‘પ્રેરણા સંવાદ’ : શિક્ષકોએ મુક્ત મને મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો શેર કર્યા

‘શિક્ષક દિવસે’ સારસ્વત સાથે ‘પ્રેરણા સંવાદ’ના નવતર અભિગમનો ગાંધીનગરથી પ્રારંભ
Ø ગુજરાતમાં શિક્ષકોના સમર્પણથી શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો – મુખ્યમંત્રી
Gandhinagar, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની ખેરોજ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી રાજેશ્રીબેન પ્રહલાદભાઈ પટેલ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી નીતિનકુમાર મહેન્દ્રભાઈ પાઠક અને પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની પે-સેન્ટર કુમારશાળાના મદદનીશ શિક્ષક શ્રી લીલુબેન ભરતભાઈ ગોઢાણીયાને સન્માનિત કરી તેઓ સાથે પ્રેરણા સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ‘શિક્ષક દિવસ’ નિમિત્તે શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ સાયુજ્ય સાધીને બાળકોને અદ્યતન ટેકનોલોજી સાથેનું સમયને અનૂકૂળ શિક્ષણ આપી શકાય એ માટે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગવું યોગદાન-વિશિષ્ટ કાર્ય કરનાર વિવિધ 19 જિલ્લાના અંતરિયાળ વિસ્તારના 37 શિક્ષકો-સારસ્વતોને તેમના નિવાસસ્થાને આમંત્રીને પ્રથમવાર ‘પ્રેરણા સંવાદ’ યોજ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ‘શિક્ષક દિવસ’ની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકની મહત્ત્વની ભૂમિકા રહેલી છે અને શિક્ષકોએ બાળકોને માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતા સિમિત ન રાખતા સાથોસાથ વ્યવહારુ જ્ઞાન પણ પીરસવું જોઈએ. તેમણે રાજ્યની સરકારી શાળાઓમાં ‘સ્માર્ટ’ શિક્ષણ સુવિધાઓ સાથે ગુણવત્તાસભર શિક્ષણ ઉપરાંત શિક્ષકોની સતત-સખત મહેનતના પરિણામે આજે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ મળે તેને પ્રાથમિકતા આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી સાથેના સંવાદ દરમિયાન શિક્ષકોએ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતી વિવિધ યોજનાઓથી શિક્ષણમાં થતા ફાયદાઓનો તેમના પ્રતિભાવોમાં ખાસ ઉલ્લેખ કર્યો હતો.
૧ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની ખેરોજ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી રાજેશ્રીબેન પ્રહલાદભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા કહ્યું કે, તેઓની શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત ક્રાફ્ટ ક્ષેત્રે સિલાઈ અને એમ્બ્રોડરી કામ શીખવવામાં આવી રહ્યું છે. આ કળા શીખેલા વિદ્યાર્થીઓ શાળાના અન્ય વિદ્યાર્થીઓના ગણવેશ સીવી ‘લોકલ ફોર વોકલ’ ના મંત્રને સાકાર કરી રહ્યા છે.
૨ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી નીતિનકુમાર મહેન્દ્રભાઈ પાઠકે પોતાના અભિપ્રાયો આપતાં કહ્યું કે, અમારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે ઇત્તર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી રહી છે. શાળામાં વર્ષ ૨૦૧૮થી એક અનોખો સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો છે જ્યાંથી શાળાની ન્યુઝ ચેનલના કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. શાળાના આધુનિકરણ માટે સરકારની સાથે સમાજે પણ જવાદારીમાં સહભાગીતા બતાવી છે.
શાળામાં વિશેષ ફંડ ઉભું થાય તે માટે એસએમસી સભ્યો અને શિક્ષકો દ્વારા દર મહિને સ્વેચ્છાએ રૂ.૧૦૦- ૧૦૦ આપવામાં આવે છે.જેના પરિણામે છેલ્લા ૧૦ વર્ષમાં શાળા પાસે રૂ.૧.૨૭ કરોડથી વધુનું ભંડોળ એકત્રિત થયું છે. જેમાંથી કુલ ૪૫ કોમ્પ્યુટરની આધુનિક લેબની સાથે આ વર્ષે સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને AI અને રોબોટિક લેબ પણ શરૂ કરી છે
૩ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની પે-સેન્ટર કુમારશાળાના મદદનીશ શિક્ષક શ્રી લીલુબેન ભરતભાઈ ગોઢાણીયાએ શિક્ષણને રસસભર કેવી રીતે બનાવી શકાય તે જણાવતા કહ્યું કે, વિદ્યાર્થીઓનું વાંચન, લેખન અને ગણન સુધરે તે હેતુથી ૨૦૦થી વધુ શૈક્ષણિક રમકડાઓ TLMનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. આ રમકડાઓથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની સાદી, સરળ સમજ મળી રહી છે સાથેસાથે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી પણ વધી છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે.
