અમદાવાદના 51 બ્રાહ્મણો અને 450 પદયાત્રી સાથે લાલદંડા સંઘે માં અંબાના દર્શન કર્યા

(પ્રતિનિધિ) અંબાજી, લાલ દંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પોહચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ ડંડા સંઘ.
અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા ૧૯૧ વર્ષથી લાલ ડંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે.
ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જુના સંઘોમાં એક છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘ માં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે.
આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેને આવકારવામાં પણ આવે છે. લાલ દંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. પાંચસોથી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પુનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે.
સંઘના આગેવાન કૌશિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે લાલ દંડા સંઘે આજે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવી એ અમારા આ સંઘનું ઉદ્દેશ છે. ૫૧ બ્રાહ્મણો તેમજ ૪૫૦ જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રા આજે મા અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે.
અમારા સંઘમાં ૫૦ થી ૮૫ વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે જેમને માં એ શક્તિ આપી છે. અમારા સંઘમાં મોટાભાગના પદયાત્રીઓ ૫૦ વર્ષ કરતાં વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.