દર્દીની દરેક મેડિકલ જટિલતાને તબીબી બેદરકારી ન ગણી શકાયઃ કન્ઝ્યુમર કોર્ટ

નવી દિલ્હી, મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ સામેની ફરિયાદને ફગાવી દઈને દિલ્હીની કન્ઝ્યુમર કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતુ કે દર્દીમાં ઊભી થયેલી દરેક મેડિકલ જટિલતા માટે તબીબી બેદરકારીને જવાબદાર ગણી શકાય નહીં. દર્દીમાં તબીબી બેદરકારીને કારણે જટિલતા ઊભી થઈ છે, તેવું નિષ્કર્ષ કાઢવા માટે પૂરતા પ્રમાણમાં તથ્થો અને તબીબી પુરાવા રજૂ કરવા જરૂરી છે.
બેદરકારી સાબિત કરવાની જવાબદારી ફરિયાદી પર રહે છે અને આ કેસમાં કોઈ નિષ્ણાત અભિપ્રાય રેકોર્ડ પર મૂકવામાં આવ્યા નથી.દિલ્હી રાજ્ય ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે ૪ સપ્ટેમ્બરે આ ચુકાદો આપ્યો હતો.
ફરિયાદમાં દાવો કરાયો હતો કે ૨૩ માર્ચ, ૨૦૧૬એ અકસ્માત થયા પછી દર્દી સિદ્ધાર્થ જૈન હોસ્પિટલમાં ગયા હતાં, જ્યાં સમય બગાડવામાં આવ્યો હતો અને ગોલ્ડન અવરમાં તેમને કોઈ પ્રાથમિક સારવાર અપાઈ ન હતી. કમિશને મેડિકલ ડોક્યુમેન્ટ્સની નોંધ લીધી હતી. તેમાં જણાવાયું હતું કે દર્દીને યોગ્ય સારવાર અપાઈ હતી અને ઘૂંટણની ઇજા માટે પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં રિફર કરાયો હતો. આ પછી દર્દીએ વધુ મેડિકલ તપાસ માટે સહકાર આપ્યો ન હતો અને તબીબી સલાહ વિરુદ્ધ રજાની વિનંતી કરી હતી.
ડિસ્ચાર્જ શીટમાં પણ દર્દીને સંભવિત જોખમો અને પરિણામો અંગે યોગ્ય માહિતી અપાઈ હતી.કમિશને જણાવ્યું હતું કે સવારે ૫ઃ૩૦ વાગ્યે નીકળ્યા પછી દર્દી સવારે ૫ઃ૪૬ વાગ્યે ફરીથી દાખલ થયા હતાં. આ પછી પ્લાસ્ટિક સર્જરી ટીમે તેમને બે તબક્કાની સર્જરીની સલાહ આપી હતી કેટલાક ટેસ્ટ્સ કર્યા હતાં તથા એનેસ્થેસિયા પહેલાની તપાસ અને ઓપરેશન થિયેટર પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી હતી.
કમિશને રેકોર્ડની નોંધ લેતા જણાવ્યું હતું કે જૈને સલાહનું પાલન કર્યું ન હતું અને તેના બદલે તે જ દિવસે સાંજે ૫ઃ૨૬ વાગ્યે તબીબી સલાહ વિરુદ્ધ રજા લીધી હતી.કમિશને જણાવ્યું હતું કે અમારા મતે ફરિયાદીનું ઉપરોક્ત વર્તન બેદરકારી સમાન છે, કારણ કે તેને સારવાર કરી રહેલા ડોકટરોની સલાહનું પાલન કર્યું ન હતું.
તેથી તે નિશ્ચિતપણે કહી શકાય નહીં કે ફરિયાદીને જે જટિલતા સહન કરવી પડી છે તે તેની પોતાની બેદરકારીનું પરિણામ છે કે હોસ્પિટલની બેદરકારીનું પરિણામ છે. જૈને કોઈ પણ પ્રકારના પુરાવા વગર અસ્પષ્ટ શબ્દોમાં બેદરકારીનો આરોપ લગાવ્યો હતો.SS1MS