૪. શ્રી દિપીકાબેન બાબુભાઈ પટેલ
આ સંવાદમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની પે સેન્ટર કોઠ કુમાર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી દિપીકાબેન બાબુભાઈ પટેલે ભાગ લીધો હતો. તેઓ છેલ્લા ૨૨ વર્ષથી આ જ શાળામાં નિસ્વાર્થ ભાવે બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહ્યાં છે. તેમણે બાળકોની નિયમિતતા વધારવા માટે હાજરી ચાર્ટ અને વાલી સંપર્ક જેવી પ્રવૃત્તિઓ અપનાવી છે, જેના પરિણામે ખાનગી શાળાઓમાં જતા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં જ ભણવા માટે સફળતા મળી છે.
તેમના પ્રયાસોથી શાળામાં ૩૫૦થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેનાથી શાળા હરિયાળી બની છે. બાળકોને શાળામાં રમવું અને ભણવું ગમે તે માટે તેઓ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ પર ભાર મૂકે છે. તેમના સેવાકાર્યથી બાળકો, વાલીઓ અને ગ્રામજનો તરફથી તેમને ખૂબ સહકાર અને સન્માન મળ્યું છે.
૫ શ્રી વિજયભાઈ અશોકભાઈ ગોંડલિયા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ઝીંઝકા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી વિજયભાઈ અશોકભાઈ ગોંડલિયાએ ભાગ લીધો હતો. તેઓ હંમેશા ઉત્સાહી અને ઈનોવેટિવ શિક્ષક તરીકેની ઓળખ ધરાવે છે અને બાળકોને કેવી રીતે શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.
શ્રી ગોંડલિયાએ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક તેમજ સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે બાળકોમાં કૌશલ્યો, મૂલ્યો અને સકારાત્મક વલણો વિકસાવવા માટે અનેક કાર્યો કર્યા છે. બાળકોના નામાંકન, હાજરી અને પરિણામોમાં તેમણે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે.
૬ શ્રી રમેશભાઈ કલજીભાઇ મારીવાડ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની લાલપુર (ભેમાપુર) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી રમેશભાઈ કલજીભાઇ મારીવાડ પણ જોડાયા હતા. તેઓ એક લોકપ્રિય, સરળ અને નિખાલસ કર્મનિષ્ઠ શિક્ષક તરીકેની છાપ ધરાવે છે.
તેઓશ્રી બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા બાળકોને પ્રોત્સાહિત કરે છે. વર્ગ શિક્ષણને આનંદદાયક, પ્રવૃત્તિમય અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે તેઓ TLM (Teaching Learning Material)નો મહત્તમ ઉપયોગ કરે છે. તેઓશ્રી કન્યા કેળવણી, સાક્ષરતા અભિયાન, પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા સરકારી કાર્યક્રમોના હેતુઓ સિદ્ધ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. વાલી સંપર્ક દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવીને તેઓ ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવામાં સફળ રહ્યા છે.
૭ શ્રીમતી રીટાબેન મૂળજીભાઇ પટેલ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની ઉમેદપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રીમતી રીટાબેન મૂળજીભાઇ પટેલે ભાગ લીધો હતો. તેમણે શાળામાં વિદ્યાર્થીઓની ૧૦૦% હાજરી સુનિશ્ચિત કરી છે અને આચાર્ય તેમજ વર્ગ શિક્ષક તરીકે પ્રશંસનીય કામગીરી કરી છે.
