Western Times News

Gujarati News

અમેરિકામાં ટેક્સ ભરવા છતાં ભારતીયો ઉપર ડિપોર્ટેશનનો ખતરો

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકામાં ઇમિગ્રેશન એજન્સીઓ દ્વારા આઈઆરએસના રેકોર્ડ્‌સનો ઉપયોગ વધતા, ગેરકાયદેસર રોજગારના કેસમાં ઇમિગ્રન્ટ્‌સ માટે દેશનિકાલનું જોખમ વધી ગયું છે.

એચ-૧બી વિઝા (જે એક જ નોકરીદાતા સાથે સંકળાયેલા હોય) અથવા સ્ટુડન્ટ વિઝા પર રહીને સાઇડ હસલ દર્શાવવી એ હવે વિઝાની મુદત વધારવાનો ઇનકાર, ફરીથી પ્રવેશ પર પ્રતિબંધ, દેશનિકાલની કાર્યવાહી અને ડિપોર્ટેશનનું કારણ બની શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, જે લોકોએ ટેક્સ રિટર્નમાં વધારાની કમાણી (સાઈડ હસલ)ની માહિતી આપી છે, તેમને હવે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રામાણિકતાથી ટેક્સ ભરવા અને આવક રિપોર્ટ કરવા છતાં, તેમના વિઝાની અવધિ વધારવા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે, સાથે જ તેમને ફરીથી પ્રવેશ પર રોક અને દેશનિકાલ સુધીની કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, ઇમિગ્રેશન એટર્ની જાથ શાઓએ જણાવ્યું કે, ‘આઈઆરએસએ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સાથે ડેટા શેર કર્યો છે. હવે અમે જોઈ રહ્યા છીએ કે લોકો એ જ કાર્યો માટે ફસાઈ રહ્યા છે, જેની કમાણી તેમણે પોતે જ રિપોર્ટ કરી અને ટેક્સ ભર્યો.’ શાઓ મુજબ, ઘણીવાર આ આરોપ ત્યારે લાગે છે જ્યારે કોઈ પ્રવાસી બીજી કોઈ ભૂલમાં પકડાય છે અને તપાસમાં જૂની કમાણી સામે આવી જાય છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ પગલાથી એચ-૧બી વિઝા ધારકો સૌથી વધુ જોખમમાં છે, કારણ કે તેમની નોકરી સીધી સ્પોન્સર કંપની સાથે જોડાયેલી હોય છે. વકીલ અભિનવ ત્રિપાઠી કહે છે કે, ‘જો યુએસસીઆઈએસ ટેક્સ રેકોર્ડમાં દર્શાવેલી સાઈડ ઈનકમના આધારે નોટિસ જારી કરી રહ્યું છે, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

આ વિઝા સ્ટેટસના ઉલ્લંઘનનો મામલો બની શકે છે અને દેશનિકાલ સુધી લઈ જઈ શકે છે.’ જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે વ્યાજ કે મૂડી લાભ જેવી આવક પર સમસ્યા થતી નથી, પરંતુ ફ્રીલાન્સ પ્રોજેક્ટ્‌સ કે ઓનલાઈન સાઈડ જોબ્સ ગંભીર જોખમ વધારે છે. તેમનું કહેવું છે કે ચિંતાનો વિષય એ છે કે અધિકારીઓ હવે ટેક્સ રેકોર્ડ્‌સની ઊંડાણપૂર્વક તપાસ કરીને નિÂષ્ક્રય અને સક્રિય આવકનું અર્થઘટન પોતાની રીતે કરવા લાગશે, જેનાથી પ્રવાસીઓ માટે પરિસ્થિતિ વધુ ગૂંચવણભરી બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.