Western Times News

Gujarati News

અમરેલી: રાજુલાના એક ગામમાં સિંહણે પાંચ વર્ષના બાળકને ફાડી ખાધું

અમરેલી, રાજુલા પંથકમાં સિંહના હુમલાની ઘટના સામે આવી છે. જેમાં સિંહણે એક પાંચ વર્ષના બાળકને ફાડી ખાધું છે. જે બાદમાં વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. બાળકનો મૃતદેહ વહેલી સવારે મળી આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે રાજુલાના ઉંચેયા-ભચાદર ગામની સીમમાં સોમવારે રાત્રે આ બનાવ બન્યો હતો. અહીં મોડી રાત્રે એક સિંહણ તેના સિંહબાળ સાથે આવી પહોંચી હતી. આ સમયે ઝૂંપડામાં રહેલા એક બાળકને સિંહણ મોઢાથી પકડીને દૂર ઢસડી ગઈ હતી. જે બાદમાં સિંહણે બાળકને ફાડી ખાધું હતું.

પરિવાર એક ઝૂંપડામાં રહેતો હતો. બાળક ગુમ થયા બાદ પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જે બાદમાં વહેલી સવારે ઝૂંપડા નજીકથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહ આવ્યાની જાણ થતાં આસપાસના લોકો જાગી ગયા હતા અને બાળકને બચાવવા પણ દોડ્‌યાં હતાં. જોકે, લોકો કંઈ કરે તે પહેલા જ સિંહણે બાળકને ફાડી ખાધું હતું. સિંહ બાળકનો એક પગ અને અડધું માથું કરડી ખાધું હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જે બાદમાં અધિકારીઓએ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી. નોંધનીય છે કે ગત વર્ષે સિંહે મનુષ્ય પર હુમલો કરીને ફાડી ખાધાના બેથી ત્રણ બનાવો સામે આવ્યા હતા.

નોંધનીય છે કે મનુષ્યને ફાડી ખાવાના કેસમાં વનવિભાગ તરફથી જે તે સિંહને કેદ કરવામાં આવે છે. જે બાદમાં તેના મળનો અભ્યાસ કરીને તેણે મનુષ્યનું માંસ આરોગ્યું છે કે નહીં તેની તપાસ કરાતી હોય છે. એટલું જ નહીં પકડાયેલા સિંહોને અમુક સમય સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવતા હોય છે. જે બાદમાં તેને મુક્ત કરવા કે નહીં તેની નિર્ણય લેવાતો હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.