Western Times News

Gujarati News

બે IAS અધિકારીઓના વર્ચસ્વની લડાઈનો ભોગ બની રહેલ મ્યુનિ. અધિકારીઓ

AI Image

નવ નિયુકત કમિશનરે સાબરમતી પ્રદુષણ મામલે હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરી હોય તેમ લાગી રહયું નથી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ છેલ્લા કેટલાક સમયથી ભારે તણાવ અને કોઈ ગુનો કર્યો હોય તેવા ભાવથી કામ કરી રહયા છે. મોટાભાગના અધિકારીઓની બોડી લેંગ્વેજ પણ નેગેટિવ થઈ ગઈ છે

જેના માટે એમ કહેવાય છે કે મ્યુનિ. કમિશનર એમ બંછાનિધીપાની તરફથી અવારનવાર તેમજ વ્યાજબી કારણ વિના થતા મોખિક ફાયરીંગ જવાબદાર છે. જયારે મ્યુનિ. ભવનમાં થતી કાનાકૂસીને સાચી માનીએ તો બે આઈએસ અધિકારીઓના અહમનો ભોગ મ્યુનિ. અધિકારીઓ બની રહયા છે.

અમદાવાદ મ્યુનિ. કમિશનર તરીકે એમ થેન્નારસનની બદલી થયા બાદ IAS બંછાનિધી પાનીની નિયુક્તિ થઈ છે. આ બંને કમિશનરોની કાર્યપધ્ધતિ વચ્ચે આસમાન જમીનનો ફરક જોવા મળે છે. એમ થેન્નારસનની બદલી થયા બાદ તેમની નિમણુંક શહેરી વિકાસ ખાતામાં થઈ છે

જયાં તેઓ અમદાવાદ મહાનગરના વિકાસ કામો પર બાજ નજર રાખી રહયા છે જેનું મુખ્ય કારણ એ છે કે કમિશનર તરીકે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક મહત્વના પ્રોજેકટ શરૂ કર્યાં હતાં તેમજ શહેરીજનોના લાભાર્થે નવી પોલિસી બનાવી તેનો અમલ પણ શરૂ કર્યો હતો. તેમની બદલી થયા બાદ આ કામોની ગતિ ધીમી પડી છે.

સાબરમતી પ્રદુષણ મામલે એમ થેન્નારસન રોજ સાંજે એક કલાક મીટીંગ કરતા હતાં અને અધિકારીઓને તે મામલે સુચના આપતા હતાં જેના કારણે આ મામલે હાઈકોર્ટનું વલણ પણ થોડુ નરમ પડ્યું હતું પરંતુ તેમની બદલી થયા બાદ નવ નિયુકત કમિશનરે સાબરમતી પ્રદુષણ મામલે હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરી હોય તેમ લાગી રહયું નથી તેમજ આ મામલે જાહેરમાં પણ કોઈ જ સત્તાવાર નિવેદન કર્યાં નથી તેથી પૂર્વ કમિશનર અને વર્તમાન શહેરી વિકાસ સચિવ એમ થેન્નારસનની મહેનત પર પાણી ફરી રહયું હોય તેમ લાગે છે.

પૂર્વ કમિશનર એમ થેન્નારસન તેમણે કરેલા કાર્યો પ્રત્યે ખૂબ જ સજાગ છે વર્તમાન કમિશનરની નિષ્ક્રિયતા કે નિષ્ફળતાના કારણે તેઓ રોષે ભરાયા હોય તેમ લાગે છે જેના કારણે શહેરી વિકાસ સચિવ તરીકે તેઓ રોજ ફોન કરીને કમિશનર એમ બંછાનિધી પાસેથી રિપોર્ટ માંગી રહયા છે તેમજ વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ તમામ માહિતી મેળવી રહયા છે

તેમના કાર્યકાળ દરમિયાનના પ્રોજેકટો અને વિકાસકાર્યોની મંદગતિના કારણે તેઓ અકળાયેલા રહે છે અને બંધ બારણે કમિશનર પર ગુસ્સો ઠાલવી રહયા છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. શહેરી વિકાસ સચિવ એમ થેન્નારસન દ્વારા થતા સતત મોનીટરીંગના કારણે મ્યુનિ. કમિશનર એમ બંછાનિધીપાની પણ અકળાયેલા રહે છે અને તેનો ભોગ મ્યુનિ. અધિકારીઓ બની રહયા છે.

મ્યુનિ. અધિકારીઓ પૂર્વ કમિશનરના કાર્યકાળ દરમિયાન જે પધ્ધતિથી કામ કરતા હતા એ જ પધ્ધતિથી હાલ પણ કામ કરી રહયા છે પરંતુ બંને આઈએઅસ અધિકારીઓની કામ કરવાની ક્ષમતા અને અધિકારીઓ પાસેથી કામ લેવાની આવડતમાં મોટો તફાવત જોવા મળે છે જેના કારણે જ મ્યુનિ. અધિકારીઓ ૬- ૮ મહિના અગાઉ જે કાર્યક્ષમતાથી અને સ્વચ્છ માનસિક વાતાવરણમાં કામ કરતા હતા તેમાં નિસંદેહ ઘટાડો થયો છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.