પવનચક્કીના પેનલ રૂમનું તાળું કુહાડી વડે તોડી કેબલની ચોરી કરનારા 5 ઝડપાયા

Oplus_131072
ભરૂચના અમલેશ્વરની સીમની પવનચક્કીમાંથી કોપર કેબલ ચોરનારા પાંચ શખ્સો ઝડપાયા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામની સીમમાં આવેલી પવનચક્કીના સ્ટોરરૂમ માંથી કોપરના કેબલની ચોરી કરનારા પાંચ ઈસમોને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ડી.એ તુવરની ટીમ પેટ્રોલિંગમાં હતી
ત્યારે તેમને બાતમી મળી હતી કે ભરૂચના બંબાખાના સર્કલ નજીક આવેલી ભંગારની દુકાન પાસે ચાર-પાંચ શખ્સો શંકાસ્પદ વજનદાર વસ્તુઓ ભરેલી થેલીઓ સાથે ઉભા છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી.
પોલીસે તપાસ કરતા ત્રણ મીણીયા થેલીઓમાં છોલેલા કોપર કેબલ સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની ઓળખ જયેશ રાવજીભાઈ વસાવા (ઉ.વ.૨૦), મેહુલ રાજુભાઈ વસાવા (ઉ.વ.૧૯), રાકેશ ગોવિંદભાઈ વસાવા (ઉ.વ.૨૨) (ત્રણેય રહે.અમલેશ્વર), વિજય અર્જુનભાઈ વસાવા (ઉ.વ.૨૫, રહે.ત્રણ કુવા) અને નઈમ ઈલ્યાસ પટેલ (ઉ.વ.૩૪, રહે. શેરપુરા) તરીકે થઈ છે.
આરોપીઓ મુદ્દામાલ અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.કડક પૂછપરછ દરમ્યાન તેઓ ભાંગી પડ્યા હતા અને ચોરીની કબૂલાત કરી હતી. તેમણે જણાવ્યું કે ત્રણ-ચાર દિવસ અગાઉ રાત્રે જયેશ,મેહુલ અને રાકેશ ભેગા મળીને અમલેશ્વર ગામની સીમમાં કોઠિયા ગામ જવાના રોડ પર આવેલી પવનચક્કીના પેનલ રૂમનું તાળું કુહાડી વડે તોડી કેબલની ચોરી કરી હતી.
ત્યાર બાદ બીજી રાત્રે તેમણે કેબલ પરનું પ્લાસ્ટિક કવર છોલી નાખ્યું હતું અને તેને વેચવા માટે ભરૂચના વિજય વસાવા મારફતે નઈમ પટેલની ભંગારની દુકાને ગયા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીનો ૧૫૮ કિલોગ્રામ છોલેલો કોપર વાયર જેની કિંમત ૭૯,૦૦૦ છે, તેમજ ૬ મોબાઈલ ફોન મળીને કુલ ૧,૦૩,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પકડાયેલા પાંચેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ ૨૦૨૩ ની કલમો હેઠળ કાર્યવાહી કરી તેમને ભરૂચ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે.