Western Times News

Gujarati News

હિમાચલને રૂ. ૧૫૦૦ કરોડ અને પંજાબને રૂ.૧૬૦૦નું વળતર PM મોદીએ જાહેર કર્યુ

મોદીએ હિમાચલ પ્રદેશ-પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સરવે કર્યો

(એજન્સી)શિમલા, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં સર્જાયેલી કુદરતી આફતનો હવાઈ સરવે કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર પ્રભાવિત ક્ષેત્રો માટે રૂ. ૧૫૦૦ કરોડની નાણાકીય સહાય જાહેરાત કરી છે. જ્યારે પંજાબ માટે રૂ.૧૬૦૦ કરોડની સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને રૂ. ૨-૨ લાખની સહાય અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરી છે.

વડાપ્રધાન મોદીએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરી સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ તેમને સંભવિત તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. વડાપ્રધાને એનડીઆરએફ, એસડીઆરએફ અને આપત્તિ નિવારણ સ્વયંસેવકોની પણ મુલાકાત કરી તેમની રાહત-બચાવ કામગીરીને બિરદાવી હતી. ગગ્ગલ એરપોર્ટ પર પીએમએ મંડીના સરાજની ૧૧ માસની નીતિકાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. નીતિકાના બા, માતા અને પિતા પૂરમાં તણાઈ ગયા હતા.

વડાપ્રધાન મોદીએ પોતાના એક્સ એકાઉન્ટ પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં ભારે પૂર અને ભૂસ્ખલનના કારણે અમુક લોકો સાથે વાતચીત કરવામાં આવી છે. તેમની પીડા, અને નુકસાન મનને હચમચાવી નાખે તેવી છે. ખરાબ હવામાનના સંકટનો સામનો કરી રહેલા દરેક વ્યક્તિ સુધી રાહત અને સહાયતા પહોંચાડવા માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

પીએમ મોદીએ કાંગડાના પુર પ્રભાવિત વિસ્તારોમાં હવાઈ મુલાકાત લીધી હતી. બાદમાં તેઓ કાંગડાના ગગ્ગલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ, રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લ, અને વિપક્ષ નેતા જયરામ ઠાકુર સહિત અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. હિમાચલ પ્રદેશ આપત્તિ નિવારણ તરફથી ૯ સપ્ટેમ્બર સુધીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

૨૦ જૂનથી ચોમાસુ શરૂ થયુ હતું. રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખ્લનના કારણે ૩૬૬ લોકોના મોત નીપજ્યા હતા. ૪૧ લોકો ગુમ થયા અને ૪૨૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આફતના કારણે ૬૩૦૧ મકાન ધરાશાયી થયા હતા. ૧૯૯૧ ઢોર-ઢાંખર અને ૨૬૯૫૫ પોલ્ટ્રી બર્ડ્‌સ તણાયા છે.

અત્યારસુધી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી કુદરતી આફતમાં રૂ. ૪૦૮૦ કરોડથી વધુનું નુકસાન થયુ હોવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે, છેલ્લા ત્રણ વર્ષમાં હિમાચલ પ્રદેશે ચોમાસાની સીઝનમાં ૧૭ હજાર કરોડનું નુકસાન ભોગવ્યું છે.

પંજાબમાં પૂરની પરિસ્થિતિની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુદાસપુરના પૂરથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. ત્યારબાદ ગુરુદાસપુરમાં યોજાયેલી બેઠકમાં થયેલા નુકસાનનો અંદાજ લીધા બાદ પંજાબ માટે ૧૬૦૦ કરોડની વધારાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. આ રકમ રાજ્ય પાસે પહેલેથી ઉપલબ્ધ રૂ.૧૨,૦૦૦ કરોડની રકમ ઉપરાંત હશે.

વડા પ્રધાન મોદીએ પૂરમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને રૂ.૨ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ.૫૦,૦૦૦ની સહાય આપવાની પણ જાહેરાત કરી. હવાઈ સર્વે બાદ મોદીએ ગુરુદાસપુર ખાતે એસડીઆરએફ અને એનડીઆરએફના જવાનોથી મળ્યા, તેમજ પૂરગ્રસ્ત લોકોને અને આપત્તિ મિત્રોને પણ મળ્યા. આ દરમિયાન રાહત અને બચાવ કામગીરી અંગે ફોટો પ્રદર્શની દ્વારા જાણકારી આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.