ક્રિકેટ સટ્ટામાં રૂપિયા હારી જતાં વહેપારીને વ્યાજખોરોની ધમકી
સટ્ટો લેનારે જ વહેપારીને વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી શરૂ કરતા જ વહેપારી મુશ્કેલીમાં- પરિવારના સભ્યોની હત્યાની ધમકીથી ગભરાયેલા વહેપારીએ પોલીસની મદદ માંગી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ પર સટ્ટો રમાડતા બુકીઓ પર પોલીસતંત્રની બાજ નજર છે પરંતુ હવે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાતો હોવાથી પોલીસતંત્ર વામણુ પુરવાર થઈ રહયું છે અને અનેક નાગરિકો આ સટ્ટાના ચુંગલમાં ફસાઈ રહયા છે આવો જ એક કિસ્સો શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળના સરદારનગર વિસ્તારમાં બન્યો છે. જેમાં કાપડનો એક વહેપારી ક્રિકેટ સટ્ટામાં રૂ.૩ લાખ હારી ગયા બાદ બુકીએ જ આ રૂપિયા ભરપાઈ કરવા ત્રણ લાખ રૂપિયા વ્યાજે આપી તેની પઠાણી ઉઘરાણી શરૂ કર્યાં બાદ તેની મિલકતો પચાવી પાડવા ઉપરાંત સમગ્ર પરિવારની હત્યાની ધમકી આપતા ગભરાયેલા આ વહેપારીએ પોલીસની મદદ માંગતા એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે હાલમાં વિશ્વભરના દેશોમાં ક્રિકેટ ટુર્નામેન્ટો રમાઈ રહી છે જેના પરિણામે સટ્ટોડિયાઓ પણ સક્રિય બનેલા છે બુકીઓ દ્વારા હવે પર્ટરો મારફતે ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો લેવામાં આવી રહયો છે આ ગેરકાયદેસર પ્રવૃતિ સામે સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જાકે બુકીઓ સામે પોલીસતંત્ર વામણુ પુરવાર થઈ રહયું છે.
જેના પરિણામે ગુજરાતમાં રોજ મોટી રકમનો ક્રિકેટ પર સટ્ટો રમાઈ રહયો છે. શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળના સરદારનગર વિસ્તારમાં આવેલી સીંધી કોલોનીમાં રહેતો યુવાન વહેપારી હિતેશ ઘનશ્યામલાલ સીંધી ઘીકાંટા વિસ્તારમાં તૈયાર કપડાની દુકાન ધરાવે છે. એકાદ વર્ષ પહેલા હિતેશ સીંધી મોટેરા વિસ્તારમાં રહેતા કમલ પ્રભુદાસ નંદવાણીના સંપર્કમાં આવ્યો હતો. કમલ નંદવાણી ઓનલાઈન ક્રિકેટ પર સટ્ટો રમાડતો હતો.
મિત્રતા કેળવાતા હિતેશ સીંધીએ પણ ક્રિકેટ પર સટ્ટો રમવાનું શરૂ કર્યું હતું અને પહેલી વખત જ ક્રિકેટ સટ્ટો રમતા હિતેશ સીંધી રૂ.૩ લાખ જેટલી માતબર રકમ હારી ગયો હતો આટલી મોટી રકમ તેની પાસે નહી હોવાથી કમલ નંદવાણીએ પોતે જ આ રકમ ભરપાઈ કરવા માટે હિતેશને રૂ.૩ લાખ વ્યાજે આપ્યા હતાં અને તેનુ ૧૦ ટકા કરતા પણ વધુ વ્યાજ વસુલવાનું નકકી થયું હતું.
રોજ રૂ.૩ હજાર ચુકવવાના નકકી થયા હતા અને તે મુજબ હિતેશે રૂ.ર લાખ સુધીની રકમ પરત કરી દીધી હતી. જાકે ત્યારબાદ કોઈ કારણોસર હિતેશ રૂપિયા ચુકવી શકયો ન હતો જેના પરિણામે કમલે હિતેશને ધમકીઓ આપવાનું શરૂ કયું હતું. થોડા દિવસ પહેલા રાત્રિના સમયે સરદારનગરમાં જ કમલ તેને શોધતો આવ્યો હતો અને રૂબરૂમાં મળી હિતેશને રૂપિયા ચુકવી દેવા માટે જણાવ્યું હતું.
હિતેશે તમામ રૂપિયા ચુકવી દેવાની ખાતરી આપી હતી પરંતુ કમલે તેને ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યુ હતું અવારનવાર તેને ફોન કરીને પણ પરેશાન કરતો હતો કમલે પરિવારના સભ્યોની હત્યાની ધમકી આપવા ઉપરાંત મિલકતો પણ પચાવી પાડવાની ધમકી આપતા હિતેશ ગભરાઈ ગયો હતો.
ક્રિકેટનો સટ્ટો લેનાર તથા વ્યાજનો ધંધો કરતા કમલના ત્રાસથી કંટાળી હિતેશ સીંધીએ એરપોર્ટ પોલીસની મદદ માંગી હતી એરપોર્ટ પોલીસ સ્ટેશનના અધિકારી સમક્ષ પહોંચી જઈ સમગ્ર હકીકત જણાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં. એરપોર્ટ પોલીસે આ અંગે હિતેશની ફરિયાદના આધારે કમલ નંદવાણી વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.