તેમના પ્રયાસોથી શાળા વ્યસનમુક્ત, પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ બની છે. તેમણે શાળામાં વિવિધ તહેવારો અને વિશેષ દિવસોની ઉજવણી કરી છે, તેમજ ફૂલછોડ ગાર્ડન, ષધ બાગ અને કિચન ગાર્ડનનું નિર્માણ કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ, શાળાએ ૨૦૨૪-૨૫ના ગુણોત્સવમાં ૮૨.૨૦% સાથે A** ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શિક્ષણની સાથે સાથે, તેઓ વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવે છે અને શિષ્યવૃત્તિ તેમજ CET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે.
૮ શ્રી અરવિંદભાઈ ડી. ગવળી
ડાંગ જિલ્લાના આહવા તાલુકાની પ્રાથમિક શાળા ઘુબીટાના મદદનીશ શિક્ષક શ્રી અરવિંદભાઈ ડી. ગવળીએ ભાગ લીધો હતો. તેઓશ્રી એક કર્મનિષ્ઠ શિક્ષક છે જેઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે. તેઓ વર્ગ શિક્ષણને આનંદદાયી, પ્રવૃત્તિમય અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે ટી.એલ.એમ. (ટીચિંગ લર્નિંગ મટીરીયલ) નો મહત્તમ ઉપયોગ કરે છે. શૈક્ષણિક કાર્ય ઉપરાંત, તેમણે સામાજિક ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
તેઓ કન્યા કેળવણી, સાક્ષરતા અભિયાન, વ્યસનમુક્તિ અને વાલી સંપર્ક જેવા સરકારી કાર્યક્રમો દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવીને સર્વ શિક્ષા અભિયાનના હેતુઓને સિદ્ધ કરવા પ્રયત્નશીલ છે. તેમનો ઉત્કૃષ્ટ વ્યવહાર બાળકો, વાલીઓ અને શિક્ષકો સાથેના સંબંધોમાં જોવા મળે છે, જે તેમને સમાજમાં લોકપ્રિય બનાવે છે.
૯ શ્રી ધારાબેન એમ. પટેલ
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની માંગુ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રીમતી ધારાબેન એમ. પટેલે ભાગ લીધો હતો. તેઓ પર્યાવરણ અને શિક્ષણના સુભગ સમન્વય માટે જાણીતા છે. તેમણે શાળામાં ECCO ક્લબની સ્થાપના કરી ઔષધીય વનસ્પતિ અને કિચન ગાર્ડનનો ઉછેર કર્યો છે, જેનો ઉપયોગ બાળકોના શિક્ષણ માટે પણ થાય છે. તેમના પ્રયાસોથી શાળાએ છેલ્લા ત્રણ વર્ષથી ગુણોત્સવ પરિણામમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને ગયા વર્ષે ૯૨.૧% સાથે A ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો.
તેઓ શિક્ષણના વિવિધ ઓનલાઈન પોર્ટલ જેમ કે UDISE Plus અને SSA પોર્ટલ પર માહિતી નિયમિત રીતે અપડેટ કરે છે. બાળકોની નિયમિતતા અને ૧૦૦% હાજરી જાળવી રાખવામાં પણ તેઓ સફળ રહ્યા છે. આ ઉપરાંત, તેમણે ‘એક પેડ મા કે નામ’ જેવા પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમો અને ખેલ મહાકુંભ, બાળમેળા અને આનંદદાયી શનિવાર જેવી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
૧૦ શ્રીમતી ઉર્મિલાબેન લખામાંજી ડોડીયાર
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની ચિઠોડા-1 પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રીમતી ઉર્મિલાબેન લખામાંજી ડોડીયારે ભાગ લીધો હતો. તેઓ શાળાની ભૌતિક સુવિધાઓ વધારવા માટે SMC સમિતિ સાથે મળીને સક્રિય પ્રયાસો કર્યા છે. તેઓ બાળકોના જ્ઞાનમાં વધારો કરવા માટે બાળમેળા અને વિજ્ઞાન મેળા જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે.
બાળકોનો રસ જળવાઈ રહે તે માટે તેઓ હિન્દી ભાષા કોર્નર અને TLM (Teaching Learning Material) નો ઉપયોગ કરીને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપે છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત, તેમણે સામાજિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શાળા સ્વચ્છતા, પ્રાર્થના કાર્યક્રમ, વૃક્ષારોપણ, ઇકો ક્લબ અને વિવિધ રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની ઉજવણી દ્વારા તેઓ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરે છે. તેમના પ્રયાસોથી શાળાએ તાલુકાની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન મેળવ્યું છે અને સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના કેળવવામાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે.
