ભારત ઓમાન રિફાઇનરીઝ લિ. ના સહયોગથી લીમખેડાના સરકારી ITIમાં સ્માર્ટ કલાસનું નિર્માણ
મહિલાઓના આર્થિક ઉત્થાન માટે તાલીમ સહિત સાધન સહાય આપવામાં આવી
દાહોદ, તા. ૫ : સમાજના વિકાસ માટે ખાનગી સંસ્થાઓએ પણ યોગદાન આપવું જોઇએ. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલીટીનો ખ્યાલ આ વિચારમાંથી જ આવ્યો છે. ભારત ઓમાન રિફાઇનરીઝ લિ.ની દાહોદ શાખા દ્વારા આ વિચારને યોગ્ય રીતે અમલમાં મુકવામાં આવ્યો છે અને સરકારી આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક સાધનો પુરા પાડવામાં આવ્યા છે. ઉપરાંત મહિલાઓના સ્વનિર્ભર થવા માટે પણ સહાય કરીને સામાજિક જવાબદારી નિભાવવામાં આવી છે.
ભારત ઓમાન રિફાઇનરીઝ લિ. ની સહાયથી લીમખેડાના સરકારી આઇ.ટી.આઇ.માં સ્માર્ટ કલાસ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ઇલેકટ્રીક લેબમાં ઇલેકટ્રીક મોટરો અને ફીટર લેબ માટે બેન્ચવાઇસ જેવા સાધનોની સુવિધા પુરી પાડવામાં આવી છે.
આ ઉપરાંત મહિલાઓ સ્વનિર્ભર બને એ માટે પણ કંપની દ્વારા પહેલ કરવામાં આવી છે. જે મહિલાઓ ગરીબી રેખાથી પણ નીચેનું જીવન ધોરણમાં જીવે છે તેમના આર્થિક ઉત્થાન માટે ૪૦ મહિલાઓને સીવણની તાલીમ આપવામાં આવી છે. સાથે સીવવા માટેના સંચાની પણ સહાય પુરી પાડવામાં આવી છે.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી ભગોરા, ડેપ્યુટી ડાયરેક્ટર(તાલીમ) શ્રી આર.આર. પટેલ, પ્રાન્ત અધિકારી શ્રી ડી.કે. હડીયલ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારત ઓમાન રિફાઇનરીઝ લિ. ના સિનીયર વાઇઝ પ્રેસીડેટ શ્રી વી.આર. ગુપ્તા, અને ડી.જી.એમ. શ્રી સુનીલ કામ્બલે સહિતના સ્ટાફ ગણ પણ ઉપસ્થિત રહ્યા હતા.