Western Times News

Gujarati News

નારોલમાં મોપેડ પર પસાર થતાં વરસાદી પાણીમાં વીજ કરંટથી દંપતીનું કરુણ મોત

ત્રણથી ચાર ફૂટ વરસાદી પાણીમાં મોપેડ પસાર થતી વખતે ઘટના – લોકોમાં આક્રોશ-જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરવા કૉંગ્રેસની માંગ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના નારોલ વિસ્તારની મટન ગલીમાં મંગળવારે સાંજે ભારે વરસાદને કારણે ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. આ પાણીમાંથી પસાર થઈ રહેલા મોપેડ (GJ 27 DD 0314) પર સવાર દંપતીને અચાનક વીજ કરંટ લાગતા કરુણ ઘટના સર્જાઈ હતી. Ahmedabad Narol Electrocution Case:

મોપેડ પર સવાર રાજન હરજીવનભાઈ સિંઘલ (33) અને તેમની પત્ની અંકિતાબેન (27) કરંટ લાગતા પટકાઈ ગયા. બંનેએ છેલ્લી ક્ષણે આસપાસના લોકોને પાણીમાં આગળ ન આવવા ચેતવણી આપી હતી. ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો અને વીજ કંપનીને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો. જોકે ત્યાં સુધીમાં દંપતીનું જીવન ખોવાઈ ચૂક્યું હતું. મૃતદેહોને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા.

આ દુઃખદ અકસ્માતના મૃતક રાજનભાઈ સિંઘલ અને અંકિતાબેન નારોલના રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા હતા. તેમના પિતા હાલ એલ.જી. હોસ્પિટલમાં ફેફસાની સારવાર લઈ રહ્યા છે. તે વચ્ચે દંપતી ઘેર જમવા માટે નીકળ્યા હતા પરંતુ અચાનક આફત તૂટી પડતાં સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટનાની ખબર ફેલાતા મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ભેગા થયા. લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા હતા.

લોકોનું કહેવું હતું કે દર વર્ષે કરોડો રૂપિયા પાણી નિકાલ અને રોડ સુધારણા માટે ખર્ચાય છે છતાં દર વરસે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે.     મ્યુનિસિપલ વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો કે, “આ દુર્ઘટના તંત્રની બેદરકારીનું પરિણામ છે. વરસાદી પાણીની યોગ્ય નિકાલ હોત અને વીજ સલામતીની તકેદારી લેવામાં આવી હોત તો નિર્દોષ દંપતીનું જીવન બચી શકત.

વિપક્ષે મૃતકોના પરિવારને પૂરતું વળતર આપવા તથા જવાબદાર અધિકારીઓને હકાલપટ્ટી કરી પોલીસ કેસ દાખલ કરવાની માંગ કરી છે. આ ઘટના બાદ “સ્માર્ટ સિટી”ના દાવાઓ પર સવાલો ઉભા થયા છે. નારોલ જેવા વિસ્તારોમાં પાણી ભરાવું અને કરંટ લાગવું એ શહેરના વિકાસની પોલ ખુલ્લી પાડે છે. લોકોમાં આક્રોશ છે કે જો તંત્ર હવે પણ જાગશે નહીં તો આવનારા દિવસોમાં આવી દુર્ઘટનાઓ ફરી બનવાની શક્યતા નકારી શકાય નહિ.

નારોલ દુર્ઘટના મામલે કોંગ્રેસનો આક્રોશ

અમદાવાદના નારોલ વિસ્તારમાં વરસાદી પાણીમાં કરંટ લાગતાં દંપતીના મોત પછી કોંગ્રેસ પક્ષે તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ તથા કોંગ્રેસના કોર્પોરેટરો ઘટનાસ્થળે પહોંચી મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી અને તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી.

કોંગ્રેસ દ્વારા પોલીસ અધિક્ષક, સેક્ટર–૨ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવાયું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા વીજ કંપનીની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની છે. આવેદનમાં જવાબદાર અધિકારીઓ સામે FIR દાખલ કરી કાનૂની કાર્યવાહી કરવાની તથા મૃતકોના પરિવારને પૂરતું વળતર આપવાની માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસે આ ઘટનાને “સ્માર્ટ સિટી”ના દાવાની પોલ ખુલ્લી પાડનાર ગણાવી તંત્રની કાર્યક્ષમતા પર પ્રશ્નચિહ્ન મૂક્યું છે. વિપક્ષે ચેતવણી આપી છે કે જો તંત્ર તરત જ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં નહીં ભરે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.