વડોદરાની સયાજી હોસ્પિટલના એસો. પ્રોફેસર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

વડોદરા, વડોદરાની સયાજી હોસ્પિટલમાં સાઇકિયાટ્રિક વિભાગમાં એસો. પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં ૫૪ વર્ષિય ડો. ચિરાગ બારોટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં તબીબી આલમમાં ચકચાર મચી ગઇ છે. સિનિયર તબીબે લગ્નની લાલચ આપીને હોમિયોપેથિક તબીબ મહિલાની સાથે લાંબા સમયથી શારીરીક સબંધ બાંધ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ફરિયાદના પગલે પોલીસે તબીબની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વડોદરા સ્થિત સયાજી જનરલ હોસ્પિટલમાં સાઇકિયાટ્રિક વિભાગમાં ફરજ બજાવતાં ૫૪ વર્ષીય સિનિયર તબીબ ચિરાગ બારોટ (રહે. ગોકુલધામ સોસાયટી, વિદ્યાવિહાર સ્કૂલ પાસે, સુભાનપુરા) પરિણીત છે, તેઓ લાંબા સમયથી સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યાં છે.
આ સાથે તેઓ મેડિકલના વિદ્યાર્થીઓને લેકચર પણ આપે છે.ગત ૨૦૦૮માં તેઓ એક કાર્યક્રમ દરમિયાન પીડિત મહિલા હોમિયોપેથિક તબીબના સંપર્કમાં આવ્યા હતા. તે સમયે બન્નેએ મોબાઇલ નંબરની આપ લે કરી હતી. ફોન પર એક બીજા સાથે સંપર્કમાં આવતા બન્ને વચ્ચે ધીમે ધીમે નિકટતા વધી હતી. ત્યારબાદ વચ્ચે શારીરીક સંબંધો પણ બંધાયા હતા.
પીડિત મહિલા તબીબના ૨૦૧૦માં તેમના પતિ સાથે છુટાછેડા થયા હતા.છુટાછેડા થયા ડો. ચિરાગ બારોટ અને પીડિતા વચ્ચે નિકટતા વધી હતી. તેઓ વારંવાર મળતા અને ડો. ચિરાગ બારોટ પોતે પરિણિત હોવા છતા પોતાની પત્નીને છુટાછેડા આપી પીડિતાને લગ્ન કરવાના વાયદા કરતા હતા.
સમય વિતતો ગયો પરંતુ પીડિતાને કરેલા વાયદા ડોકટરે પૂર્ણ ન કર્યા અને અન્ય કોઇની સાથે સંબંધ ન રાખવા માટે પણ દબાણ કરતા હતા. ૨૦૦૮થી ડો. ચિરાગ બારોટ પીડિતાને લગ્ન કરવાની લાલચ આપી શારીરીક સંબંધ બાંધતા રહ્યા હતા.
તેવામાં ડો. ચિરાગ બારોટના શારીરીક ત્રાસથી કંટાળી આખરે પીડિત મહિલા તબીબે આ મામલે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. ચિરાગ બારોટ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તેમની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ તબીબની પત્ની પણ તબીબ હોવાનું સામે આવ્યુ હતુ.SS1MS