Western Times News

Gujarati News

રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદે છે તે બ્લડ મની છેઃ નવારોનો વધુ એક લવારો

ન્યૂયોર્ક, ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવતા ઓઈલથી અમેરિકાના પેટમાં ઉપડેલો દુઃખાવો મટવાનું નામ નથી લઈ રહ્યો. રશિયન ઓઈલની ખરીદી બદલ ભારત પર ૫૦ ટકાનો જંગી ટેરિફ લાદ્યા પછી પણ અમેરિકાની પીડા ઓછી નથી થઈ રહી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વેપાર સલાહકાર પીટર નવારો વારંવાર આ મામલે એલફેલ નિવેદનો કરી રહ્યાં છે.

નવારોએ આ મામલે કરેલાં વધુ એક બેજવાબદાર નિવેદનમાં સોમવારે ભારત દ્વારા કરાતી રશિયન ઓઈલની ખરીદીને ‘બ્લડ મની’ ગણાવી હતી.

નવારોના દાવા અનુસાર યુક્રેન સંઘર્ષ પૂર્વે ભારત રશિયા પાસેથી મોટાં પ્રમાણમાં ઓઈલની ખરીદી કરતું નહોતું. એક્સ પરની એક પોસ્ટમાં નવારોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાે તે અગાઉ ભારત રશિયા પાસેથી બહું ઓઈલ નહોતું ખરીદતું. આ બ્લડ મની છે, લોકો મરી રહ્યાં છે.

ગયા અઠવાડિયે, વ્હાઇટ હાઉસના વેપાર અને ઉત્પાદન માટેના વરિષ્ઠ સલાહકાર નવારોએ એક પોસ્ટમાં કહ્યું હતું કે,ભારતના ઊંચા ટેરિફને પગલે અમેરિકામાં લોકોની રોજગારીઓ છીનવાઈ રહી છે. ભારત ફક્ત નફો રળવા માટે રશિયન તેલ ખરીદે છે. ભારતની ખરીદીથી રશિયાને થતી આ આવક રશિયા યુદ્ધ લડવામાં ખર્ચે છે. યુક્રેનિયનો અને રશિયનો મરી રહ્યા છે.

યુ.એસ.ના કરદાતાઓ વધુ ખર્ચ કરી રહ્યા છે. ભારત સત્ય સહન કરી શકતું નથી અને ગેરમાર્ગે દોરી રહ્યું છે. જોકે એક્સ પર કરાયેલી નવારોની પોસ્ટ પર યુઝર્સે ફેક્ટ ચેક્સ પોસ્ટ કરી હતી. જેમાં ગયા મહિને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાયેલી બેઠક અંગે પુતિને કરેલાં નિવેદનના અહેવાલોને ટાંકવામાં આવ્યાં હતાં.

જે મુજબ રાષ્ટ્રપ્રમુખ પદે ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકા અને રશિયા વચ્ચેના વેપારમાં વધારો થયો હોવાનું જણાવાયું છે. જોકે આ ફેક્ટ ચેક પોસ્ટથી અકળાયેલાં નવારોએ મસ્કની ટીકા કરતાં કહ્યું હતું કે, એક્સના અબજોપતિ માલિક લોકો દ્વારા કરવામાં આવતી પોસ્ટમાં પ્રોપોગેન્ડા ઘુસાડી રહ્યાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.