Western Times News

Gujarati News

એકમાત્ર ભારતે SCO સમિટમાં ચીનના આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો

ભારતે શરૂઆતથી જ BRIનો વિરોધ કર્યો છે અને તેનું સૌથી મોટું કારણ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર ( સીપીઈસી) છે

તિયાનજિન,  ચીનના વિવાદાસ્પદ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઈ) અંગે ભારતનું વલણ સ્પષ્ટ છે. ચીનના તિયાન્જિનમાં યોજાયેલા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના શિખર સંમેલનમાં ભારતે આ પ્રોજેક્ટને સમર્થન આપવાનો ઇનકાર કરી દીધો.

ભારત એસસીઓનો એકમાત્ર એવો સભ્ય દેશ હતો, જેણે આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો, જ્યારે અન્ય દેશોએ તેને સમર્થન આપ્યું. ભારતના વિરોધનું મુખ્ય કારણ એ છે કે આ પ્રોજેક્ટ ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર અસર કરે છે.

એસસીઓના તિયાન્જિન ઘોષણાપત્રમાં, બેલારુસ, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા દેશોએ બીઆરઆઈને સમર્થન આપ્યું, જ્યારે ભારતે સહમતી ન આપી. ભારત માને છે કે કોઈપણ કનેક્ટિવિટી પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય નિયમો, પારદર્શિતા અને સમાનતા પર આધારિત હોવો જોઈએ અને તે દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે.

મોદીએ ચીનની યોજનાની સામે ઉદાહરણ આપતા જણાવ્યું કે ભારતે ચાબહાર પોર્ટ અને ઇન્ટરનેશનલ નોર્થ–સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર જેવા પ્રોજેક્ટ દ્વારા કનેક્ટિવિટી વિકસાવી છે, જે સમાવેશક, ટકાઉ અને સર્વભૌમત્વનું માન રાખે છે.

ગયા કેટલાક વર્ષોથી ભારત SCOની મંચ પર ચીનની BRI યોજનાથી અલગ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતા આવ્યું છે. 2018ની કિંગદાઓ સમિટથી લઈને હાલની તિયાનજિન સમિટ સુધી ભારત સતત BRIના સમર્થનમાં હાથ નહીં ઊંચો કરે તેવી એકમાત્ર સભ્ય દેશ તરીકે રહ્યો છે.

વિશ્લેષકોના મતે ભારતને ફક્ત પ્રાદેશિક અખંડિતતાની ચિંતા જ નથી, પણ ચીનના પ્રોજેક્ટ્સ દ્વારા નાનાં દેશો પર થતી આર્થિક દબાણ અને વ્યૂહાત્મક પ્રભાવ વધારાની શક્યતાઓ અંગે પણ સાવચેતી છે.

ભારતે શરૂઆતથી જ બીઆરઆઈનો વિરોધ કર્યો છે અને તેનું સૌથી મોટું કારણ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર સીપીઈસી) છે. સ એ બીઆરઆઈનો મુખ્ય પ્રોજેક્ટ છે, જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માંથી પસાર થાય છે. ભારત માને છે કે આ તેની સાર્વભૌમતાનો ભંગ છે, કારણ કે પીઓકે ભારતનો અભિન્ન ભાગ છે.

ભારત સરકારનું કહેવું છે કે તેણે આ મુદ્દે વારંવાર સંબંધિત દેશો સામે ઔપચારિક વિરોધ નોંધાવ્યો છે અને તેમને આવી ગતિવિધિઓ બંધ કરવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સરકારનું વલણ સ્પષ્ટ અને સુસંગત છે. સાથે જ, ભારત સરકાર આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા દરેક વિકાસ પર સખત નજર રાખે છે અને દેશની સુરક્ષા અને અખંડિતતાની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરે છે.

બીઆરઆઈ (બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ), જેને ચીની ભાષામાં વન બેલ્ટ, વન રોડ કહેવામાં આવે છે, તે ચીનની એક મોટી વૈશ્વિક પહેલ છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ચીની કંપનીઓ દ્વારા વિદેશોમાં પરિવહન, ઊર્જા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સનું નિર્માણ કરવાનો છે. આ પ્રોજેક્ટ્‌સને ચીની વિકાસ બેન્કો તરફથી મળેલી લોન દ્વારા ફંડ આપવામાં આવે છે.

આ પહેલનો મુખ્ય હેતુ ચીન અને બાકીના વિશ્વ વચ્ચે કનેક્ટિવિટી સુધારવાનો છે, જેથી વેપાર અને અર્થતંત્રને મજબૂતી મળે. તેને ૨૧મી સદીના નવા સિલ્ક રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ચીનથી મધ્ય પૂર્વ અને યુરોપ સુધી વેપાર માર્ગ બનાવે છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ૨૦૧૩માં કઝાકિસ્તાન અને ઇન્ડોનેશિયાની મુલાકાતો દરમિયાન આ વિચારની જાહેરાત કરી હતી. ત્યારથી આ પહેલ ઝડપથી આગળ વધી છે અને તેના હેઠળ કેન્યા અને લાઓસમાં રેલમાર્ગો તેમજ પાકિસ્તાન અને ઇન્ડોનેશિયામાં પાવર પ્લાન્ટ્‌સ જેવા અનેક મોટા પ્રોજેક્ટ્‌સ બનાવવામાં આવ્યા છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.