Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદઃ 10 ડેમ છલકાયા

દ્વારકાના ૧૨માંથી ૮, જામનગરના ૨૦માંથી ૭, મોરબીના ૧૦માંથી ૧, સુરેન્દ્રનગરના ૧૧માંથી ૨ અને રાજકોટના ૨૭માંથી ૧૦ ડેમ ઓવરફ્લો થયા છે

રાજકોટ, રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે જળાશયો અને ડેમો છલકાવા લાગ્યા છે. દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં જળસંચયની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. નાયબ કાર્યપાલ ઈજનેર જયદિપ લાવડિયાએ જણાવ્યું કે, આ પાંચેય જિલ્લાના ડેમોનું ફ્લડ કંટ્રોલ રાજકોટથી સંચાલિત થાય છે.

ભારે વરસાદના પગલે અનેક ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, જેનાથી પાણીની ઉપલબ્ધતા વધી છે, પરંતુ તંત્રને પૂરની સંભાવના સામે સતર્ક રહેવું પડી રહ્યું છે.દ્વારકા જિલ્લામાં કુલ ૧૨ ડેમમાંથી ૮ ડેમ છલકાઈ ગયા છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો વહેવાટ વધ્યો છે.

જામનગર જિલ્લામાં ૨૦ ડેમમાંથી ૭ ડેમ ઓવરફ્લો થયા છે, જેની અસર સ્થાનિક વિસ્તારોમાં જોવા મળી રહી છે. મોરબી જિલ્લામાં ૧૦ ડેમમાંથી ૧ ડેમ સંપૂર્ણ રીતે છલકાયો છે, જ્યારે ૩ ડેમ ૭૦ ટકાથી વધુ ક્ષમતાએ ભરાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૧ ડેમમાંથી ૨ ડેમ ઓવરફ્લો થયા છે અને ૬ ડેમ ૭૦ ટકાથી વધુ ભરાયેલા છે. રાજકોટ જિલ્લામાં કુલ ૨૭ ડેમમાંથી ૧૦ ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે ૭ ડેમ ૮૦ ટકાથી વધુ ભરાયેલા છે.

રાજકોટમાંથી હવે સીધી માલસામાન ડિલિવરી શક્્ય, હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાર્ગો સેવા શરૂ; ચાંદી અને જ્વેલરી ઉદ્યોગને થશે મોટો ફાયદો
રાજકોટ જિલ્લાના કલેક્ટરે જણાવ્યું કે, જિલ્લાના અનેક મહત્વના જળાશયો ૧૦૦ ટકા ક્ષમતાએ ભરાઈ ગયા છે.

આમાં મોજ ડેમ, આજી-૩ ડેમ, સોડવદર ડેમ, ન્યારી-૨ ડેમ, લાલપરી તળાવ અને માલગઢ ડેમનો સમાવેશ થાય છે. આ ડેમોમાં વરસાદી પાણીનો પૂરેપૂરો સંગ્રહ થતાં ખેડૂતો અને શહેરવાસીઓ માટે પાણીની કટોકટી દૂર થવાની આશા વધી છે. આ સ્થિતિ ખેતી અને પીવાના પાણીની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે.

જયદિપ લાવડિયાએ સ્પષ્ટ કર્યું કે જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો ઓવરફ્લો થયેલા ડેમોના ગેટ ઓપરેશનની તૈયારી રાખવામાં આવી છે. પાણી છોડવાની પ્રક્રિયા તંત્રની જાણકારી અને પરિસ્થિતિ અનુસાર કરવામાં આવશે. નિચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પૂર્વ એલર્ટ આપવામાં આવશે, જેથી કોઈ મુશ્કેલી સર્જાય નહીં. લોકોને નદી-નાળા પાસે ભેગા ન થવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ મુશ્કેલીના કિસ્સામાં તંત્રનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે.

સૌરાષ્ટ્રના ડેમોમાં ભરાયેલું પાણી ખેતી અને પીવાના પાણીની ચિંતાઓ દૂર કરવામાં મદદરૂપ થશે. જોકે, ઓવરફ્લોની સ્થિતિને કારણે તંત્રને સતર્ક રહેવું પડી રહ્યું છે. વધુ વરસાદના કિસ્સામાં ડેમોના ગેટ ખોલવા અને પાણી છોડવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, અને લોકોને સુરક્ષિત રહેવા માટે એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.