Western Times News

Gujarati News

સ્ટાર્ટઅપની પાંખો થકી આકાશને આંબતી ગુજરાતની યુવાશક્તિ

પાટણ સ્થિત આઈ.ટી. કંપનીને ‘ફોટોન વી.આર. – વર્ચ્યુઅલ રિયાલીટી ઈન ઍજ્યુકેશન’ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર -સ્ટાર્ટઅપને વેગવાન બનાવવા દેશભરમાં પહેલરૂપ ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માળખાકીય સહાય અને રૂ.૨૦ લાખનું ફંડ પુરૂં પાડવામાં આવ્યું

સંકલન-આલેખનઃ કૌશિક ગજ્જર માહિતી મદદનીશ, પાટણ

અદમ્ય ઈચ્છાશક્તિ, સંકલ્પ, સાહસ અને મહેનતનો સમન્વય થાય તો સપનાની પાંખોને આકાશ પણ નાનું પડે છે. પાટણ જેવા નાનકડા શહેરના નોન-ટેક્નિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા ચાર મિત્રોએ શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગનો વિકલ્પ પસંદ કર્યો. સ્ટાર્ટઅપ ગુજરાત પોલીસી અંતર્ગત રાજ્ય સરકારની સહાય થકી નવી શિક્ષણ પદ્ધતિ વિકસાવી મેળવ્યો રાષ્ટ્રીય પુરસ્કાર….

પાટણના મયુર પટેલ, મેહુલ પટેલ, વિજય ઠક્કર, અને ધવલ સોનપાલ નામના ચાર યુવાનો દ્વારા ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીના ઉપયોગથી દરેક બાળકને સરળ અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે વર્ષ ૨૦૧૮માં સંયુક્ત ભાગીદારીથી કછુઆ એજ્યુકેશન સર્વિસીસ નામથી આઈ.ટી. કંપનીની શરૂઆત કરી. સ્ટાર્ટઅપને વેગવાન બનાવવા દેશભરમાં પહેલરૂપ સ્ટાર્ટઅપ ગુજરાત પોલીસી અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આ સ્ટાર્ટઅપ માટે રૂ. ૨૦ લાખ જેટલું ફંડ પુરૂ પાડવામાં આવ્યું. સાથે સાથે પોલીસી અંતર્ગત સહાય, માર્ગદર્શન અને અન્ય માળખાકીય લાભો પણ મંજૂર કરવામાં આવ્યા.

કછુઆ એજ્યુકેશન સર્વિસીસમાં વાઈસ પ્રેસિડેન્ટ ઑફ ઑપરેશન્સ તરીકે કામ કરતાં કંપનીના કો-ફાઉન્ડરશ્રી મયુર પટેલ પોતાના સ્ટાર્ટઅપ વિશે વાત કરતાં જણાવે છે કે, એક નવા વિચારને અમલમાં લાવી ખરેખર કંપની શરૂ કરવાનું કામ મુશ્કેલ હતું. કેટલીય મંજૂરીઓ અને નાણાંકીય સ્ત્રોતો મેળવવાની અવઢવ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ગુજરાત પોલીસી અંતર્ગત ફંડ આપવામાં આવ્યું અને વિવિધ મંજૂરીઓ મેળવવામાંથી મુક્તિ પણ મળી.

સ્ટાર્ટઅપની બે વર્ષની સફર બાદ આજે જે સફળતા અને સિદ્ધિ હાંસલ કરી છે તેમાં મદદ કરવા માટે અમે રાજ્ય સરકારના આભારી રહીશું. સ્ટાર્ટઅપને વેગ આપતાં દેશના ૪૩ ટકા શૅર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું છે ત્યારે રાજ્ય સરકારની સહાયથી પાટણ સ્થિત કછુઆ એજ્યુકેશન સર્વિસીસ નામની આઈ.ટી. કંપનીને ‘ફોટોન વી.આર.’ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઈ-ગવર્નન્સ એવોર્ડ ૨૦૧૯-૨૦માં સિલ્વર મેડલ એનાયત કરવામાં આવશે. સમગ્ર ભારતમાંથી પસંદગી પામનાર આ એકમાત્ર સ્ટાર્ટઅપ છે કે જેને કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવનાર છે.

કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઑફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટૅક્નોલોજી અને મહારાષ્ટ્ર સરકારના સંકલનમાં ડિપાર્ટમેન્ટ ઑફ ઍડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રિવન્સ દ્વારા મુંબઈ ખાતે તા.૦૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ બે દિવસીય નૅશનલ કૉન્ફરન્સ ઑન ઈ-ગવર્નન્સ ૨૦૨૦ યોજાશે. જેમાં ભારત સરકાર, રાજ્ય સરકાર, ઉદ્યોગો, ખાનગી ક્ષેત્ર તથા શિક્ષણ સાથે સંકળાયેલા ૧૦૦૦ કરતાં વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ઍડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રિવન્સ દ્વારા ૨૩મી નૅશનલ કૉન્ફરન્સ ઑન ઈ-ગવર્નન્સમાં પાટણના કછુઆ એજ્યુકેશન સર્વિસીસને ‘ફોટોન વી.આર.’ – વર્ચ્યુઅલ રિયાલીટી ઈન ઍજ્યુકેશન’ પ્રોજેક્ટને પુરસ્કૃત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ઈન્ડસ્ટ્રીયલ પોલીસી એન્ડ પ્રમોશન દ્વારા માન્યતા પ્રાપ્ત ‘ફોટોન વી.આર.’ પ્રોજેક્ટને ‘ઈનોવેટીવ યુઝ ઑફ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી ઈન ઈ-ગવર્નન્સ સોલ્યુશન બાય સ્ટાર્ટઅપ’ની કેટેગરી-૦૫ અંતર્ગત સિલ્વર મેડલ એનાયત કરવામાં આવશે.

વર્ચ્યુઅલ રીયાલીટી જેવી અત્યાધુનિક ટેક્નોલોજીનો જ્યારે વિશ્વના તમામ દેશોમાં ગેમીંગ માટે ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે આ ટેક્નોલોજીનો શિક્ષણ ક્ષેત્રમાં ઉપયોગ કરવા બદલ ‘ફોટોન વી.આર.’ પ્રોજેક્ટને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ભાર વગરના ભણતરને પ્રાધાન્ય આપી સરકારી શાળાઓમાં પણ હવે સ્માર્ટ ક્લાસ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન જેવા મુશ્કેલ વિષયોને પ્રોજેક્ટ પર ખૂબ સરળતાથી ભણાવવામાં આવી રહ્યા છે ત્યારે કછુઆ દ્વારા સ્માર્ટ ક્લાસથી પણ એક ડગલું આગળ વી.આર. સેટ દ્વારા શિક્ષણ આપવા કન્ટેન્ટ તૈયાર કર્યું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી ધોરણ-૦૫ થી ૧૦ સુધીના વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમ મુજબ પ્રકરણવાર મુદ્દાઓ, પ્રક્રિયાઓ, પ્રયોગો અને કન્સેપ્ટ્સ વિસ્તૃતરૂપે અને સરળતાથી સમજી શકાય તે મુજબ તૈયાર કરવામાં આવ્યા છે.

વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે, જ્ઞાન કરતાં કલ્પના વધુ મહત્વપૂર્ણ છે. આઈન્સ્ટાઈનના આ વિધાનને સાર્થક કરતાં આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વી.આર. સેટ થકી ૩ડી અને ૩૬૦ ડીગ્રી કન્ટેન્ટ દ્વારા વિજ્ઞાન વિષયના વિવિધ પાસાઓને પ્રેઝન્ટેશન જોવા ઉપરાંત વિવિધ પ્રયોગો જાતે જ કરતા હોય તેવો અનુભવ કરે છે. જેના કારણે વિષયવસ્તુ વાસ્તવિકપણે અને તાદ્રશ અનુભવ દ્વારા વધુ સરળતાથી સમજી શકશે. પુસ્તકના જ્ઞાન સાથે વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિમાં પણ વધારો થશે. ક્લાસરૂમના વિદ્યાર્થીઓને આપવામાં આવેલા આ ઑડિયો-વિઝ્યુઅલ માધ્યમ વી.આર. સેટનું શિક્ષક પાસે રહેલા ટેબલેટ દ્વારા સંચાલન કરવામાં આવે છે.

