૩ દિવસમાં ૧૬૦ વિદ્યાર્થીઓએ સ્કુલ છોડી દીધી

સ્કુલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાથી સ્કુલ શિક્ષકો, સ્ટાફ અને બાળકોનું ભવિષ્ય અંધારામાં ધકેલાયું
સેવેન્થ ડે સ્કૂલમાં વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત -આ ઘટના બાદ સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે
અમદાવાદ, સેવેન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ખૂબ ચિંતિત છે. ઘણા વાલીઓએ તાત્કાલિક ધોરણે તેમના બાળકોને આ સ્કૂલમાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે.
મળતી માહિતી મુજબ, છેલ્લા ૩ દિવસમાં જ ૧૬૦ વિદ્યાર્થીઓએ સ્કૂલ છોડી દીધી છે અને તેમના લીવિંગ સર્ટિફિકેટ (LC) લઈ લેવામાં આવ્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં ૨૫૦ જેટલા વાલીઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.
વાલીઓની ચિંતા અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ પણ સક્રિય બન્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ના જણાવ્યા મુજબ, ચાર અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ વાલીઓને તેમના બાળકોનું અન્ય શાળાઓમાં એડમિશન કરાવવામાં મદદ કરી રહી છે. અત્યાર સુધીમાં ૧૬૦ વિદ્યાર્થીઓના એડમિશન અન્ય શાળાઓમાં કન્ફર્મ થઈ ગયા છે. આ પગલું વાલીઓને મોટી રાહત આપી રહ્યું છે, કારણ કે તેમની સૌથી મોટી ચિંતા તેમના બાળકોના શિક્ષણની છે.
આ ઘટના બાદ સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. DEOના કહેવા પ્રમાણે, આ અનિશ્ચિતતા પણ વાલીઓની ચિંતાનું એક મુખ્ય કારણ છે. વાલીઓને ડર છે કે સ્કૂલની આ પરિસ્થિતિને કારણે તેમના બાળકોનું શિક્ષણ બગડી શકે છે. હાલની સ્થિતિ જોતાં, સેવેન્થ ડે સ્કૂલ માટે ફરીથી વાલીઓનો વિશ્વાસ જીતવો એક મોટો પડકાર બની રહેશે.
આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીના મુદ્દાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે શાળાઓ અને શિક્ષણ વિભાગે વધુ કડક પગલાં લેવાની જરૂર છે.