વિદ્યાર્થીઓનાં ઉત્થાનનાં કાર્યોમાં પ્રવૃત્તિશીલ રહેવાનું પરિણામ મળ્યું આ શિક્ષકને

સુરેશભાઈ રમેશભાઈ માળીને રાજયકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત
દાહોદ જિલ્લાની દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળાનાં શિક્ષક સુરેશભાઈ રમેશભાઈ માળીએ શિક્ષણ ક્ષેત્રે કરેલી વિશિષ્ટ કાર્ય નિષ્ઠાની નોંધ લઈ રાજ્ય સરકારે ગુજરાતનાં શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક તરીકે પસંદગી કરી છે, જે દાહોદવાસીઓ માટે ગૌરવ સમાન છે.
તેઓને પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર તથા અગ્ર સચિવશ્રી મુકેશકુમારનાં વરદ હસ્તે વર્ષ ૨૦૨૫ માટે રાજ્યનાં શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક તરીકેનાં એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતાં. આ પ્રસંગે તેઓને શાલ ઓઢાડીને પ્રમાણપત્ર તથા ૫૧ હજાર રૂપિયાની રકમનો ચેક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
૨૦૦૩ થી પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયેલ સુરેશભાઈએ પોતાની ફરજનાં ૨૨ વર્ષ દરમિયાન બાળકોની શૈક્ષણિક કારકિર્દી ઘડવા ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અને ઇનોવેશન્સ કરીને શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. જેમાં શિક્ષણમાં ભાર વગરનું ભણતર તથા નવા અભિગમ શિક્ષણમાં નવાચાર સાથે શિક્ષકોને શાળામાં કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓનાં નિવારણ માટે ક્રિયાત્મક સંશોધન કર્યું.
રાજ્યમાં અંગ્રેજી વિષયનાં વિષય શિક્ષક તરીકે પસંદગી પામીને હસતાં રમતાં કેવી રીતે અંગ્રેજી શીખી શકાય તે દિશામાં શ્રેષ્ઠ કામગીરીની સમગ્ર રાજ્યમાં નોંધ લેવામાં આવી હતી. સંગીતમાં પણ એમની કલાનો લાભ બાળકોને મળ્યો છે સાથે સાથે કલા મહાકુંભ, કલા ઉત્સવ વગેરે જેવાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને તૈયાર કરી તેનામાં રહેલા કૌશલ્યને ઉજાગર કરવા માર્ગદર્શકની ભૂમિકા ભજવી જિલ્લા અને રાજ્ય કક્ષાએ કલા ક્ષેત્રે બાળકોને આગળ લાવ્યા છે.
આ પારિતોષિકનો શ્રેય પોતે ન લેતાં તેમણે પુંસરી પ્રાથમિક શાળાનાં આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, શિક્ષક સંઘ,પરિવાર તથા મિત્રોને સમર્પિત કરી પોતાની નિખાલસતા, સરળતા અને મહાનતા અભિવ્યક્ત કરી હતી.