ગુજરાતને યુવા સ્ટાર્ટઅપના નવોન્મેષી વિચારો અને પ્રયોગોથી દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ લીડ લેનારૂં રાજ્ય બનાવવા મુખ્યમંત્રીશ્રી સંકલ્પબદ્ધ છે. આ હેતુસર તેમણે સમગ્ર સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને અનેક પ્રોત્સાહનો આપ્યા છે. તેમણે રાજ્ય સરકારના વિભાગોની ચેલેન્જિસના સોલ્યુશનમાં પણ સ્ટાર્ટઅપનો સહયોગ લેવાની નેમ રાખી છે. રાજ્યમાં ૨૦૧૬થી અત્યાર સુધીમાં રૂપિયા ૧૪૦ કરોડની સહાયના સ્ટાર્ટઅપને આપવામાં આવી છે. ૪૦૦૦ કરતાં વધુ લોકોને જુદા જુદા સ્ટાર્અપ ક્ષેત્રે રોજગાર અવસર મળ્યા છે. મુખ્યમંત્રીના પ્રોત્સાહક અભિગમની ફલશ્રુતિએ રાજ્યમાં યુવા સ્ટાર્ટઅપને ફાયનાન્શિયલ આસિસ્ટન્સ, ઓનલાઇન એપ્લિકેશન, મોનીટરીંગ એન્ડ ટ્રેકિંગ સુવિધા દ્વારા સ્ટાર્ટઅપને ખિલવવા-વિકસવાની પૂર્ણ તક મળતી થઇ છે.

વર્ષ ૨૦૧૯ માં કછુઆ ટીમ દ્વારા ભારતનો સર્વ પ્રથમ FotonVR Classroom નો પાયલોટ પ્રોજેક્ટ મહેસાણા જિલ્લામાં આવેલી શ્રીમતી એમ.જી. પટેલ સૈનિક સ્કૂલ ફોર ગર્લ્સમાં શરૂ કરવામાં આવ્યો હતો.

જેનું અનાવરણ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ટેકનીકલ એજ્યુકેશન ડાયરેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘ અને આ સ્ટાર્ટઅપને નાણાંકિય સહાય પુરી પાડતાં ગણપત યુનિવર્સિટીના પેટ્રોન શ્રી ગણપતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮માં યોજાયેલ સુરત સ્ટાર્ટઅપ સમિટ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં બેસ્ટ સ્ટાર્ટઅપ એવાર્ડ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. કછુઆ ટીમ દ્વારા વિજ્ઞાન વિષયના પ્રકરણો અને પ્રયોગો એન.સી.આર.ટી.ના અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે. તેમના પાઈલોટ પ્રોજેક્ટ ઉપરાંત કર્ણાટક રાજ્યના હુબલી ખાતે આવેલી શાળાએ પણ ‘ફોટોન વી.આર.’ દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કરી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સબળ અને નિર્ણાયક નેતૃત્વ હેઠળ વિકાસ સાધી રહેલા રાજ્યનો યુવા જોબ સિકરના સ્થાને જોબ ગીવર બન્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ પણ આ સ્ટાર્ટઅપે પુરૂં પાડ્યું છે. મોટા શહેર કે અન્ય રાજ્યમાં કંપની શરૂ કરવાના બદલે પાટણ જેવા નાના શહેરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી આઈ.ટી. એન્જીનીયરથી લઈ ધોરણ ૧૦ પાસ યુવાનો માટે રોજગારીનું માધ્યમ બનેલી આ આઈ.ટી. કંપનીમાં ૪૦ જેટલા યુવક-યુવતીઓ નોકરી કરે છે.

નવી શિક્ષણ પદ્ધતિ વિકસાવવા સાથે યુવાનોને રોજગારી પૂરી પાડનારા નાનકડા શહેરના શિક્ષિત યુવાનોએ નવા વિચારો, સંશોધન, યોગ્ય દિશામાં મહેનત અને રાજ્ય સરકારની મદદથી શરૂ કરેલા સ્ટાર્ટઅપની સફળતા લાખો યુવાનો માટે પ્રેરણારૂપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.