રેલવે કર્મચારીની પુત્રી પૂજા કુમારી, કોમ્બેટ રેસલિંગની ચમકતી સ્ટાર

ગુજરાતથી કરી શરૂઆત, હવે વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી
Ahmedabad, પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ, અમદાવાદમાં કાર્યરત જનરલ આસિસ્ટન્ટ શ્રી મનોજ કુમાર અને શ્રીમતી અંજુ દેવીની પુત્રી પૂજા કુમારીએ કોમ્બેટ રેસલિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. બિહારમાં જન્મેલી પૂજા હાલમાં કર્ણાટકમાં એમબીએ કરી રહી છે અને તેણે અમદાવાદ (ગુજરાત)થી પોતાની રમતગમત કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે રેસલિંગની તાલીમ પંજાબથી મેળવી હતી.
પૂજાએ એપ્રિલ 2024માં શ્રીલંકામાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપ અને મે 2024માં નેપાળમાં યોજાયેલી સાઉથ એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ગર્વથી ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. તાજેતરમાં, ગોરખપુરમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં, તેણે ફરી એકવાર ગોલ્ડ મેડલ જીતીને લંડનમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું છે.
પૂજા કહે છે, ‘મેટ પર ઊતર્યા પછી ફક્ત ગોલ્ડ જ દેખાય છે, પછી ભલે મારી સામે કોઈપણ હોય.’ તેની આ સફરમાં પરિવાર, ખાસ કરીને તેના પિતા શ્રી મનોજ કુમાર અને કોચ મોનિકાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ગોરખપુરમાં યોજાયેલી આ રાષ્ટ્રીય સ્પર્ધામાં 400થી વધુ ખેલાડીઓની હાજરીમાં પૂજા સહિત ઘણા સ્પર્ધકોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ અવસરે રમતપ્રેમીઓએ ઓલિમ્પિકમાં કોમ્બેટ રેસલિંગનો સમાવેશ કરવાની તેમની માગનો પણ પુનરોચ્ચાર કર્યો હતો . પૂજા કુમારીની આ સિદ્ધિ માત્ર રેલવે પરિવાર માટે જ નહિ, પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે.