ભરૂચ ભાજપે રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું: PM મોદી અને તેમની માતા સામે નિવેદનનો વિરોધ

(પ્રતિનિધિ) ભરૂચ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેઓના માતા અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ અપમાનજનક નિવેદનના વિરોધમાં ભરૂચ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.
બિહારમાં રાહુલ ગાંધી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેઓના માતા અંગે અપમાનજનક નિવેદન કરતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
ત્યારે ભરૂચ ભાજપ દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.પાંચબત્તી વિસ્તારમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગણી કરી પૂતળા દહન કરવામાં આવતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફરજ પરના એક પોલીસકર્મી દ્વારા પૂતળા દહન કરતા કાર્યકરોને અટકાવવાના પ્રયાસો વચ્ચે પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો.
ભાજપના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, પ્રધાનમંત્રી અને તેઓની માતા માટે અપમાનજનક શબ્દો ઉચ્ચારવા યોગ્ય નથી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાત્કાલિક માફી માંગવી જોઈએ.
આ વિરોધ પ્રદર્શન દરમ્યાન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,ભાજપના અગ્રણી દિવ્યેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.