Western Times News

Gujarati News

જમ્મુ, ઉત્તરાખંડ, હિમાચલમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ પણ વધી શકે છે?

File

બે સિસ્ટમ અથડાશે અને ઘણા વિસ્તારોનો ખુડદો બોલાશે

નવી દિલ્હી,  પહાડી વિસ્તારોમાં જોરદાર વરસાદના કારણે ઉત્તર ભારતમાં નદીઓએ તાંડવ મચાવ્યું છે. પંજાબના લગભગ ૯ હજાર જેટલા ગામડા ડૂબ્યા છે. મોટાભાગની નદીઓએ ખતરાના નિશાન ઉપર વહી રહી છે. બીજી બાજુ હવામાન વિભાગે પણ એક ડરામણી ભવિષ્યવાણી કરી છે.

મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અથડાવવાથી આવનારા સમયમાં વરસાદની ગતિવિધિઓ તેજ થશે. જેનાથી જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્્યતા છે. આ સાથે જ નદીઓમાં પુર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ પણ વધી શકે છે.

હવામાન વિભાગે કહ્યું કે ૧ સપ્ટેમ્બરથી ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્્યતા છે. હિમાચલ પ્રદેશ, અને જમ્મુ કાશ્મીરમાં બે સપ્ટેમ્બરના રોજ મૂસળધાર વરસાદ પડી શકે છે. આગામી ત્રણથી ચાર દિવસ પહાડી વિસ્તારો માટે ખુબ ગંભીર છે. આમ તો ઉત્તર ભારતમાં શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ એક્ટિવ રહે છે. જ્યારે મોનસૂન સિસ્ટમમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અથડાવવાથી ગંભીર સ્થિતિ પેદા થવાનું જોખમ રહે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મોહાપાત્રાએ કહ્યું કે ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઓગસ્ટમાં થયેલા મૂસળધાર વરસાદની પાછળ પણ આ કારણ હતું. ઉત્તરાખંડના ધરાલી, જમ્મુ કાશ્મીરના કિશ્તેવાડ અને હિમાચલના મંડીમાં આફત પાછળ પણ આ કારણ હોઈ શકે છે.

દહેરાદૂનના સીનિયર હવામાન વૈજ્ઞાનિક થપલિયાલે કહ્યું કે આગામી ૪૮ કલાક ઉત્તરાખંડ માટે ખુબ સંવેદનશીલ છે. બંને સિસ્ટમ અથડાવવાથી ભારે વરસાદનું અનુમાન છે. આવામાં દહેરાદૂનમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત ટેહરી, પૌડી, હરિદ્વાર, ચંપાવત,નૈનીતાલ, બાગેશ્વર અને ઉધમસિંહ નગરમાં પણ રેડ એલર્ટ જાહેર છે.
હાલ મોનસૂન ટ્રફ દક્ષિણમાં પોતાની સામાન્ય ગતિ પર છે.

જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચક્રવાતીય પરિસંચરણ તરીકે ઉત્તરી પાકિસ્તાન અને પંજાબ પર બનેલું છે. આ ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ પર સર્ક્‌યુલેશનના કારણે અરબ સાગર અને બંગાળની ખાડીથી પણ વધુ ભેજ હિમાલય તરફ આગળ વધી રહ્યો છે. જેના કારણે હિમાલયની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

મોહાપાત્રાએ કહ્યું કે ઓગસ્ટ મહિનામાં ઉત્તર-પશ્ચિમમાં ૨૦૦૧ બાદ સૌથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સપ્ટેમ્બરમાં વરસાદ ચાલુ રહે તેવું અનુમાન છે.
હવામાન વિભાગે શનિવારે કરેલી આગાહી મુજબ મોનસૂન ટ્રફ સાથે ૨ સાયક્લોનિક સર્ક્‌યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી છે. આગામી ૫ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.