Western Times News

Gujarati News

મ્યુનિ. જમીન પરના સેવન્થ ડે સ્કુલના ગેરકાયદેસર બાંધકામને ઈમ્પેક્ટ અંતર્ગત મંજુરી આપવામાં આવી

જમીન એન.એ. થઈ છે કે કેમ એની માહિતી એસ્ટેટ વિભાગ પાસે પણ નથી

(પ્રતિનિધી) અમદાવાદ, અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કુલની જમીન અને તેના બાંધકામ અંગે નવો વિવાદ બહાર આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શૈક્ષણિક હેતુસર ૯૯ના વર્ષના લીઝ પર જમીન આપવામાં આવી હતી.

જેના પર સેવન્થ ડે સ્કુલના હર્તાકર્તાઓએ ગેરકાયદેસર બાંધકામ કર્યા હતા અને આશ્ચર્યજનક રીતે પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા સરકારી (મ્યુનિ.)જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામને ઈમ્પેક્ટ અંતર્ગત ડીયુ પરમીશન ઈસ્યુ કરવામાં આવી ચોકાવનારી બાબતે એ છે કે જે જમીન પર આ સ્કુલ ઉભી કરવામાં આવી છે તે એન.એ. થયેલ છે કે કેમ તેની માહિતી મ્યુનિ. અધિકારીઓ કે શાસકપક્ષ પાસે પણ નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોખરામાં શાળા બનાવવા માટે ૨૦૦૧માં લીઝ પર જમીન આપવામાં આવી હતી. મનપા દ્વારા જમીન કબ્જો સોંપવામાં આવ્યા બાદ સેવન્થ ડે ફાઈનાન્સ કંપની દ્વારા તેની વખતો વખત ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા.

આ તમામ બાંધકામોને ફેબ્રુઆરી ૨૦૨૪માં ઈમ્પેક્ટ કાયદા અંતર્ગત પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા. ઈમ્પેક્ટના નિયમ મુજબ સરકારી કે અર્ધ સરકારી જમીન પર થયેલા બાંધકામનો મંજુરી આપવામાં આવતી નથી. આ ઉપરાંત એનએ ન થઈ હોય તેવી જમીન પણ ઈમ્પકટ અંતર્ગત મંજુરી આપવામાં આવતી નથી. આશ્ચર્યજનક રીતે પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા આ બન્ને શરતો સામે આખ આડા કાન કરવામાં આવ્યા છે. ચોકવનારી બાબત એ છે કે ઈમ્પેકટ અંતર્ગત ઈસ્યુ કરવામાં આવેલ બીયુમાં જમીન માલિક તરીકે મ્યુનિ. કોર્પોરેશનના નામનો ઉલ્લેખ છે.

એએમસી દ્વારા સેવન્થ ડે સ્કૂલની નોંધાયેલી કંપની સાથે લીઝ કરાર કરાવામાં આવ્યા હતા વર્ષ ૨૦૦૧-૨૦૦૨માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો,

જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમમાં સ્કૂલના હેતુ માટે રિઝર્વ રાખેલા પ્લોટની જમીન એજ્યુકેશન ટ્રસ્ટ અને રજિસ્ટર થયેલી સૂચિત ટ્રસ્ટ ધરાવતી સંસ્થાને જ આપવાની હતી, પરંતુ એએમસી દ્વારા સેવન્થ ડે સ્કૂલની નોંધાયેલી કંપની સાથે એમ.ઓ.યુ. (લીઝ કરાર) કર્યા હતા, જેમાં ઇન્ડિયા ફાયાનાન્સિયલ એસોસિયેશન ઓફ સેવન્થ ડે એડવેન્ટીસ સાથે કરાર કરાયો હતો, જેની નોંધણી કંપની એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી.

મતલબ કે મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા શૈક્ષણિક હેતુસર જે જમીન આપવામાં આવી હતી. તેનો ઉપયોગ એક કંપની દ્વારા કરવામાં આવ્યો છે. ૨૦૦૧-૦૨માં જ્યારે સ્ટેન્ડીંગ કમિટીએ કરાર અને એમઓયુ કર્યા હતા. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ હતું કે સદર જમીન એનએ કરવાની જવાબદારી સેવન્થ ડે કંપનીની રહેશે. પરંતુ આ જમીન એનએ થઈ છે કે કેમ તેની માહિતી આજ દીન સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનને સદર કંપની તરફથી આપવામાં આવી નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.