GST રિફંડ વાર્ષિક ધોરણે ઓગસ્ટમાં ૨૦ ટકા ઘટી રૂ. ૧૯,૩૫૯ કરોડ થયુ

AI Image
GST કલેક્શન ઓગસ્ટમાં ૧.૮૬ લાખ કરોડ થયું
(એજન્સી)નવી દિલ્હી, સોમવારે કેન્દ્ર સરકારે જીએસટી કલેક્શનના આંકડા રજૂ કર્યા હતાં. જે માસિક ધોરણે ઘટ્યું છે. પરંતુ સરેરાશ ધોરણે રૂ. ૧.૮૦ લાખની સપાટી જાળવી રાખી છે. ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન ૧.૮૬ લાખ કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા ૬.૫ ટકા વધુ છે.
ઓગસ્ટ ૨૦૨૪ માં ૧.૭૫ લાખ કરોડ રૂપિયા જીએસટી કલેક્શન નોંધાયુ હતું. બીજી તરફ, જો આપણે પાછલા મહિનાની વાત કરીએ તો, જુલાઈ ૨૦૨૫ માં જીએસટી કલેક્શનથી સરકારી તિજોરીમાં ૧.૯૬ લાખ કરોડ રૂપિયા સામે નજીવો ઘટાડો નોંધાયો છે.
સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, સ્થાનિક આવકમાં ઉછાળાને કારણે, ઓગસ્ટમાં કુલ જીએસટી કલેક્શન ૧.૮૬ લાખ કરોડ રૂપિયાથી વધુ પહોંચી ગયું. ગયા મહિને આ આવક ૯.૬ ટકા વધીને ૧.૩૭ લાખ કરોડ રૂપિયા થઈ હતી. જ્યારે ઈમ્પોર્ટ ડ્યુટી ૧.૨ ટકા ઘટી રૂ. ૪૯,૩૫૪ કરોડ થયુ હતું. જો આપણે જીએસટી રિફંડ પર નજર કરીએ તો, તે વાર્ષિક ધોરણે ૨૦ ટકા ઘટી રૂ. ૧૯,૩૫૯ કરોડ થયુ છે.
જો આપણે અત્યાર સુધીના સૌથી મોટા જીએસટી કલેક્શનના આંકડા પર નજર કરીએ, તો એપ્રિલમાં સૌથી વધુ જીએસટી કલેક્શન નોંધાયુ હતું. ત્યારે સરકારને જીએસટી કલેક્શન મારફત રૂ. ૨.૩૭ લાખ કરોડની કમાણી થઈ હતી.
જે જીએસટી લાગુ થયા પછી અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન હતું. નોંધનીય છે, જીએસટી કાઉન્સિલની બેઠક બે દિવસ પછી ત્રણ સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે. જેમાં જીએસટી સુધારા હેઠળ ટેક્સ સ્લેબમાં ઘટાડો કરવા તેમજ જીએસટીના દરોને તર્કસંગત બનાવવા પર ચર્ચા થવાની છે.