સાબરમતી નદીના પાણીથી ખેડાના કાંઠાના ગામો જળબંબાકાર

હાઈવે બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો
(પ્રતિનિધિ) નડિયાદ, ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદી કિનારે આવેલા અનેક ગામોમાં પૂરના પાણી ઘૂસી જતાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
રસીકપુરા, નાની કલોલી, અને પથાપુરા જેવા ગામોમાં તો છાતી સમા પાણી ભરાયા છે, જેના કારણે લોકોની હાલત દયનીય બની છે. પાણીના પ્રવાહને કારણે ખેડા-ધોળકા સ્ટેટ હાઈવે પણ બંધ કરી દેવાયો છે, જેના પગલે વાહનવ્યવહાર થંભી ગયો છે અને અનેક વાહનો અટવાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે અંદાજે ૧૫૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ખેડા જિલ્લામાં સાબરમતી નદીના વધતા જળસ્તરને કારણે અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નદીના કિનારે આવેલા રસીકપુરા, નાની કલોલી, અને પથાપુરા ગામોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ગામોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને મોટું નુકસાન થયાની આશંકા છે. લોકોએ પોતાના ઘરો છોડીને સલામત સ્થળે આશરો લેવાની ફરજ પડી છે. આકસ્મિક પરિસ્થિતિને કારણે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોની હાલત કફોડી બની છે,
પૂરના પાણી ખેતીના પાકોને પણ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. પાણી ભરાઈ જવાથી પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ટીમો પણ મદદે આવી છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે.
વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરાયેલા લોકો માટે ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સાબરમતી નદીમાં પાણીનું સ્તર હજી પણ ઊંચું હોવાથી આગામી સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતા છે, અને તંત્ર દ્વારા તમામ સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્થાનિકોએ પણ વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપ્યો છે.