માતરના ભલાડા ગામમાં ખેડૂતના ઘરમાંથી ૧.૪૮ લાખની મતા ચોરાઈ

નડિયાદ, માતરના ભલાડા ગામમાં બાલીંટા રોડ પર આવેલા લાખાપુરામાં ખેડૂતના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. રાતે તિજોરીના લોકર તોડીને રોકડા રૂ. ૭૦ હજાર, સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૧,૪૮,૦૦૦ની મતા ચોરી તસ્કરો પલાયન થઈ જતા ગામમાં ફફડાટ ફેલાયો છે.
માતરના ભલાડા ગામમાં બાલીંટા રોડ પર આવેલા લાખાપુરામાં રહેતા ખેડૂત મનુભાઈ પુનમભાઈ હોથાભાઈ પરમાર (ઉં.વ.-૩૮) પત્ની રમીલાબેન અને દીકરા પ્રકાશ સાથે ગઈકાલે રાત્રે ઘરની ઓસરીમાં સૂઈ ગયા હતા.
જ્યારે તેમનો બીજો દીકરો અને પરિવારજનો મકાનના ઉપરના માળે સૂતા હતા. દરમિયાન રાતે અજાણ્યા તસ્કરો મનુભાઈ પરમારના મકાનમાં ઘૂસી ગયા હતા. તસ્કરોએ ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને મકાનમાં રહેલી ત્રણ તિજોરીના લોકર તોડી નાખ્યા હતા.
તિજોરીમાં રહેલી રોકડા રૂ. ૭૦,૦૦૦ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ. ૧,૪૮,૦૦૦ની મતાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. ખેડૂત મનુભાઈ પરમારના પત્ની રમીલાબેન આજે સવારે જાગ્યા ત્યારે તેમણે મકાનનો દરવાજો ખૂલ્લો જોતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.
આ ઘટનાના પગલે લીંબાસી પોલીસ સ્થળ પર દોડી આવી હતી. લીંબાસી પોલીસે આ અંગે ઘરફોડ ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.SS1MS