શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનારા શિક્ષકો એસ.ટી.માં આજીવન મફત મુસાફરી કરી શકશે

પ્રતિકાત્મક
ગુજરાત એસ.ટી. નિગમની તમામ પ્રકારની બસમાં રાજ્યમાં અને રાજ્ય બહાર આજીવન નિ:શૂલ્ક મુસાફરીનો લાભ આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય
રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને રાજ્ય સરકારની મહત્વપૂર્ણ ભેટ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનારા રાજ્યના શિક્ષકોને એક મહત્વપૂર્ણ ભેટ આપતો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય અનુસાર, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી)ની તમામ બસ સેવાઓમાં રાજ્યભરમાં અને રાજ્ય બહાર જ્યાં સેવાઓ જતી હોય ત્યાં સુધી આજીવન નિ:શૂલ્ક મુસાફરી કરી શકશે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતો નો તેમણે સંવેદનાપૂર્ણ અને સકારાત્મક પ્રતિસાદ આપતા આ મહત્વનો નિર્ણય કર્યો છે.
એવોર્ડી શિક્ષકોને આજીવન નિ:શૂલ્ક મુસાફરીના આ નિર્ણયનો લાભ રાજ્યના અત્યાર સુધીના 957 જેટલા રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકોને મળશે. ઉપરાંત ભવિષ્યમાં આવા શ્રેષ્ઠ શિક્ષકના રાજ્ય-રાષ્ટ્રીય એવોર્ડ મેળવનારા શિક્ષકોને પણ આ લાભ મળવાપાત્ર થશે.