Western Times News

Gujarati News

છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં 119 રોજગાર મેળાઓના સફળ આયોજન થકી ૨૦ હજારથી વધુ યુવાઓને રોજગારી મળી: બલવંતસિંહ રાજપૂત

દિવ્યાંગો માટે ૦૭ ભરતીમેળા થકી ૨૭૮ દિવ્યાંગોને તથા મહિલાઓ માટે ૦૨ ભરતીમેળા યોજી ૭૮૪ મહિલાઓને રોજગારી અપાઈ

ગાંધીનગર, રાજ્યમાં રોજગાર મેળા વિશે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૧૧૯ રોજગાર મેળાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળાઓ થકી ૨૦,૧૯૫ યુવાઓને રોજગારી મળી છે.

વધુમાં રોજગાર મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના રોજગારવાંચ્છુઓ માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અનુબંધમ વેબપોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર ઉમેદવારો પોતાના ઘરે બેઠા નોંધણી કરી શકે છે અને નોકરીદાતા તેમની ખાલી જગ્યાઓ ઓનલાઈન નોંધાવી શકે છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી હેઠળ રાજયમાં ૪૬ રોજગાર કચેરીઓ કાર્યરત છે. રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની યોગ્ય તકો મળી રહે તે માટે રાજ્યની રોજગાર કચેરીઓ ખાતે નામ નોંધણી, ખાલી જગ્યાઓ સામે ઉમેદવારોની ભલામણ, રોજગાર ભરતીમેળા, કારકિર્દી સલાહ અને માર્ગદર્શન જેવી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આઈકામેટ એચ.આર ઈન્ડિયા પ્રા.લી, ટાટા મોટર્સ, ઝાયડસ લાઈફસાયન્સ લી., યુનિસન ફાર્માસ્યુટીકલ્સ પ્રા.લી જેવા વિવિધ નોકરીદાતાઓ દ્વારા યુવાઓને રોજગારી આપવામાં આવી છે.

પેટા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાની રોજગાર કચેરી દ્વારા છેલ્લા બે વર્ષમાં ખાસ જૂથો તરીકે દિવ્યાંગો અને મહિલાઓ માટે રોજગાર ભરતીમેળાઓ અલગથી આયોજીત કરવામાં આવ્યા હતા. જેમાં દિવ્યાંગો માટે ૦૭ ભરતીમેળા થકી ૨૭૮ દિવ્યાંગોને તથા મહિલાઓ માટે ૦૨ ભરતીમેળા યોજી ૭૮૪ મહિલાઓને રોજગારી આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.