પાવાગઢમાં રોપ-વે અકસ્માતની ઘટનામાં જવાબદાર સામે કાર્યવાહી કરાશેઃ કલેકટર

ગોધરા, સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શનિવારે ગણેશ વિસર્જનના દિવસે બપોરના સુમારે એક માલ વાહક રોપ-વે એટલે કે ગુડ્સ રોપ-વની ટ્રોલી તુટી પડવાની ઘટના સર્જાતા૬ લોકોના ઘટનાસ્થળે કરૂણમોત થયા હતા.
આ ઘટનાના મામલે સરકારમાંથી થયેલા તપાસના આદેશના પગલે જિલ્લા કલેકટર અજય દહિયા સહિત ટેકનિકલ તપાસ સમિતિએ તપાસનો આરંભ કરી દીધો છે. રવિવારે ઘટનાસ્થળની લીધેલી મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ઘટનામાં જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી થશે.
બનાવની જાણ થતા જિલ્લા કલેકટર અજય દહીયા જિલ્લા પોલીસ વડા ડો. હરેશ દુધાત તેમજ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓલાગતા વળગતા તંત્રના અધિકારીઓ સહિતના લોકો ઘનટા સ્થળે તેમજ હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને અનુલક્ષીને ગઈકાલે સાંજે જ પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક તપાસના આદેશો જાહેર કરાયા હતા.
જિલ્લા કલેકટર અજય દહિયાએ જણાવ્યું હતું કે ટેકનિકલ સમિતિ અને એફએસએલની ટીમની હાલની તપાસના આધારે પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે કે ટાવર નંબર ત્રણ અને ચાર વચ્ચે આવેલ મેઈન કેબલ તુટી જવાના કારણે ગુડ્સ રોપ-વેની ટ્રોલી તેજ ગતિ સાથે નીચેની તરફ ધકેલાઈને ટાવર નંબર એક સાથે અથડાતા આ ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી.
જેમાં ઘટના સ્થળે છ લોકોના મોતની દુઃખદ ઘટના બનેલ છે. જે પોઈન્ટ છે જ્યાંથી રોપ તુટવાની ઘટના બનેલ છે તે રોપના છેડાની શોધખોળ ચાલુ છે. હાલના વરસાદી ખરાબ વાતાવારણના કારણે રોપના છેડા હજુ મળેલ નથી પંરતુ રોપના બન્ને છેડા મળશે તો તેને એફએસએલમાં તપાસ અર્થે મોકલી અપાશે. આ ઘટનામાં રિપોર્ટ આવ્યા બાદ જે કોઈની પણ જવાબદારી સામે આવશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.