પૂર્વ કચ્છમાં 56 વીજપોલને વરસાદને કારણે નુકસાન: જ્યારે 134 ફીડરો અસરગ્રસ્ત

પ્રતિકાત્મક
કચ્છમાં ભારે વરસાદને કારણે મેવાસાનો ડેમ તૂટ્યો
ભુજ, ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. કચ્છમાં ભારે વરસાદને કારણે મેવાસાનો ડેમ તૂટ્યો છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી વહેતુ થયું છે. જેના કારણે ગાગોદર નદીની આસપાસ રહેતા લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે. ડેમમાંથી વહેતા પાણીનો પ્રવાહ ખૂબજ ભયાનક હોવાથી લોકોને સ્થળ છોડી દેવા સૂચના અપાઈ છે.
કચ્છના રાપરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી 20 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. માનગઢ ગામના શેલ્ટર હોમમાં લોકોનું સ્થળાંતર કરાયું છે. વરસાદને કારણે ચિત્રોડ, રાપર અને બાલાસર હાઈવે બંધ કરી દેવાયો છે.
પૂર્વ કચ્છમાં 56 વીજપોલને નુકસાન પહોંચ્યું છે. જ્યારે 134 ફીડરોને અસર પહોંચી છે. 30 કરતા વધુ ગામોમાં વીજપુરવઠો પ્રભાવિત થયો છે. ભારે વરસાદને કારણે રોડ ધોવાઈ ગયાં છે. અબડાસાના બીચાથી નખત્રાણાનો રોડ બંધ થઈ ગયો છે. ભારે વરસાદના પગલે ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહન વ્હવહાર બંધ કરી દેવાયો છે.
સામખિયાળી ટોલ અને પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભુજના હમીરસર તળાવમાં નવા નીર આવતાં તળાવની આસપાસ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હમીરસર તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.