન્ડેશનનું કાર્ય “નવા ભારતનું નિર્માણ કરવા માટેની અમારી ગંભીર પ્રતિબદ્ધતા” છે.
આ ઉપરાંત, તેમણે મુંબઈ ઈન્ડિયન્સની વૈશ્વિક સફળતા અને IPLમાં આદિવાસી ક્રિકેટર રોબિન મિન્ઝની પ્રેરણાદાયક વાર્તા પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે રિલાયન્સ મુંબઈના નવા કોસ્ટલ રોડ ગાર્ડન્સના વિકાસ અને જાળવણીની જવાબદારી નિભાવી રહ્યું છે, જે શહેરને પ્રકૃતિની ભેટ સમાન હશે. આ તમામ પહેલો રિલાયન્સની સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.