‘જો તમે એક રાજનેતા હોવ તો તમારે સહન કરવા જાડી ચામડી રાખવી જોઈએ’: સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને એક મામલામાં મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે રેવંત રેડ્ડીની સામે માનહાનિના કેસ દાખલ કરવાની તેલંગાણા ભાજપની અરજી ફગાવી દીધી છે.
આ મામલો ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે નિવેદનને લગતો છે.ચીફ જસ્ટિસ બી આર ગવઈએ સોમવારે સુનાવણી દરમિયાન કહ્યું કે, ‘જો તમે એક મજબૂત રાજનેતા છો તો તમારે આ બધું સહન કરવા માટે મોટી ચામડી રાખવી જોઈએ.’
હકીકતમાં, તેલંગાણા પ્રદેશ ભાજપે મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીની સામે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમના ભાષણને લઈને માનહાનિનો કેસ દાખલ કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેલંગાણા હાઈકોર્ટે આ મામલાને ફગાવી દીધો હતો.
તેલંગાણા ભાજપે હાઈકોર્ટના આ આદેશને પડકારીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેલંગાણા ભાજપના મહામંત્રી કરમ વેંકટેશ્વરલાઉ દ્વારા દાખલ અરજીમાં આક્ષેપ કરાયા હતા કે રેડ્ડીએ એક ભાષણ આપ્યુ હતું જેનાથી ભાજપની બદનામી થઈ હતી.
નીચલી કોર્ટે તેલંગાણાના મુખ્યમંત્રીની સામે કેસ નોંધવા આદેશ આપ્યો હતો, જે હાઈકોર્ટે ફગાવી દીધો હતો. તેલંગાણા હાઈકોર્ટે ૧ ઓગસ્ટે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની અરજી સ્વીકારી હતી, જેમાં તેમણે હૈદરાબાદની એક નીચલી કોર્ટમાં પડતર મામલાની કાર્યવાહી રદ કરવા માંગ કરી હતી.
હાઇકોર્ટના જસ્ટિસે અરજી સ્વીકારતી વખતે કહ્યું કે માનહાનિ સંદર્ભિત ટિપ્પણીઓ(જો કોઈ હોય) રાષ્ટ્રીય ભાજપની સામે કરાઈ હતી અને ભાજપ(તેલંગાણા)ને સીઆરપીસીની કલમ ૧૯૯(૧) અંતર્ગત ‘પીડિત વ્યક્તિ’ માની શકાય નહીં.
આ અરજી આઠમી સપ્ટેમ્બર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન અને જસ્ટિસ અતુલ એસ ચંદુરકરની બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવી હતી.SS1MS