સમોસા – ચોળાફળીના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો

અમદાવાદ, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી રામદેવ ચોળાફળી નામની એક દુકાન ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે, દુકાનમાંથી ખરીદવામાં આવેલા સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ ઘટના ૪ સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે એક મહિલા વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સ સામે, અક્ષર ડેરી નજીક આવેલી આ દુકાનેથી સમોસા લઈ ઘરે ગઈ હતી. જ્યારે તેમણે સમોસા સાથે આપેલી ચટણી ખોલીને જોઈ, ત્યારે તેમાં તેમને એક ગરોળી દેખાઈ. આ જોઈને તે ચોંકી ઉઠ્યા અને તરત જ આ ઘટનાનો વીડિયો બનાવ્યો, જે હવે ઇન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.
મહિલાએ તાત્કાલિક દુકાનદારને આ બાબતની જાણ કરી હતી, પરંતુ દુકાનદારે આ વાત સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. દુકાનદારના આ વર્તનથી નારાજ થઈને, ભોગ બનનાર મહિલાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
જોકે, દુકાનના એક સભ્યએ ફરિયાદ મળી હોવાની વાત સ્વીકારી છે, પરંતુ સાથે એવો દાવો પણ કર્યો છે કે તેમની દુકાનમાં આવી કોઈ ઘટના બની શકે નહીં. આ ઘટનાએ ફરી એકવાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એએમસીના ફૂડ વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરશે.