મહીસાગર જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન નવા કાળવા ખાતે યોજાયું
લુણાવાડા: ગુજરાત રાજ્ય પશુપાલન ખાતા, મહીસાગર જિલ્લા પંચાયત – લુણાવાડા તાલુકા પંચાયત પશુપાલન શાખા અને પશુ દવાખાના દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર- કમ પ્રદર્શન લુણાવાડા તાલુકાના નવા કાળવા ગાયત્રી મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ખાંટના અધ્યક્ષસ્થાને ધારાસભ્યશ્રી જીજ્ઞેશભાઇ સેવક અને જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ ખેડૂતો અને પશુપાલકોના વર્ષ ૨૦૨૨ સુધીમાં આવક બમણી કરવાનું લક્ષ્યને સાર્થક કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે પશુપાલકોને પશુઓના સ્વાસ્થ્ય માટે અંધશ્રદ્ધામાંથી બહાર આવી પશુ ચિકિત્સકોની સલાહ મેળવી વૈજ્ઞાનિક ઢબથી પશુપાલન કરવા અપીલ કરી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ પશુપાલનના વ્યવસાયમાં પશુઓના સ્વાસ્થ્ય, દૂધ ઉત્પાદનમાં વધારો કરવા તેમજ આવક વૃધ્ધી માટે પશુપાલન વિભાગનું માર્ગદર્શન મેળવવા આ શિબિર ઉપયોગી નીવડશે તેમ જણાવ્યું હતું.આ શિબિરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પટેલ, નાયબ પશુપાલન નિયામકશ્રી એમ.જી.ચાવડા, પશુ ચિકિત્સકો, પંચામૃત ડેરીના અધિકારીઓએ આદર્શ પશુપાલન અંગે સ્વચ્છતા, પશુઓના સ્વાસ્થ્ય, દૂધની ગુણવત્તા, પશુ આહાર, પશુઓનો ગુણવત્તાયુક્ત ખોરાક, સરકારની યોજનાઓ અંગે પશુપાલકો માર્ગદર્શન અને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય, પશુપાલન શાખાના કર્મીઓ, વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.