ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ભાદરવી પૂનમે 48 લાખનો પ્રસાદ વહેંચાયો

પૂનમના દિવસે આખો દિવસ વરસાદ ચાલુ હોવા છતાં પણ એક લાખથી વધુ સંખ્યામાં માઇ ભક્તોએ આવી દર્શન કર્યા હતા.
ભાદરવી પૂનમે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સુપ્રસિદ્ધ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ભાદરવી પૂનમે લાખો માઈ ભક્તોએ કમળ પર બિરાજમાન મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ભાદરવી પૂનમ ના મહા મેળા માટે ઘણા દિવસો પહેલાથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ હતી. મંદિર અને પરિસરમાં સ્વચ્છતા કરાઈ હતી તથા રંગબેરંગી પુષ્પોથી મંદિરને શણગારવામાં આવ્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં આવનાર માઈભક્તોને દર્શન માટે પ્રસાદ માટે જમવા માટે કે મેળામાં ફરવા માટે કે અન્ય કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે ટ્રસ્ટ તરફથી તમામ તૈયારીઓ કરી લેવાઈ હતી.
માઈભક્તોને પ્રસાદ માટે ૩૦૦ ડબા ઘીનો પ્રસાદ બનાવાયો હતો અને આશરે ૪૮ લાખનો પ્રસાદ વહેંચાયો હતો. પૂનમના દિવસે આખો દિવસ વરસાદ ચાલુ હોવા છતાં પણ એક લાખથી વધુ સંખ્યામાં માઇ ભક્તોએ આવી દર્શન કર્યા હતા. પૂનમ સુધીમાં સાત લાખથી વધુ માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. અને ૭૦૦ થી વધુ સંઘો મંદિરે આવી માને ધજાઓ ચડાવી હતી.
આ વખતે જિલ્લા વહીવટી તંત્ર ઉપરાત ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા પણ માં અંબાને ધજા ચડાવી હતી. મેળાના દિવસો દરમિયાન ટ્રાફિકની અને અન્ય કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે ખેડબ્રહ્મા પોલીસના પી.આઈ સાધુ, પીએસઆઈ વહોનિયા તથા સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.