ઉદ્યોગપતિને આપઘાત કરવા મજબુર કરનાર પ્રેમિકા સહિત બે ઝડપાયા

પ્રતિકાત્મક
મોરબી, સિરામિક ઉદ્યોગપતિને સિરામિક ફેકટરીમાં ૪ પાર્ટનરે રૂ.૪.૩૭ કરોડનો ચુનો લગાડ્યો હતો. મૃતક ઉદ્યોગપતિને પ્રેમસંબંધ હોવાથી જે મહિલાએ અન્ય ઈસમ સાથે મળીને લાખો રૂપિયા પડાવી બ્લેકમેલ કરી હેરાન પરેશાન કરતા કંટાળી ગયેલ ઉદ્યોગપતિએ આપઘાત કરી લીધો હતો.
સીટી એ.ડીવીઝન પોલીસે ચાર પાર્ટનર, પ્રેમિકા સહિત છ વિરૂધ્ધ માનસિક ત્રાસ આપી ધમકી આપી મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. જેમાં આરોપી પ્રેમીકા સહિત બેને ઝડપી લેવામાં આવ્યા છે.
ટંકારાના ઉમિયાનગર ગામના રહેવાસી પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાડજાએ આરોપીઓ અમિતભાઈ વશરામભાઈ ચારોલા, ભાવેશભાઈ બાબુભાઈ વિડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજભાઈ, હરખાભાઈ સાણદીયા, મનીષાબેન કિરણભાઈ ગોહિલ અને અર્ચિતભાઈ મહેતા એમ છ વિરૂધ્ધ તા.૧૨ ઓગષ્ટના રોજ ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યું હતું કે મારી નાની બહેન હીનાબેનના લગ્ન મુળ હમીરપર હાલ મોરબી રવાપર ખાતે રહેતા અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા (ઉ.વ.૪૨)સાથે થયા હતા. અશોકભાઈના કારખાનાના ચાર ભાગીદારોએ રૂ.૪.૩૭ કરોડ પડાવ્યા હતા તેમજ મનીષાબેન ગોહિલ સાથે મૃતકને પ્રેમસંબંધ હોવાથી આરોપી અર્ચિત મહેતા સાથે મળીને અશોકભાઈને બ્લેકમેલ કરી રૂ.૭૦ થી ૮૦ લાખ પડાવ્યા હતા.
જેથી કંટાળીને તા.૧૧ના અશોકભાઈએ બપોરના સમયે ઝેરી દવા પી લીધી હતી અને હોસ્પિટલે સારવારમાં મૃત્યુ થયુ હતું. ચારેય ભાગીદારોના માનસિક ત્રાસ અને રૂપિયા પડાવી લેવાથી દવા પી આપઘાત કર્યો હોવાનું સુસાઈડ નોટમાં લખ્યું છે. જે આધારે પોલીસે આરોપી મનીષબેન ગોહિલ અને અર્ચિત મહેતાને ઝડપી લઈ વધુ તપાસ ચલાવી છે.