Western Times News

Gujarati News

વરસતા વરસાદમાં પણ ૧૫૦૦ વર્ષની પરંપરા યથાવત જોવા મળી: ઈદે મિલાદનું ઐતિહાસિક જુલુસ નીકળ્યું

 કોમી એખલાસ અને સદ્દભાવનાનો સંદેશ

(પ્રતિનિધિ)ભરૂચ, પયગંબર હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ના જન્મદિવસ જશ્ને ઇદે મિલાદુન્નબીની આજે ભરૂચ શહેરમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના બાયપાસથી મહમદપુરા સુધી એક ભવ્ય ઝુલૂસ કાઢવામાં આવ્યું હતું.

આ ઝુલૂસમાં ભરૂચ અને આસપાસના વિસ્તારો માંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા, જેમનો ઉત્સાહ વરસાદી માહોલ પણ ઓછો કરી શક્યો ન હોતો.વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદ છતાં શ્રદ્ધાળુઓએ ઝુલૂસમાં જોડાવાનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો.લોકો છત્રી અને રેઇનકોટ પહેરીને પણ પૂરી આસ્થા સાથે આગળ વધી રહ્યા હતા.સૌના ચહેરા પર ધાર્મિક શ્રદ્ધા અને આનંદ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો.

ઝુલૂસ દરમિયાન, સૌએ નાત શરીફનું પઠન કર્યું અને ધાર્મિક નારા લગાવ્યા હતા.જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.વરસતા વરસાદમાં પણ પોલીસ જવાનો પોતાની ફરજ પર અડગ રહીને સેવાઓ આપતા નજરે પડ્‌યા હતા.

જેમની કર્તવ્યનિષ્ઠાને સૌએ બિરદાવી હતી.વરસાદી વિઘ્‌નો છતાં ઈદે મિલાદની આ ઉજવણીએ ભાઈચારા અને કોમી એખલાસનો ઉત્તમ દાખલો પૂરો પાડ્‌યો છે.આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનોએ શાંતિ અને સદ્ભાવનાનો સંદેશ આપ્યો હતો.આ ઉજવણીએ ફરી એકવાર સાબિત કરી દીધું કે સાચી શ્રદ્ધા અને આસ્થા સામે કોઈપણ અવરોધ ટકી શકતો નથી.

ભરૂચ શહેરના નસરુદ્દીન પુરા વિસ્તારમાં આ પર્વ નિમિત્તે એક ઐતિહાસિક અને ભવ્ય જુલુસનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.જુલુસ મસ્જિદ ટ્રસ્ટના ઘર પાસેથી શરૂ થઈને ભરૂચના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સ્ટેશન સર્કલ ખાતે સમાપ્ત થયું હતું. આકાશમાંથી વરસી રહેલા વરસાદની પણ શ્રદ્ધાળુઓના ઉત્સાહ પર કોઈ અસર થઈ ન હોતી.નાના બાળકોથી માંડીને યુવાનો અને વડીલો સુધી સૌએ એકસાથે આ જુલુસમાં ભાગ લીધો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.