બિલ્ડરની ઓડી લગ્નમાં લઇ જવાનું કહી મિત્રએ વેચી દીધી

અમદાવાદ, નિકોલમાં બિલ્ડરે ઓડી કાર જૂનામાં મિત્ર પાસેથી ખરીદી હતી. બાદમાં કારના કાગળો અંગે મિત્રે થોડા દિવસમાં આપી દઇશ તેમ જણાવ્યું હતું. જે બાદ મિત્ર ઓડી કાર લગ્નમાં જરૂર હોવાથી લઇ ગયો અને પરત આપતો ન હતો.
બિલ્ડરે તપાસ કરતા તેણે કાર બારોબાર અન્ય વ્યક્તિને વેચી નાખી હતી. બિલ્ડરે બે ગઠિયા સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નિકોલમાં રહેતા પ્રદીપસિંહ જેતાવત કન્ટ્રક્શનનો ધંધો કરે છે.
ત્રણ વર્ષ પહેલા તે પેથાપુર ચોકડી ખાતે સંબંધી રાજવીરસિંહને મળવા ગયા હતા અને તેમને શુભમ પ્રજાપતિ સાથે મુલાકાત કરાવી હતી. તે સમયે શુભમે પોતે ગાડી લે-વેચનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં શુભમ સાથે મિત્રતા થઇ હતી. પ્રદીપસિંહને કાર લેવાની હોવાથી શુભમને વાત કરતા ગત ૧૦ જુલાઇએ ૨૦૨૪માં શુભમ ઓડી કાર લઇને બતાવવા આવ્યો હતો.
જેમાં તેણે કહ્યું કે એક વર્ષ પહેલાં કલોલના સોલંકી સરફરાજ પાસેથી રૂ. ૧૦.૫૦ લાખમાં ખરીદી છે અને તેના હજુ બે લાખ આપવાના બાકી છે. જેથી ગાડીના કાગળો સરફરાજ પાસે છે અને લોન પણ ચાલુ છે. તમારે લેવી હોય તો રૂપિયા આપો તો ૧૦થી ૧૫ દિવસમાં ક્લીયર કરાવી દઇશ. જેથી પ્રદીપસિંહે રૂ. ૭ લાખમાં ઓડી કાર ખરીદી હતી.
બાદમાં શુભમને કારના કાગળો અને એન.ઓ.સી. માટે ફોન કરતા આપી દઇશ તેમ કહ્યું હતું. ૧૪ ઓક્ટોબર ૨૦૨૪એ શુભમે બે દિવસ લગ્નમાં કાર લઇ જવાનું કહી કાર લઇ ગયો હતો અને પરત આપતો ન હતો. પ્રદીપસિંહે તપાસ કરતા શુભમે સરફરાજને અને તેને સુરેશ ઠાકોરને ગાડી વેચી નાખી હતી. આ અંગે પ્રદીપસિંહે શુભમ અને સરફરાજ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.SS1MS