Western Times News

Gujarati News

સુઈગામની ગૌશાળામાં રહેલી 100 જેટલી ગાયોના પૂરને કારણે મોતઃ ગ્રામજનોનો દાવો

બનાસકાંઠાના નડાબેટ સહિત ૧૦ ગામો ત્રીજા દિવસે પણ સંપર્ક વિહોણાં

(એજન્સી)પાલનપુર, અતિભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના તમામ ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્રીજા દિવસે પણ સુઇગામ તાલુકાના નડાબેટ સહિત ૧૦ ગામો સંપર્ક વિહોણાં છે.

પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પાણીમાં ફસાયેલા ૧૬૭૮ લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યું તથા સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે હજુ પણ નવ જેટલા ગામો સંપર્ક વિહોણા છે.સરહદી વિસ્તારના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં સુઇગામ તાલુકાના ૧૦ જેટલા ગામો હજુ પણ સંપર્ક વિહોણાં છે.

જ્યારે મોટાભાગના તાલુકામાં વરસાદ પડ્યાના ત્રણ દિવસ થવા છતાં અંધારપટ છવાયેલો છે. જોકે વરસાદ બંધ થતાં તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવી બચાવ અને રાહત કામગીરી તેજ બનાવવામાં આવી છે. સુઇગામના ત્રણ રસ્તા, રૂપાણી વાસ, શિવનગર સહિત નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ જતાં ૨૦૦ જેટલા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે અનેક ગામોમાં કપરી પરીસ્થિતિના કારણે એ ગામોમાં જવા-આવવા માટે ટ્રેક્ટર કે એનડીઆરએફની હોડીમાં જ ફુડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યાં છે. તો હજુ પણ સુઈગામ તાલુકાના કેટલાક ભાગોમાં કેડ સમા પાણી ભરાયેલા છે. જેના લીધે અનેક પશુઓના મોત થવાની શક્યતા છે. મોટા ભાગના ઘરોમાં ઘરવખરી, અનાજ સહિત બધી વસ્તુઓ પાણીમાં ગરકાવ છે.

જ્યારે વધુ પાણી ભરાતા સુઈગામની ગૌશાળામાં રહેલી ૧૦૦ જેટલી ગાયોનું પણ મોત થયું હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે. આ ઉપરાંત વાવ તાલુકાના રેલ નદીને અડીને આવેલા ખાનપુર અને નાગલા ગામના પટ્ટામાં આવતા માડકા સહિત ઘણા ગામડાઓમાં વરસાદી પાણીને કારણે સંપર્ક વિહોણા બન્યા છે. વાવ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં વીજળી હજુ સુધી પહોંચી શકી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.