Western Times News

Gujarati News

300 કરોડના ખર્ચે તૈયાર થશે અમદાવાદમાં રર.૩ કિ.મી.નો ઈસ્ટ-વેસ્ટ કોરીડોર

પ્રતિકાત્મક AI Image

શરૂઆતમાં પાયલોટ તરીકે ઓગણજ સર્કલ થી ઋષિ દાધીચી બ્રિજ સુધીનો ૧૦.૨૩ કિ.મી.નો રોડ સ્ટ્રેચ પસંદ કરાયો છે.

ઓગણજ સર્કલથી રામોલ ટોલ પ્લાઝાઃ રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ પહોળી ફુટપાથ તૈયાર થશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સરળતાની સાથે સાથે રોડને સુશોભિત કરવા માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહયા છે. શહેરના એરપોર્ટ સર્કલથી ઈÂન્દરાબ્રિજ સુધી આઈકોનીક રોડ બનાવ્યા બાદ હવે અન્ય ૧૦ જેટલા સ્થળે આઈકોનીક રોડ બનાવવામાં આવી રહયા છે.

શહેરનો મહત્તમ ટ્રાફિક પૂર્વથી પશ્ચિમ તરફ અવરજવર કરે છે જેને ધ્યાનમાં લઈ કોર્પોરેશન દ્વારા ઈસ્ટ-વેસ્ટ કોરીડોર તૈયાર કરવામાં આવશે જે ઓગણજથી શરૂ થઈ રામોલ ટોલપ્લાઝા પાસે પૂર્ણ થશે જેના માટે અંદાજે રૂ. ૩૦૦ કરોડ જેટલો ખર્ચ થશે.

શહેરની કનેક્ટિવિટી માટે મહત્વનો ગણાતો સરદાર પટેલ (એસ.પી.) રિંગ રોડ હવે વિકાસનું કેન્દ્ર બની રહ્યો છે. આ રોડ રહેણાંક વિસ્તાર, ઉદ્યોગ ક્ષેત્રો અને વ્યાપારી હબને સીધા જોડે છે. સાથે જ,એ સરખેજ–ગાંધીનગર (એસ.જી.) હાઈવે જેવા મોટા રસ્તાઓ સાથે પણ સરળ કનેક્ટિવિટી આપે છે. જેને ધ્યાનમાં લઈ ઓગણજ સર્કલ થી રામોલ ટોલ પ્લાઝા (૨૨.૩૦ કિ.મી.) કોરિડોર શહેર માટે બહુ મહત્વનો છે, કેમ કે અહીં ગોડાઉન, દુકાનો અને અન્ય વ્યાપાર ઝડપથી વધી રહ્યા છે.

જો આ કોરિડોર મજબૂત બનશે તો પૂર્વથી પશ્ચિમ તરફ જતાં વાહનોને ઘણી રાહત મળશે. શરૂઆતમાં પાયલોટ તરીકે ઓગણજ સર્કલ થી ઋષિ દાધીચી બ્રિજ સુધીનો ૧૦.૨૩ કિ.મી.નો રોડ સ્ટ્રેચ પસંદ કરાયો છે. અહીં રોડ ડિઝાઇન, ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામતીના ખાસ સુધારા કરવામાં આવશે. દધીચી બ્રીજથી શાહપુર, કાલુપુર થઈ કાંકરિયા, ખોખરાબ્રીજ થઈ આ રોડ રામોલ ટોલ પ્લાઝા સુધી જશે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર થનાર ઈસ્ટ-વેસ્ટ કોરીડોરમાં નાગરિકો માટે અલગથી સાઈકલ લેન રાખવામાં આવશે. આ ઉપરાંત રોડ પર ગ્રીન કવર વધારવા માટે અને આરામદાયક મુસાફરી માટે ૬ હજાર કરતા વધુ વૃક્ષ લગાવવામાં આવશે. રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ પહોળી ફુટપાથ તૈયાર થશે.

કોરિડોરમાં સ્ટ્રીટ ફર્નિચર જેમ કે બેસવા માટે બેંચ, પ્લાન્ટર બોક્સ, કચરાપેટી અને માહિતી આપતી સાઇનેજ જાહેર જગ્યાઓના સૌંદર્ય અને ઉપયોગિતામાં વધારો કરશે. અપગ્રેડ કરેલી બસ સ્ટોપ સાથે શેલ્ટર અને વિશાળ રાહ જોવાની જગ્યા રોજિંદા મુસાફરો માટે આરામ અને સુવિધામાં વધારો કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.