મહિલાઓને કાર્યસ્થળ પર જાતીય સતામણી વિરુદ્ધ કાનૂની માર્ગદર્શન અપાયું

સોરાઈનગરમાં સ્થાનિક મહિલાઓને કાયદાકીય અધિકારો અને સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરાઈ
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા મહિલા સશક્તિકરણને વેગ આપવા સંકલ્પ- ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન યોજના હેઠળ સોરાઈનગર ખાતે એક ખાસ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સ્થાનિક કામકાજી મહિલાઓને કાર્યસ્થળ પર થતી જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, 2013 વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને તેમના કાનૂની અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો હતો. ટીમે મહિલાઓને કાર્યસ્થળ પર સુરક્ષાના અધિકારો, સતામણી અટકાવવા માટેના કાનૂની ઉપાયો, ફરિયાદ કરવાની સાચી પ્રક્રિયા અને ન્યાય મેળવવા માટેની યોગ્ય પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત, સંકલ્પ ટીમના જેન્ડર સ્પેશિયલિસ્ટ શ્રી જીતેશ સોલંકી અને સ્પેશિયલિસ્ટ ઈન ફાઇનાન્સિયલ લિટરસી સુશ્રી હેમલબહેન બારોટે મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશે પણ માહિતગાર કરી હતી.
આ પહેલનો હેતુ મહિલાઓને તેમના હક અને કાયદાકીય સુરક્ષા વિશે સશક્ત બનાવવાનો હતો, જેથી તેઓ સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણમાં કામ કરી શકે.