૧૧ શ્રીમતી નીતાબેન ભરતભાઈ વસાવા
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની પ્રાથમિક શાળા વૈજાલીના મુખ્ય શિક્ષક શ્રીમતી નીતાબેન ભરતભાઈ વસાવાએ ભાગ લીધો હતો. તેઓના નેતૃત્વ હેઠળ, શાળાએ વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૫ સુધી સતત A+ ગ્રેડ મેળવીને ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન જાળવી રાખ્યું છે, અને ૨૦૨૫માં ૮૯% સાથે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમના માર્ગદર્શન હેઠળ, શાળાના વિદ્યાર્થીઓએ અભ્યાસ ઉપરાંત સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે.
તેમના પ્રયાસોથી બાળ વાર્તા સ્પર્ધામાં બે વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ભાગ લઈ શક્યા છે. ખેલ મહાકુંભમાં પણ વિદ્યાર્થીઓએ ચેસ અને લાંબી કૂદ જેવી રમતોમાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત, CET પરીક્ષામાં ૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને બે કન્યાઓનું જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં પણ સિલેક્શન થયું છે. શ્રીમતી વસાવાના નેતૃત્વમાં શાળાની S.M.C. સમિતિ પણ ખૂબ જ સારી કામગીરી કરી રહી છે.
૧૨ શ્રી બિપીનકુમાર ધીરૂભાઈ વસાવા
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સરકારી પ્રાથમિક શાળા ધુપીના મુખ્ય શિક્ષક શ્રી બિપીનકુમાર ધીરૂભાઈ વસાવાએ ભાગ લીધો હતો. તેઓશ્રી ‘Look Positive, Think Positive’ ના ધ્યેય સાથે શૈક્ષણિક કાર્ય કરાવે છે અને બાળકોના સર્વાંગી વિકાસમાં ઊંડો રસ ધરાવે છે. તેઓશ્રી પ્રવૃત્તિસભર અને મૂલ્યલક્ષી શિક્ષણના હિમાયતી છે.
શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત, તેઓ ચિત્ર નિર્માણ, બાળગીત, વક્તૃત્વ સ્પર્ધા, વૃક્ષારોપણ, અને ઔષધબાગ જેવી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણ આપે છે. તેમણે બાળકોમાં વાંચન-લેખન અને ગણનની કચાસ દૂર કરવા માટે ઉપચારાત્મક કાર્ય પર ભાર મૂક્યો છે. રિસેસના સમયમાં પણ તેઓ બાળકોને વાંચન કરાવે છે. તેઓ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ શૈક્ષણિક સાધનો બનાવવાની કલામાં નિપુણ છે, જેનો ઉપયોગ કરીને બાળકોને સરળતાથી ભણાવે છે.
૧૩ શ્રી વિજયકુમાર શીવાભાઈ ચૌધરી
કચ્છ જિલ્લાના રાપર તાલુકાની માલીસરાવાંઢ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી વિજયકુમાર શીવાભાઈ ચૌધરીએ ભાગ લીધો હતો. તેઓશ્રીએ ટેકનોલોજીયુક્ત શિક્ષણ પર ભાર મૂક્યો છે. તેમણે શાળાનો ડેટા એકીકૃત કરીને બ્લોગ અને કોમ્પ્યુટર લેબનું નિર્માણ કર્યું છે. અંતરિયાળ વિસ્તારના બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ આપવાનું તેમનું કાર્ય પ્રશંસનીય છે. તેમના ઇનોવેશનને ઓરોબિંદો સોસાયટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ સન્માન મળ્યું છે.
તેઓ જિલ્લાના ઇનોવેશન સેલમાં KRP (Key Resource Person) તરીકે અને વિવિધ વિષયોમાં RP (Resource Person) તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમના પ્રયાસોથી શાળાએ સતત ત્રણ વર્ષ સુધી INSPIRE AWARD મેળવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને સાંદીપનિ વિદ્યાગુરુ એવોર્ડ, તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ જેવા સન્માનો મળ્યા છે.